એક વાર ટહુકો ને ફરી તમીં વાંસળી!
પાલવડો ઢાળ્યો લ્યો, પાડો વિસારે વાત
દીધાં મેણાંની બધી પાછલી!
એક વાર, એક વાર, એક વાર ટહુકો ને જરી તમીં વાંસળી!
ક્યો તો ઘડાવી દઈ જઈને સોનાર કને
સાચા સોનાની એક દામણી,
ને ક્યો તો કઢાવી દઈં બીચ-બ્હાર કાંગરી
હીરા-મોતીની સોહામણી,
એ જી ક્યો તો જઈ ઝૂલીએ કંઠે તમારે
બેય બાયુંની હાંર્યે કરી હાંસળી!
એક વાર, એક વાર, એક વાર ટહુકો ને જરી તમીં વાંસળી!
ક્યો તો વણાવી દઈ કાળી તે ભમ્મર
આ લટ્યની સુંવાળી લોલ કામળી,
ને ક્યો તો આ કુમળી ને વાને તે ઊજળી
કાયાની ઊતરડી ચામડી,
એ જી મોંઘા તે દામના દરજીડા પાસ રૂડી
હાલો સિવરાવી દઈં કાંચળી!
એક વાર, એક વાર, એક વાર ટહુકો ને ફરી તમીં વાંસળી!
કાઢી લ્યો નહીંતર આ કાળજું ને હાર્યોહાર્ય
પીડાએ ફાટફાટ પાંસળી!
એક વાર, એક વાર, એક વાર ટહુકોને જરી તમીં વાંસળી!
૧૯૮૬