૨. વિદેશમાં ભારત અને એશિયાની અભ્યાસસામગ્રી

અમેરિકન યુનિવર્સિટીઓમાં એશિયાનો અને ખાસ કરીને દક્ષિણ એશિયા (ભારત, પાકિસ્તાન, સિલોન, નેપાળ, અફઘાનિસ્તાન)નો થતો અભ્યાસ પ્રમાણમાં નવો છે. અમેરિકાની પ્રમુખ યુનિવર્સિટીઓમાં, આમ તો સંસ્કૃતનું અધ્યયન ૧૯મી સદીની આખરથી થતું આવ્યું છે. સાથે સાથે ઇન્ડો-આર્યન ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ પણ શરૂ થયો હતો. બ્રિટિશ સંસ્થાનિક જગતના એક વિભાગ તરીકે ભારતની ભાષાઓ અને એનું સાહિત્ય, ભારતની સંસ્કૃતિ અને અર્વાચીન જીવન વગેરેના અભ્યાસની પ્રણાલી ઘણા દાયકાઓથી શરૂ થઈ હતી.

અહીંની જે જે યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપકોએ ભારત પ્રત્યે સવિશેષ રસ લીધો હતો, ત્યાંનાં પુસ્તકાલયોમાં ભારતવિષયક અંગ્રેજી ભાષાનાં પુસ્તકો સારા પ્રમાણમાં સંગ્રહિત થયાં છે. પુસ્તકાલયોમાં મોટે ભાગે એવાં પુસ્તકો ખરીદાયાં છે કે જે યુરોપિયન પુસ્તકવિક્રેતા પૂરાં પાડી શકે. બીજા વિશ્વયુદ્ધ સુધી દક્ષિણ એશિયાને આવરી લેતાં જૂનાં પણ કીમતી પુસ્તકોની માંગ પણ ઓછી હતી. આને લીધે કોઈ રાષ્ટ્રીય ગ્રંથસૂચિ ૧૯૫૯ સુધી હતી નહીં. લંડનની ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરીનું છપાયેલું ગ્રંથ અને લેખોનું સૂચિપત્રક (Catalogue) પણ પ્રકાશિત થયું નહોતું.

દક્ષિણ એશિયા પર અંગ્રેજી ભાષામાં પ્રકટ થયેલાં જે જે પુસ્તકો યુનિવર્સિટીમાં આવ્યાં હતાં તેમનું વર્ગીકરણ બીજા વિષયોનાં અંગ્રેજી પુસ્તકોની જેમ જ કરવામાં આવતું હતું. અંગ્રેજી મુખપૃષ્ઠ વિનાનાં હોય એવાં સંસ્કૃત ભાષાનાં પુસ્તકો એમનાં ધોરણીકૃત (standardized) નામ અને શબ્દાંતરિત (transliterated) શીર્ષક સહિત ઉમેરાતાં હતાં. આ બધાં પુસ્તકોની પસંદગી જે તે ક્ષેત્રના વિદ્વાનો કરતા. પુસ્તકોની ખરીદી કે તેના વર્ગીકરણ માટે ત્યારે ગ્રંથપાલકોની જરૂર જણાઈ નહોતી.

બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકામાં દક્ષિણ એશિયાના અભ્યાસ માટેનું દબાણ અને આવશ્યકતા બન્ને ખૂબ વર્તાવા લાગ્યાં. યુદ્ધસંબંધી જરૂરિયાતોને કારણે બોલાતી ભાષાઓનું આછુંપાતળું જ્ઞાન તાત્કાલિક ઘટનાઓને પહોંચી વળવા પૂરતું નહોતું. આથી યુદ્ધજન્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતમાં રસ ધરાવતા વિદ્વાનોને ભેગા કરી જરૂર પૂરતી ભાષાવિષયક કેળવણી આપવી શરૂ કરી. સ્વાભાવિક રીતે જ આવી કેળવણી કામચલાઉ ધોરણે પ્રયોજાઈ હતી.

