સ્વાંગ

                જીવ! જડશે નહીં જાદવો
                ઠાલું ઠાલું તે નામ ભજ્યે!
નહીં ચંદણનાં ટીલાં ને ટપકાંએ શોભતો
                સાધકનો સ્વાંગ આમ સજ્યે!

ઓઠ ભણે પોપટિયા પાઠ અને આંગળિયું
                ગોમુખીમાં ફેરવતી માળા,
આસનમાં બેઠું છે અંગ અને ચિત્ત કરે
                સ્વચ્છંદે અદકેરા ચાળા!
કોનાં તે જાગ કહો આદર્યાં તમે ને આંહીં
                કોનાં આ ડીંડવાણાં બજે?!
જીવ! જડશે નહીં જાદવો ઠાલું ઠાલું તે નામ ભજ્યે!

                ગાવડિયું દો’તાં ને તાણતાં વલોણું
                                કે પાણિયારે ઊટકતાં બેડાં,
                રે બીચ બીચ લોબડીના છેડાએ લૂછતાં
                                ધાવણાં તે બાળુડાંના શેડા!
                કોડી કામ આડેયે પળભર પુનિત હરિ
                                નામના જે જાપ નવ તજે,
                પૂછો એ રજેભરી ગોપીએ જઈ તમીં
                                ‘વૈકુંઠ શેં આવી વસ્યું વ્રજે?!’
જીવ! જડશે નહીં જાદવો ઠાલું ઠાલું તે નામ ભજ્યે!

૧૯૮૭

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book