હામ

                ફરજુંનાં આકરાં આવ્યાં ફરમાન તો
                                જાદવ સિધાવો ભર્યી હામ,
                રખવાળાં કરશે લ્યો માદળિયે બાંધ્યા આ
                                આહીરના ઓજસ તમામ!

થોભો ઘડીક તો આંકી લઈ આંખ્યમાં સૂધબૂધ ભૂલવતું મુખ,
ફાટફાટ પાંસળીથી જીરવી ન જાય એવી વેણ કહો સુખ કે દુઃખ?
                લોહ્યભીની આંગળિયે ચોડીએ આ ચાંદલો
                કે કુળનાં ઉજાળો જઈ નામ! — ફરજુંનાં…

હોઠ કહે, ‘હેમખેમ વેલેરા વળજો’, પણ હૈયું ના હાથ જરી રે’તું,
વાર વાર ડારે કો’ શંકા અભાગણી ન જુગજુગનું જાય પડી છેટું!
                માંડ્યું શું હાય આજ — જીવના સોગંદ લ્યો,
                ફરી નહીં રોઇં અમીં આમ! — ફરજુંનાં…

ઊપડો અક્રૂર! મેલો રથને હંકારી, તમીં જાદવની લેજો સંભાળ,
દેશું પડકાર અમીં આંહ્ય બેઠાં કંસને કે આવે પછી ક્રૂર મહાકાળ!
                રે’જો નચિંત કે ગોપિયુંને છતે કોઈ
                છેડશે ના ગોકુળિયું ગામ! — ફરજુંનાં…

૧૯૮૭

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book