વિશ્વયુદ્ધ પૂરું થયા પછી અમેરિકન યુનિવર્સિટીઓમાં અર્વાચીન દક્ષિણ એશિયાનાં કેન્દ્રો સ્થાપ્યાં. લોકાભિમુખ સંસ્થાઓની મદદથી ૧૯૪૮માં યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાં અને ત્યાર પછી કૅલિફોર્નિયા(બર્કલી) કોર્નેલ, શિકાગો, મિશિગન, અને વિસ્કોન્સિનમાં દક્ષિણ એશિયાના આંતરવિદ્યાકીય કાર્યક્રમ શરૂ થયા. વિસ્કોન્સિન સિવાય બીજે અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ અને સંશોધનની કેળવણી અપાવા માંડી. વિદ્યાર્થીઓએ દક્ષિણ એશિયાના ઇતિહાસ, અર્વાચીન સંસ્કૃતિ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે વિષયોમાં ઊંડો રસ લેવો શરૂ કર્યો. જ્યાં શક્ય હતું ત્યાં ભાષા પ્રત્યે પણ ધ્યાન અને તાલીમ અપાવાં લાગ્યાં. પણ એ વખતે ભાષા શીખવનાર શિક્ષકો પૂરતા નહોતા અને કેળવણીનાં સાધનો પણ પૂરતાં કે યોગ્ય પ્રકારનાં નહોતાં, છતાં એમ કહી શકાય કે વિકસતા સમાજોના ક્ષેત્ર-અભ્યાસ માટેનું નિમ્ન-માળખું (infra-structure) હવે તૈયાર થઈ ચૂક્યું હતું.

૧૯૬૦માં ‘નૅશનલ ડિફેન્સ એજ્યુકેશન ઍક્ટ’ અન્વયે શિક્ષણકેન્દ્રોને ભાષા અને જે તે ક્ષેત્રની કેળવણી માટે નાણાકીય સહાય અપાવા માંડી. આ કાયદાએ ભાષા શીખવવાનાં સાધનો માટે પણ જોગવાઈ કરી આપી, તેમ દક્ષિણ એશિયાની ભાષાઓ શીખનાર વિદ્યાર્થીઓ માટે ઉદાર અનુદાન આપ્યાં. જે જે પ્રસ્થાપિત થઈ ચૂકેલ કેન્દ્રોમાં ભાષાવિદો હતા ત્યાં આ કાર્યક્રમની શરૂઆત થઈ. પછીથી સ્નાતક કક્ષા પર ડ્યુક, રોચેસ્ટર, મિશિગન, મિનસોટા અને કેન્સાસની યુનિવર્સિટીઓમાં આ વિષય અંગેના વિભાગનો વિકાસ થયો.

દક્ષિણ એશિયાનાં કેન્દ્રો સ્થપાવાની સાથે આ ક્ષેત્રમાં પુસ્તકાલયોના વિકાસની ખાસ જરૂર જણાઈ. ૧૯૫૨માં યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા(બર્કલી)માં ગ્રંથપાલકને દક્ષિણ એશિયાનાં સાધનો મેળવવા અંગેના પ્રશ્નોનો અભ્યાસ કરવાનું સોંપવામાં આવ્યું અને સંગ્રહ વિકસાવવા માટે કહેવાયું. આના પરિણામ રૂપે અત્યારે અહીંનાં મહત્ત્વનાં કેન્દ્રોમાં ગ્રન્થપાલો ખાસ ગ્રંથસૂચિકાર (bibliographer–librarians) તરીકે કામ કરી રહ્યા છે.

આ દરમ્યાન નવા કાર્યક્રમ સાથે સંકળાયેલા વિદ્વાનો અને ગ્રંથપાલો દક્ષિણ એશિયા પર સંશોધન અને કેળવણીનાં સાધનો કેવી રીતે મેળવવાં અને વસાવવાં તે અંગે લેવા જરૂરી એવા સંયુક્ત અભિગમ(approach)ની ચર્ચા કરતા હતા. પશ્ચિમમાં છે એવા પુસ્તકોના ઉદ્યોગ(book-trade)ના કે રાષ્ટ્રીય ગ્રંથસૂચિના અભાવે, દક્ષિણ એશિયામાંથી સાધનો મેળવવાની મુશ્કેલી હજુ દેખીતી રીતે વર્તાતી હતી. વિશાળ વ્યાપમાં પ્રકારવૈવિધ્ય ધરાવતાં યોગ્ય પુસ્તકો અને સામયિકો પૂરાં પાડી શકે એવા રાષ્ટ્રીય વિક્રેતાનો પણ અભાવ વર્તાતો હતો. આ કારણે યુરોપ અને અમેરિકામાં મેળવાતાં સાધનોની સરખામણીમાં પુસ્તકો મેળવવાનું કામ વિકટ બન્યું. તેમાંય અમેરિકામાં દક્ષિણ એશિયાની ભાષાઓ જાણનાર કેળવાયેલા ગ્રંથપાલોના અભાવે ભારત અને પાકિસ્તાનની અર્વાચીન ભાષાઓનાં પુસ્તકોનો સંગ્રહ વિકસાવવાનું તો વધારે મુશ્કેલ બન્યું.

