વિજન કેડો

આવન જાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારું લેશ ન રાજી
                હાલ્યને વાલમ!
લઈએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો!

ઘણીય વેળા ગઈ છું ન્યાંથી, એકલી ને સઈ સાથ
કળણવળણ ઓળખું એવા જેવો નિજનો હાથ!
ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો!
                હાલ્યને વાલમ!
લઈએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો!

આવળ-બાવળ, ખડચંપાનાં ફૂલડાંનો નહીં પાર
ચ્હાય તે રજે ચૂલ મારે હુંય ગૂંથીશ તુંને હાર
ને ગંધની મીઠી છોળ્ય મહીં કાંઈ રમશે ઓલ્યો વાયરો ઘેલો!
                હાલ્યને વાલમ!
લઈએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો!

આંકડા ભીડી કરનાં કે સાવ સોડ્યમાં સરી હાલું
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું
કોઈ નહીં તહીં જળનારું રે નીરખી આપણ નેડો!
                હાલ્યને વાલમ!
લઈએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો!

હેઠળ વ્હેતાં જળ ઊંડાં ને માથે ગુંજતું રાન
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન
એકલાંયે ઘણું ગોઠતું તહીં, પણ જો પિયા! હોય તું ભેળો —
                હાલ્યને વાલમ!
લઈએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો!

૧૯૬૧

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book