ટાઢ

વધતી ચાલી ટાઢ!
ધૂંધળો ધૂસર દંન ઢળ્યો ને ઊતરતો અંધાર
ઝપાટે ઊતરતો અંધાર!

બેય બાજુ પથરાઈને પડ્યાં
સાવ રે સૂનાં બીડ,
ક્યાંય કશો કલશોર ના વિહંગ
ક્યારનાં છૂપ્યાં નીડ,
પાંદડાં સૂકાં ઝરતાં ઊભાં શીમળાનાં કૈં ઝાડ
અહીં તહીં શીમળાનાં કૈં ઝાડ!
વધતી ચાલી ટાઢ!…

રોજ તો રમતિયાળ લવારાં
ચોગમ દેતાં ઠેક,
આજ ઈ જોને સાંકડે કેડે
વાંભ દીધા વિણ એક,
અકડાઈને ઓથમાં કેવાં હાલતાં લારોલાર
સંધાયે હાલતાં લારોલાર!
વધતી ચાલી ટાઢ!…

હિમ શા શીતળ વાયરે કાંપે
મારાંય એવાં ગાત,
ક્યમ પૂગાશે નેહડે, હજી
અરધી બાકી વાટ?!
પોતે ઝીણેરું લોબરીનું મુંને લઈ લે કામળા આડ
હો વાલમ! લઈ લે કામળા આડ!
વધતી ચાલી ટાઢ!…

૧૯૬૧

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book