સામાન્યતઃ ‘ફામિંગ્ટન પ્લાન’ નામની યોજના દ્વારા યુરોપિયન પ્રકાશનો અમેરિકામાં મેળવાતાં હતાં. આ યોજના વિશ્વયુદ્ધને લીધે મુલતવી રહી હતી. વિશ્વયુદ્ધ પૂરું થતાં આ યોજનાને એશિયાની બાબતમાં પણ અપનાવવામાં આવી અને તેના અમલ માટે દક્ષિણ એશિયા પર એક ઉપસમિતિ સ્થપાઈ. દક્ષિણ એશિયાનાં પુસ્તકો અને સામયિકો મેળવવાની જવાબદારી જે તે વિષયોનાં ક્ષેત્ર પ્રમાણે ભાગ લેતાં પુસ્તકાલયોને સોંપાઈ, છતાં પુસ્તકો મેળવવાના પ્રશ્નો સાથે સંકળાયેલી મૂળ મુશ્કેલીઓ દૂર થઈ નહિ. આ યોજના બહુ સફળ થવા ન પામી.

જ્યારે અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને ઘઉંની લોન આપી અને બદલામાં વ્યાજની રકમ તરીકે રૂપિયા મળવા લાગ્યા ત્યારે પુસ્તકપ્રાપ્તિના પ્રશ્ન પરત્વે એક મહત્ત્વનો વિકલ્પ, સફળ યોજના અસ્તિત્વમાં આવી. આ લોન ‘ઇમરજન્સી વ્હીટ લોન ઑફ ૧૯૫૧- પી એલ ૪૮—અને મ્યુચ્યુઅલ સિક્યૉરિટી ઍક્ટ’ તથા ‘ઍગ્રિકલ્ચરલ ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ આસિસ્ટન્ટ એક્ટ ઑફ ૧૯૫૪ (પી એલ ૪૮૦)’ અન્વયે વાર્ષિક વિનિમયને ધોરણે અમલમાં મુકાઈ. ‘પી એલ ૪૮૦’ નીચે ઘઉંની લોનના રૂપિયા, પુસ્તકો અને સામયિકો ખરીદવા માટે અને તેને અમેરિકાનાં પુસ્તકાલયોમાં મોકલવા માટે વાપરવામાં આવ્યા છે. ૧૯૫૭ સુધીમાં આ યોજનાનું નિયંત્રણ શરૂ થઈ ગયું છે. આ યોજનાના પ્રશ્નોની મંત્રણા માટે વિદ્વાનો તથા ગ્રંથપાલોની એક પરિષદનો વિષય હતો: ‘અમેરિકન લાઇબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં સાધનો.’ આ પરિષદે કૉંગ્રેસ લાઇબ્રેરી (આ યોજનાની સૂત્રધાર) માટે એક સ્થાયી સલાહકાર સમિતિ નીમી છે.

‘વ્હીટ લોન’નો પુસ્તકપ્રાપ્તિનો કાર્યક્રમ જાન્યુઆરી ૧, ૧૯૫૯ને દિવસે શરૂ થયો. અમેરિકાની કૉંગ્રેસ લાઇબ્રેરીના નેતૃત્વ નીચે ભારતીય નાગરિકોની એક નાની મંડળીએ દિલ્હીમાં કેન્દ્રીય અને રાજ્યકક્ષાની સરકારી પ્રકાશનોની એક એક નકલ ભેગી કરીને અમેરિકાનાં ત્રણ પુસ્તકાલયોને મોકલી આપી. આ ત્રણ પુસ્તકાલયો તે—યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાની બર્કલી લાઇબ્રેરી, યુનિવર્સિટી ઑફ પેન્સિલવૅનિયાની સાઉથ એશિયા લાઇબ્રેરી, અને મિડ-વેસ્ટર્ન ઇન્ટર-લાઇબ્રેરી સેન્ટર (જે હવે ‘સેન્ટર ફૉર રીસર્ચ લાઇબ્રેરી’ બની છે). આ યોજના દ્વારા પહેલાં કરતાં કાંઈક સારાં પ્રકાશનો મળ્યાં છે. દક્ષિણ એશિયાની અનેક ભાષાઓનાં અસંખ્ય ચોપાનિયાં અને ગ્રંથસ્થ નહીં થયેલાં સામયિકોની માવજત કેમ કરવી અને તેમના પ્રશ્નોને કેમ પહોંચી વળવું એ ગંભીર પ્રશ્નનો હવે અનુભવ થવા માંડ્યો. ‘પી એલ ૪૮૦’ યોજના જાન્યુઆરી ૧, ૧૯૬૨ સુધી ચાલી, ત્યાર પછી એને વિશાળ ‘પી એલ ૪૮૦’ની યોજનામાં સમાવી દેવામાં આવી.

