એંધાણ

એક-બે હોય તો ઊકલે આ તો વનની ડગર ડગર
ઢેર વેરી એંધાણ વા’લો શા નિજના ભૂલવે સગડ!

આંહીં પડી ફૂલમાળ ગળાની, પણે જો પિચ્છ પડેલું,
પગલ્યાંની ભીની ભાતથી ભરી તટની પાવન વેળુ,
લોલ ચગે હાંર્યે દોલ તે કદંબ ડાળની વાયરા વગર!
ઢેર વેરી એંધાણ વા’લો શા નિજનાં ભૂલવે સગડ!

એક જડ્યું લ્યો મોતન આંહીં કાનનાં કુંડળ કેરું,
લાલ રતૂમડ ભોંય પે પણે પામરી પીળી હેરું,
કહીં હાંર્યે કહીં કહીં છુપાઈ નીરખે ટગર ટગર?!
ઢેર વેરી એંધાણ વા’લો શા નિજનાં ભૂલવે સગડ!

થાય અસૂરું, સ્હોય ના હરિ, હોય ના આવાં ચેડાં,
ક્યાં લગ જમના જળની મશ્યે ભમીએ લઈને બેડાં?
અવળી સવળી વાટ્ય ને આઘું આઘું છે મથુરા નગર,
ઝલક ઝીણી દાખવો હવે ઓળખીને અમ રગડ!

એક-બે હોય તો ઊકલે આ તો વનની ડગર ડગર
ઢેર વેરી એંધાણ વા’લો શા નિજનાં ભૂલવે સગડ!

૧૯૮૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book