લગન

સંગ ભલે નહીં કોઈનો બેલી! આપણે જાવું એકલાં મગન

                ઘૂમવું જેને, દૂર દિગંતે ઝૂમવું
                એને કાજ આંહીં અણખૂટ ધરા ને
                મોકળું પડ્યું અસીમ ગગન!
સંગ ભલે નહીં કોઈનો બેલી! આપણે જાવું એકલાં મગન…

ક્યાં લગ રે’શું અણધારી અંટવાળના થઈને કેદી?!
કલકલતાં જુઓ ઝરણાં વહી જાય રે પાષાણ ભેદી!
પંડ્યમાં પાણી હાય એને નવ વાટ્યનાં નડતાં વઘન!
સંગ ભલે નહીં કોઈનો બેલી! આપણે જાવું એકલાં મગન…

નીપજે ના કંઈ કેવળ કીધે વાંછના બેઠે બેઠે,
નિશ્ચયનું ભળે જોમ તો આભના તારાય ઊતરે હેઠે!
દેશવિદેશે જોવન કેવાં શ્રમના માંડે જગન!
સંગ ભલે નહીં કોઈને બેલી! આપણે જાવું એકલાં મગન…

કોઈ ને કોઈ સોબતી સાચો ભેટી જશે ક્યહીં વાટે,
મનનો મળ્યો મેળ એ નકી હાલશે નિજ સંગાથે
                ઊપડો ઝાઝી વાટ જોયા વિણ
                હઇડે સાચી હોય જો લગન!
સંગ ભલે નહીં કોઈને બેલી! આપણે જાવું એકલાં મગન…

૧૯૯૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book