‘વ્હીટ લોન’ દ્વારા પુસ્તકો મેળવવાની બીજી યોજના—‘પી એલ ૪૮૦’ (Dignell Amendment અને Agricultural Trade Development and Assiatance Act of 1954)માં આમેજ કરીને શક્ય બનાવાઈ હતી. આ યોજના અનુસાર જાન્યુઆરી ૧, ૧૯૬૨થી ભારત અને પાકિસ્તાનમાં પ્રકટ થતાં, બાળસાહિત્ય સિવાયનાં સરકારી અને બિનસરકારી પ્રકાશનો ખરીદવાનું નક્કી થયું. એનો મુખ્ય ઇરાદો ભાગ લેતાં પુસ્તકાલયોને શક્ય એટલાં વિદ્વત્તાભર્યાં પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રો પૂરાં પાડવાનો હતો. આ સાહિત્યની અમેરિકાનાં પુસ્તકાલયો પસંદગી કરી શકે એવી સગવડ રાખવામાં આવી હતી. આ સાહિત્યનું વર્ગીકરણ કરવાનું કામ કૉંગ્રેસ લાઇબ્રેરીએ માથે લીધું અને એનો ખર્ચ પણ પ્રવૃત્તિ સાથે સહયોગ ધરાવતાં પુસ્તકાલયોએ વહેંચી લીધો છે. અમેરિકાનું કોઈ પણ પુસ્તકાલય આ કેન્દ્રીય વર્ગીકરણ યોજનાનું સભ્ય બની શકે એવી સગવડ રખાઈ છે.

૧૯૬૨થી શરૂ થયેલી આ યોજનાની શરૂઆતમાં ૧૨ પુસ્તકાલયોએ ભાગ લીધો અને હવે એ આંકડો ૧૯ પર પહોંચ્યો છે. આ યોજના ભારત અને પાકિસ્તાન ઉપરાંત હવે નેપાળ અને સિલોનને પણ આવરી લે છે. દિલ્હીની ઑફિસમાં વર્તમાનપત્રોના ચિત્રીકરણ (ફિલ્મના રૂપમાં સંગ્રહવા) માટે એક માઇક્રોફિલ્મ મશીન વસાવવામાં આવ્યું છે. આ યોજના સાઉથ એશિયા માઈક્રોફોર્મ કમિટીએ હાથમાં લીધી છે. જૂનાં, જર્જરિત પણ ખૂબ જ મહત્ત્વનાં વૃત્તપત્રોની માઇક્રોફિલ્મ કરવાનાં પગલાં લેવાવા માંડ્યાં છે.

‘પી એલ ૪૮૦’ યોજનાએ ગ્રંથસૂચિના સાધનમાં એક મહત્ત્વનો વધારો કર્યો છે. આ યોજના નીચે આવતા ચારેય દેશોને આવરી લેતાં accessions lists પ્રગટ થાય છે. આ યાદીમાં ખરીદાયેલાં પુસ્તકોની ગોઠવણી ભાષા અને લેખકોનાં નામ પ્રમાણે થાય છે. દરેક યાદી વર્ષને અંતે લેખકોનાં નામ પ્રમાણે ક્રમવાર ગોઠવાય છે. ૧૯૫૭થી ભારતમાં ઉત્તમ રાષ્ટ્રીય ગ્રંથસૂચિના પ્રતિનિધિરૂપ ‘ભારતીય રાષ્ટ્રીય ગ્રથસૂચિ’ (Indian National Bibliography) પ્રકટ થાય છે.

જૂનાં પ્રકાશનો મેળવવાનો પ્રશ્ન અહીં દક્ષિણ એશિયા સાથે સંકળાયેલ દરેક પુસ્તકાલયને મૂંઝવે છે. તેમને અંગેની વધતી જતી માંગને પહોંચી વળવા માટે દક્ષિણ એશિયાનાં પ્રાચીન પુસ્તકોના વિક્રેતાઓને ઉત્તેજન આપવામાં આવ્યું છે. આમ છતાંય અમેરિકન બજાર રહ્યું મોટું; જ્યારે આપણા પુસ્તકવિક્રેતાઓ નાના પાયા પર વેચાણ કરે છે. ઇમ્પીરિયલ ઍન્ડ પ્રોવિન્શિયલ ગૅઝેટિયર સિરીