ઢળતા પ્હોરે

                પાછલી તે પડસાળને ઓટે હળવું હળવું
                                ડોલતી હિંડોળ-ખાટ
અરધાં બેઠાં, અરધાં આડાં, ઢળતા પ્હોરે સાવ અડોઅડ
                                ઝૂલીએ આપણ સાથ!

                ખુલ્લાં બારી-બારથી ભીતર ઝરતાં સોનલ તેજ
                ઓરડે ઓરડે છલક છલક થાય હૂંફાળા હેજ!
ને ઊભરાતી કંઈ યાદ સરીખા ચોકના પારસ-પીપળા કેરાં
                                ફરકી રહે પાત!
                પાછલી તે પડસાળને ઓટે હળવું હળવું
                                ડોલતી હિંડોળ-ખાટ…

                ખાલી ખાલી ઘરમાં જાણે અચિંત શો સંચાર
                કૂદંકૂદા કરતા પાયની પડઘી હારોહાર
ઓસરી થકી આવજા કરે ખિલખિલાટે ભરી ભરી
                                રીડ ઘણી રળિયાત!
                પાછલી તે પડસાળને ઓટે હળવું હળવું
                                ડોલતી હિંડોળ-ખાટ…

વ્હેંચતી જાણે હોય ત્યહીં મુજ યાદ તણો હુલ્લાસ
અધબીડેલાં નેણ ખોલ્યાં વિણ ઓઠપે આણી હાસ
હળવે હાથે દાબતી મારો આંગળિયુંના આંકડે ભીડ્યો
                                અંકમાં પડ્યો હાથ!
                પાછલી તે પડસાળને ઓટે હળવું હળવું
                                ડોલતી હિંડોળ-ખાટ…

૧૯૭૩

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book