વીંછુ

કે હાંર્યે સઈ! વળગ્યો વનરાવનમાં વીંછુ!
                આવી છું ધોડતી ઊભે તે શ્વાસ
                હજી હૈયું જો થાય ઊંચુંનીચું!
કે હાંર્યે સઈ! વળગ્યો વનરાવનમાં વીંછુ!

વળતાં રે વાટ હાય વળગ્યો અણધાર્યો
                કરી સળવળતા આંકડા બે તંગ,
ડાબેથી વળગ્યો ને વળગ્યો તે જમણેથી
                વળગ્યો આખેય તે અંગ!
                હું તો કે’તાંયે ભયે આંખ્ય મીંચું!
કે હાંર્યે સઈ! વળગ્યો વનરાવનમાં વીંછુ!

                વળગ્યો ઈ ખાપરો કેવળ ના વંનમાં
                જી વળગ્યો વ્રજમાંહી ઠેર ઠેર,
વળગ્યો ઈ ગોળીએ ને વળગ્યો ઈ શીંકલાએ
                વળગ્યો જી ઘાઘરાને ઘેર!
                ઓલ્યો પેરનાર મોરલાનું પીંછું!
કે હાંર્યે સઈ! વળગ્યો વનરાવનમાં વીંછુ!

                નથ રે તેડાવવા ભૂવા કે વૈદ
                ખમો નથ રે કો’ કરવા ઉપાય
                નથ રે ઉતારવો ડંખ ઈંનો આકરો
                કે નથ રે નિવારવી આ લ્હાય,
                ઊંડે ઊંડે રે’ વળગ્યો ઈ ઇચ્છું!
કે હાંર્યે સઈ! વળગ્યો વનરાવનમાં વીંછુ!

એ જી ભવભવની વ્હોરીને વળગણ અનૂઠી
                હું તો હરખ હિલાળે હવે હીંચું!
કે હાંર્યે સઈ! વળગ્યો વનરાવનમાં વીંછુ!

૧૯૮૭

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book