બપ્પોર

                અધબીડે નેણ ન્યાળું
વૈશાખનાં કોરાં આભ ઝરે કાંઈ ઝળાંઝળાં અંજવાળું!

તપતી વિજન સીમ, નહીં ક્યાંય કશીય તે હિલચાલ
ભમતાં કેવળ ઝાંઝવાં છળની ગૂંથતાં ઇંદરજાળ!
ક્યહીં દીસે અમરાઈ લીલી ક્યહીં ઝીલ ઝગે રઢિયાળું!
વૈશાખનાં કોરાં આભ ઝરે કંઈ ઝળાંઝળાં અંજવાળું!…

આંહીં ઝળૂંબતા નીમ તળે બેઠાં ગાડરાંયે થઈ થીર.
હળવો ના કિલકાર, ઘટામહીં જંપિયાં કાબર-કીર.
હુંયે શિરાવીને છાંયમાં વસમી બપ્પોરની વેળ ગાળું!
વૈશાખનાં કોરાં આભ ઝરે કાંઈ ઝળાંઝળાં અંજવાળું!…

જમણે પડખે પરણ્યો પોઢ્યો મીઠડી નીંદરા લેત
બચકારા દેઈ દેઈ ધાવે ડાબે પે’લવે’લું મારું પેટ!
સુખનાં ઘેઘૂર ઘેન છાયે નેણ ક્યમ કરી હાય ખાળું?!
વૈશાખનાં કોરાં આભ ઝરે કાંઈ ઝળાંઝળાં અંજવાળું!…

૧૯૫૯

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book