ઢોલ્ય

ભૂરી ડુંગર ઓળ્ય રે — ધ્રાંગડ! સૂડાં લીલાં લોલ્ય રે — ધ્રાંગડ!
ચાંચે રાતી ચોળ્ય રે — ધ્રાંગડ! ચૂગે ઊભાં મોલ્ય રે — ધ્રાંગડ!
ઉગમણાંની કોર્ય રે — ધ્રાંગડ! વાગતાં ઢમક ઢોલ્ય રે — ધ્રાંગડ!

આભ ભરી પડઘાય બળૂકા બોલ્ય રે એના ધ્રાંગડ ધ્રાંગડ!
શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

                ભરિયાં ભરિયાં હાટ્ય રે — ધ્રાંગડ!
                દુકાન્યુંના ઠાઠ્ય રે — ધ્રાંગડ!
                માલ શા મોંઘા દાટ્ય રે — ધ્રાંગડ!
                પળીએ હાલો વાટ્ય રે — ધ્રાંગડ!
નીકળીએ પણ ક્યમ જ્યહી લોક વધતુ હાયે આંગળ આંગળ!
શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

                રાહડાને હિલ્લોળ્ય રે — ધ્રાંગડ!
                છલકે છાનાં કોડ્ય રે — ધ્રાંગડ!
                પજવણી લે છોડ્ય રે — ધ્રાંગડ!
                પાડ્ય હવે સઈ! ફોડ્ય રે — ધ્રાંગડ!
કોણ રમે મારી જોડ્યમાં હામો લટકાળો ને બાંગડ બાંગડ?!
શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

                માંજરાં એનાં નેણ રે — ધ્રાંગડ!
                અદકી કરે શેણ રે — ધ્રાંગડ!
                એક ન આછું વેણ રે — ધ્રાંગડ!
                તોય કયાં મોઘમ કે’ણ રે — ધ્રાંગડ!
ચિતનાં તે લઈ જાય છડેચોક ચેન હંધાયે જાંગડ જાંગડ?!
શ્રાવણ વદ આઠમ્યને મેળે ઢોલ્ય ધડૂકે ધ્રાંગડ ધ્રાંગડ!

૧૯૮૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book