૧. આત્મહત્યા

અમેરિકન કવયિત્રી ઍન સેક્સટનની આ વાત છે. એ રૂપાળી, ભણેલીગણેલી અને પૈસાપાત્ર હતી. વળી સારું કમાતા પતિને પરણી હતી. પણ જીવ સદાયનો દુભાયેલો અને અસંતોષી રહેતો. હતાશાના માનસિક રોગથી પીડાતી હતી એટલે એને લગતી સારવાર લેતી હતી. ડૉક્ટરે એને કહ્યું કે, “કવિતા લખ. તારા મનનો ઊભરો શમી જશે.” કવિતા લખવાની શરૂ કરી અને રાતોરાત ખ્યાતિ પામી. પણ એનો રોગ મટ્યો નહીં. આત્મહત્યાના અનેક પ્રયાસો પછી છેવટે આત્મહત્યા કરી અને જીવ લીધો. એવી જ વાત છે બીજી અગત્યની કવયિત્રી સિલ્વિયા પ્લાથની. એ ઇંગ્લૅન્ડ ભણવા ગયેલી. ત્યાં ટેડ હ્યુજ નામના અગ્રગણ્ય કવિના પ્રેમમાં પડી. એને પરણી. બાળકો થયાં. જ્યારે એવી ખબર પડી કે ટેડ હ્યુજ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં છે ત્યારે હતાશાના એક જુવાળમાં સિલ્વિયા પોતાની જિંદગી ખોઈ બેઠી. એણે પણ પોતાનો જીવ લીધો. આ સિવાયના, રેન્ડલ જેરલ, જ્હૉન બૅરિમોર, અર્નેસ્ટ હેમિંગ્વે વગેરેના દાખલાઓ સાહિત્યની દુનિયામાં છે જેમણે આત્મહત્યા કરી છે. આપણા ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વના એક કવિ હરિશ્ચંદ્ર ભટ્ટનો પણ એવો જ એક કરુણ દાખલો છો.

માત્ર લેખક જ નહીં — કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતે પોતાનો જીવ લે છે ત્યારે એ વ્યક્તિની વેદના કેટલી અસહ્ય હશે? જિજીવિષા (જીવવાની ઇચ્છા) એ એક પ્રબળ માનવીય લક્ષણ છે. જીવ છોડવો એ કંઈ જેવીતેવી વાત નથી. અને છતાં આત્મહત્યા સમયે માણસ પોતે પોતાનો જીવ લે છે. ભારતમાં આપણે આત્મહત્યાનો વિચાર કરીએ છીએ ત્યારે સાસરે દુઃખમાં રિબાતી વહુ અથવા તો ખોટું પગલું ભરતાં સગર્ભા થયેલી કુંવારી બાળા, કે માથે મોટું દેવું આવી પડ્યું હોય એવો કોઈ વેપારી — એવી કાયર વ્યક્તિઓ જ યાદ આવે છે. કોઈ ગભરુ સ્ત્રી કૂવો પૂરે અથવા તો કોઈ રંગ વેપારી દીવાસળી ચાંપે — આવા લોકોની માનસિક સ્થિતિ કેટલી નાજુક હોય છે? એમનાં દુઃખ કેટલાં અસહ્ય હશે? એમને એમ જ થયું હશે કે બસ, હવે આ કારમી દશામાંથી છૂટાશે જ નહીં. આની સરખામણીમાં અત્યંત સંવેદનશીલ અને સજ્જ હેમિંગ્વે જેવો મહાન સાહિત્યકાર આત્મહત્યા કરે ત્યારે આપણે શું માનવું? એને થોડો કાયર કે ગભરુ મનાય? પણ સાચા અર્થમાં ઍન સેક્સટન, સિલ્વીયા પ્લાથ કે ભારતના ગામડાની ફસાયેલી કુમારિકા — આ સૌની મનોદશા તો એક જ પ્રકારની હોય છે. એ બધાંયને થયું હોય છે કે બસ, હવે મામલો ખતમ છે અને કોઈ ઉપાય રહ્યો નથી. આવા લોકો આપણી પાસે સંવેદના માગે છે, સહાનુભૂતિ માગે છે, એમના દુઃખમાં કોઈ ભાગીદાર માગે છે, માનસિક સારવાર માગે છે. જે પ્રજા, જે સમાજ, જે કુટુંબ એમાંથી કશું આપતા નથી એ બધાની એ આત્મહત્યામાં એટલી જ જવાબદારી છે. એ આત્મહત્યાનું કલંક એ બધાંને ચોંટે છે.

કોઈ વ્યક્તિ આત્મહત્યા શા માટે કરે? વ્યક્તિને આત્મહત્યા કરવાનો હક ખરો? આવા પ્રશ્નો આજે વધુ પૂછાય છે. પશ્ચિમના જીવનમાં અઢળક સુવિધાઓ હોવા છતાં વ્યક્તિ ખરેખર સુખી થઈ નથી એની પ્રતીતિ કરાવે એવી હકીકત એ બની છે કે લોકો હવે વધુ ને વધુ આત્મહત્યાનો વિચાર કરતા થયા છે. આનો અર્થ એ નથી કે એશિયાના રૂઢિચુસ્ત દેશોમાં દુઃખ ઓછાં છે. ઊલટાનું ત્યાં દુઃખો વધુ છે. હાડમારી અસહ્ય છે. છતાં ત્યાં પ્રમાણમાં ઓછી આત્મહત્યા થાય છે. આનું મુખ્ય કારણ એ છે કે રૂઢિચુસ્ત સમાજવ્યવસ્થામાં વ્યક્તિનું જેટલું મહત્ત્વ નથી તેટલું મહત્ત્વ છે સામાજિક વ્યવસ્થાનું, કૌટુંબિક પ્રણાલીનું. ત્યાં વ્યક્તિ પોતાના હકનો વિચાર કરવા કરતાં પોતાની ફરજનો અને પોતાના કુટુંબનો વિચાર વધુ કરે છે. આને કારણે વ્યક્તિ પોતાના ગમા-અણગમાને ગૌણ માને છે અને કુટુંબ અને સમાજને જે યોગ્ય લાગે તેવું વર્તન કરીને મનને દાબી દે છે. માણસ ત્યારે આત્મહત્યા કરે છે જ્યારે તેને અને એની આજુબાજુના સમાજને મેળ મળતો નથી.

પશ્ચિમના સમાજમાં વ્યક્તિનું મહત્ત્વ મોટું છે. વ્યક્તિને સુખી થવાનો જાણે કે જન્મસિદ્ધ અધિકાર હોય છે એવી અદાથી માણસ જીવન જીવવા માગે છે. અમેરિકાના બંધારણમાં અને સ્વાતંત્ર્ય ઘોષણામાં આ સુખના અધિકારની સ્થાપના કરવામાં આવી છે. પણ વ્યક્તિગત સુખ એ એક સ્વાર્થી પ્રવૃત્તિ છે. વ્યક્તિ કહે છે કે હું મારા સુખનો વિચાર પહેલાં કરીશ. બીજાનું જે થવાનું હોય તે થાય, હું તો મારું સંભાળીને બેસીશ. આમ, જો બધા પોતપોતાનું સંભાળીને બેસે તો સમાજને કોઈ વાંધો ન આવે એ મૂડીવાદી સમાજરચનાનો પાયાનો સિદ્ધાંત છે. પણ સમજવાની વાત તો એ છે કે સુખનો પાયો તો માનવીય સંબંધોમાં છે, વ્યક્તિગત એકલતામાં નથી. પોતે પોતાનું સંભાળે એમાં માણસ જરૂર સ્વાવલંબી બને છે પણ સાથે સાથે એ પરમ સ્વાર્થી પણ બને છે. અને ત્યાંથી જ એના દુઃખની શરૂઆત થાય છે.

જે આત્મહત્યા કરે છે તે એમ માને છે કે દુનિયાએ એને માટે બદલાવું જોઈએ. “દુનિયાએ એને માટે બદલાવું જોઈએ” — એવું માનવું એમાં એક વિરલ ક્રાન્તિની વાત છે એ ખરું પણ સાથે સાથે એ મહા ધૃષ્ટતાની પણ વાત છે. આત્મહત્યા કરવા તૈયાર થયેલો માણસ ધૃષ્ટ છે, ક્રાન્તિકાર નથી. ગાંધીજીએ પણ કહેલું કે દુનિયાએ બદલાવું જોઈએ. પણ એમ નહોતું કહ્યું કે તમે નહીં બદલાવ તો હું આત્મહત્યા કરીશ. એમણે તો દુનિયાએ શા માટે અને કેવી રીતે બદલાવું જોઈએ એના પાઠ ભણાવવાનો મહાયજ્ઞ આરંભેલો અને આખરે દુનિયા બદલાવીને રહ્યા.

અને છતાં જે લોકો આત્મહત્યા કરે છે તેઓમાં એક માનસિક રોગ — ભયંકર રોગ — રહેલો હોય છે. આ બાબતમાં સમાજની, કુટુંબની, આજુબાજુના લોકોની મોટી ફરજ એ છે કે એ, સંવેદનાથી આવી વ્યક્તિની સંભાળ લે અને સારવાર કરે. કારણ કે આત્મહત્યા રોગને નિર્મૂળ કરવામાં જ સમાજનું હિત સમાયેલું છે. નાજુક સ્વભાવના, કુમળા મગજના, અત્યંત સંવેદનશીલ માણસો સમાજની કઠોરતા કે ક્રૂરતા સહન કરી શકતા નથી. તેમની સંભાળ સમાજે લેવી જ ઘટે. ઉચ્ચ કક્ષાના કલાકારો, કવિઓ અને સંવેદનશીલ લેખકો આત્મહત્યા કરે છે એમની સહનશક્તિ ઓછી છે. મહાન નેતાઓ પોતાના પતનના સમયે આત્મહત્યા કરે છે કારણ કે, એ સમયે એમનો અહમ્ એમને નડે છે. એક વાર જાહોજલાલી ભોગવ્યા પછી હીનતા એમને માટે અસહ્ય હોય છે.

