રમતું

સઈ મોરી! આ શ્રાવણના વાવલિયે કીધી ઘેલી
ભોળા તે હઈડા સંગ જોને રમતું માંડી મેલી!
સઈ મોરી! આ શ્રાવણના વાવલિયે કીધી ઘેલી…

                રહી રહી જો પાંદપાંદને
                                શીય કરે ઈ વાતું
                લેત હિલોળા ઝૂમે સહુ
                                ના મુંને જ કંઈ સમજાતું!
અરી વેણ હોય તો લહીએ ક્યમ આ મર્મર જાય ઉકેલી?
                સઈ મોરી! આ શ્રાવણના વાવલિયે કીધી ઘેલી…

                પલક ઝરે ફૂલ-ગંધ, પલકમાં
                                ઝીણી ઝરમર છાંટી
                સ્હેજ નહીં વરતાયે તોયે
                                કાય રહે ભીંજાતી!
અરી અણદીઠો રહી કરે અડપલાં લાજ શરમને ઠેલી!
                સઈ મોરી! આ શ્રાવણના વાવલિયે કીધી ઘેલી…

૧૯૫૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book