આભાર
મારી ચૂંટેલી રચનાઓનું પુસ્તક ઋણાનુબંધ કરતાં મને અત્યંત આનંદ થાય છે. આ વિચારનું બીજ રોપવા માટે હું એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલ રાવલનો આભાર માનું છું, અતુલભાઈએ બીજ રોપ્યું એટલું જ નહીં પણ ઇ-બુક કરવાની જવાબદારી લીધી અને આજે વાચકો સમક્ષ આ પુસ્તક રજૂ થઈ રહ્યું છે.
મારા દસ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. આ સમગ્ર સંગ્રહો ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ના શીર્ષકો નીચે બે ભાગમાં ૨૦૧૭માં ઇમેજ પબ્લિકેશન્સે પ્રગટ કર્યા. આ સમગ્ર કવિતામાંથી ચયનરૂપે આ પુસ્તક પ્રગટ થાય છે. પન્નાવિશેષ અથવા પન્નાની કવિતાનો અર્ક આપવાનો આ પ્રયાસ છે.
‘ફ્લેમિન્ગો’ વાર્તાસંગ્રહમાંથી અને પછી જે છૂટીછવાયી વાર્તાઓ થઈ એમાંથી પણ થોડી આ ચયનમાં લીધી છે.
છેલ્લાં પંદર વીસ વરસો દરમિયાન લખાયેલા લેખો/નિબંધો/પ્રવચનોમાંથી કેટલાક આ પુસ્તકમાં સમાવ્યા છે. એમાં કેટલીક વિગતોનું પુનરાવર્તન થયું છે. દાખલા તરીકે, મારા કૉલેજના દિવસો, મારી કવિ થવાની ઉત્કંઠા, એન સેક્સ્ટન સાથેનો પરિચય/મારી સર્જનપ્રક્રિયા વગેરે. આ લેખો સુધારાવધારા કર્યા વિના યથાવત રાખ્યા છે.
કેવળ કવિતાને કારણે આરંભથી મારામાં રસ લેનાર સુરેશ દલાલ, આજે સ્મૃતિશેષ છે. એની કવિતાપ્રીતિ અને નિષ્ઠા સુવિદિત છે. આજે એમનું સ્મરણ કરતાં આંખો ભીની થાય છે. આ ડિજિટલ પુસ્તક જોઈને એ ખૂબ રાજી થયા હોત.
મારા કાવ્યસંગ્રહો ઇમેજ પરિવાર વિના પ્રગટ થયા ન હોત. ઈમેજના સંચાલક ઉત્પલ ભાયાણી પણ આજે હયાત નથી. એ પણ આજે રાજી થયા હોત. મારા સંગ્રહોના અ-પૂર્વ મુખપૃષ્ઠો કરનાર કસબી અપૂર્વ આશરનો આભાર માનું તો એને ન ગમે અને ન માનું તો મને ન ગમે. અનેક રીતે મદદરૂપ થનાર હિતેન આનંદપરાનું પણ અહીં સ્મરણ થાય છે.
હું જે કાંઈ લખું તેમાં નટવર ગાંધીના અમૂલ્ય સલાહસૂચનો અવશ્ય હોય જ. એ માટે નરી પ્રસન્નતા વ્યક્ત કરું છું.
છેલ્લે, ટાઇપસેટીંગ, લે-આઉટ વગેરે માટે મને નિશ્ચિન્ત કરનાર કમલ થોભાણીનો આભાર માની વિરમું છું.
— પન્ના નાયક
9034 Lykens Lane
Philadelphia, Pa 19128
e-mail: naik19104@yahoo.com
Phone: 215-459-2833 cell/WhatsApp