આત્મહત્યામાં આખરે જીવનની ભયંકર નિષ્ફળતા છે. વ્યક્તિને હતાશા સિવાય બીજું કશું દેખાતું નથી. એને માટે સાચા અર્થમાં સંસાર અસાર છે. પરંતુ જ્યારે સમૃદ્ધ અને સફળ જીવનને અંતે વ્યક્તિ કહે કે મારે કોઈ મહારોગમાં ફસાવું નથી, રિબાવું નથી પણ સ્વેચ્છાએ જ જવું છે — તો એનું શું? આવો એક વિચાર હમણાં હમણાં અમેરિકામાં વહેતો થયો છે. વ્યક્તિને આત્મહત્યા કરવાનો હક્ક હોવો જોઈએ એવું માનનારા લોકોએ અહીં ‘હેમલોક સોસાયટી’ નામની સંસ્થા સ્થાપી છે. પ્રખ્યાત અમેરિકન ફિલસૂફ સીડની હૂક એના મોટા હિમાયતી હતા. વિશ્વવિખ્યાત લેખક આર્થર કેસ્લર અને એમની પત્ની સીંથીઆએ સાથે આત્મહત્યા કરેલી. આ આત્મહત્યાનું કારણ કોઈ મહાન પીડા કે દુઃખ નથી. ઊલટાનું એ લોકો તો એમ માને છે કે આપણે આ દુનિયામાં આવ્યા, શક્તિ મુજબ કામ કર્યું, જીવનની બધી મોજમજા ભોગવી અને હવે જવાનો સમય થયો. આપણે વૃદ્ધ થયા છીએ. અંગ બધાં પાંગળાં થયાં છે. ઊંબરા હવે ડુંગરા થયા છે. એવી દશા થઈ છે ત્યારે દુનિયા ઉપર, આજુબાજુના લોકો ઉપર શા માટે નકામો ભાર નાખવો? શા માટે બીજા લોકોને હવે વધુ હેરાન કરવા? એના કરતાં હસતે મોઢે મૃત્યુની સામે હાથ મિલાવવા અને મૃત્યુને કહેવું કે અમે તૈયાર છીએ. અમે નક્કી કરીશું કે ક્યારે મરવું છે, તું નહીં! મરવાની વાત કરવી સહેલી છે પણ મરવું સહેલું નથી. એટલે જ આ ‘હેમલોક સોસાયટી’ના માણસો જે પોતે ખુશીથી પોતાનો જીવ લે છે તે બહાદુર માણસો છે.

નાની ઉંમરે, અસહ્ય દુઃખ અથવા તો હતાશાને કારણે જે લોકો પોતાનો જીવ લે છે તે લોકો ઈશ્વરમાં નહીં માનતા હોય. કારણ કે જેને ઈશ્વરમાં શ્રદ્ધા હોય તે ક્યારેય પોતાનો જીવ ન લે. આત્મહત્યા કરનારા લોકોની દૃષ્ટિ પણ ટૂંકી હોય છે. એમને જીવનના વૈવિધ્યમાં કે ચાંચલ્યમાં શ્રદ્ધા નથી હોતી. આ લોકો સાચા અર્થમાં એકલવાયા હોય છે. એમને મિત્રો હોતા નથી જેની પાસે એ પોતાના હૃદયની વ્યથા ઠાલવી શકે. પશ્ચિમના અતિ ઔદ્યોગિક જીવનની આ એક મહાન કપરી ઘટના છે, ભારત જેવા રૂઢિચુસ્ત સમાજમાં વ્યક્તિના અંગત જીવનમાં ચંચુપાત કરતા સગાંવહાલાંઓ એને એકલો પડવા જ નથી દેતા. ત્યારે પશ્ચિમના સમાજમાં કોઈના અંગત જીવનમાં દખલ કરવી એ અસભ્ય વર્તન લેખાય છે. વ્યક્તિના ઉત્થાનમાં સમાજ અને કુટુંબનું આછુંપાતળું બલિદાન થયું છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યની આ એક મોટી કિંમત પશ્ચિમના લોકોએ ચૂકવવી પડી છે. આપણી એશિયન ઇમિગ્રંટ પ્રજાની પહેલી પેઢી આ દેશમાં આવીને વસી છે એ નથી ઘરની કે નથી રહી ઘાટની. આપણે પણ અહીં વ્યક્તિ-સ્વાતંત્ર્યની ધજા ફરકાવી છે. એની કિંમત આપણે કેવી રીતે ચૂકવવાના છીએ એ એક વિચારણીય પ્રશ્ન છે.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book