ફૂલડે ભરી ફોરમ જેવી વાવલિયા વિણ સોરે
રહી રહી આ નયણાં બાવર નાવલિયા તુંને ખોળે!
એક દિ’ કેવી ગુંજતી બધી
કુંજ આ કોકિલ-કીરને ગાને
(ને) રણકી રે’તાં કડલાં-કાંબી
ક્યાંક જો તારી વેણ ચડી તોફાને!
પણ આજ —
આજ તો જોને
ભરી બપોરેય ચોગમ કાંઈ તમરાં તીખાં બોલે!
એ જ આ આંબાડાળનો હિંદો,
ખાંત ધરી તેં પોર બાંધેલો
કોણ દિયે પણ ટગલી ડાળે
જૈ અડું એવો હેત ભર્યો એક હેલો?!
આજ —
આજ તો હવે
અવળું સવળું ઉર ચગે હાય! યાદ તણાં હડદોલે!
ફૂલડે ભરી ફોરમ જેવી વાલિયા વિણ સોરે
રહી રહી આ નયણાં બાવર નાવલિયા તુંને ખોળે!
૧૮૬૧