જાતાં જાતાં

હાં રે ફરી એક ફેરી!
થોભ રે વાલમ! થોભ જરી તુંને જાતાં જાતાં લઉં હેરી!

                હંમણે પાછાં, બપોરા ટાણે
                                આપણે થાશું ભેળાં,
                સંધુંય જાણે, તોય આ નેણાં,
                                તું વિણ ઘેલાં ઘેલાં,
જુગ જેવી ઈંને લાગતી તુજથી ઘડીય એક જુદેરી!
થોભ રે વાલમ! થોભ જરી તુંને જાતાં જાતાં લઉં હેરી!

                જરી ક્યહીં તું જાય ને ખૂંપે
                                કાળજે શંકા-સોયાં,
                આવડા તારા રૂપ-ઝગારા
                                ઓરથી જાશે જોયાં?
કરી બેસે નહીં ક્યાંક રે કામણ આંખડી કોકની વેરી!
થોભ રે વાલમ! થોભ જરી તુંને જાતાં જાતાં લઉં હેરી!

                અછતું રાખે અંગ એવો આ
                                કામળો કંધે નાખું.
                પણ હાયે આ નમણા મુખે
                                મારણ શેનું રાખું?

                લાવ્ય અરે જરી —
લાવ્ય મેલી દઉં કાન કને એક ટીપકી કાજળ કેરી!
થોભ રે વાલમ! થોભ જરી તુંને જાતાં જાતાં લઉં હેરી!

૧૯૬૧

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book