આવ-જા

ભૂરા ભૂરા ભાદરવા આભ ઘડી છાંય ને
                ઘડી ઝરે તડકા કંઈ આકરા,
ઝીલે ઇ આવ-જાને આંહીં મારા ઓરડાની
                ભીંત્યુંએ ટાંગેલા ચાકળા!

બ્હારે બપોરની ઝળાંઝળાં વંડી ને
                મખમલિયો માંહીં અંધાર,
પડી પડી જોઉં રૂડાં આભલાંના એકધારા
                બદલાતા રે’તા ઝબકાર;
ઠેકાએ પાયના ઝૂલતા હિંડોળનો
                સાથ કરે રણઝણતાં સાંકળાં!
ભૂરા ભૂરા ભાદરવા આભ ઘડી છાંય ને
                ઘડી ઝરે તડકા કંઈ આકરા…

અધબીડ્યાં પોપચાંમાં હિલોળે ઘેન
                ને ઘેન સંગ સોણાંની તરિ,
તરિ નહીં હાય આ તો ટૌકા માતેલ ચાલ્યાં
                ઘૂમરાતા ઘૂના ભણી સરી!
રોમ રોમ હરખે વિભોર ત્યહીં નેણાં શેં
                જાગી પડે બીકે બેબાકળાં?!

ભૂરા ભૂરા ભાદરવા આભ ઘડી છાંય ને
                ઘડી ઝરે તડકા કંઈ આકરા,
ઝીલે ઈ આવ-જાને આંહીં મારા ઓરડાની
                ભીંત્યુંએ ટાંગેલા ચાકળા!

૧૯૯૦

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book