કેવળ

ના, ના, ના
મારે નથી થવું મીરાં
મારે નથી થવું રાધા
નથી થવું વિશાખા કે ચંદ્રલેખા
કે
લોપા કે ગોપા
કે
કોઈ પણ રોપા.
મારે તો રહેવું છે
કેવળ પન્ના.
કેવળ
આ હવાની જેમ.
મારા નામની આસપાસ કશું જ નહીં—
નહીં પિયર
નહીં સાસરવાસ
ન કોઈ સહવાસ.
આસપાસ કેવળ
અવકાશ અવકાશ.

હું
નહીં પન્ના મોદી
કે
નહીં પન્ના નાયક.

મેં સ્મૃતિને
ઉતરડી નાંખી છે કાયમને માટે.

એ વૃંદાવન હોય તો ભલે હોય
એની લીલીછમ સ્મૃતિમાં મહાલવું નથી.

એ રણની રેતી હોય તો ભલે હોય,
મારે એની રેતમાં આળોટવું નથી.

એ સમુદ્ર પરનો ચંદ્ર હોય
કે
ધીખતા રણનો સૂર્ય હોય—

મારે તો બધા જ દીવાઓ
ઓલવી નાંખવા છે.

ભૂતકાળ નહીં એટલે નહીં
અને અહીં
ભવિષ્યની પણ કોને તમા છે?
ક્યાં કોઈ ગમા
કે
અણગમા છે?
આવતી કાલની નથી કોઈ ચિંતા
નથી કોઈ સલામતી.
આવતી કાલને આવવું હોય તો આવે
અને ન આવવું હોય તો
થોભી જઈને થીજી જાય
પણ
હું તો
સતત જીવ્યા કરીશ
આ ક્ષણમાં.

બે કાંઠા વચ્ચે
નદી થઈને વહેવું નથી.
નદીનો પ્રવાહ ખરો
પણ મને કુંઠિત કરે એવો
કોઈ કાંઠો નહીં.

હું કેવળ પન્ના, પન્ના અને પન્ના.
એમાં કોઈની હા નહીં
કે કોઈની ના નહીં.
હા-ના-ની સરહદોને ઓળંગીને
અનહદમાં વિચરતી વિહરતી
કોઈ પણ પ્રકારની
તમન્ના વિનાની
હું
માત્ર
પન્ના…

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book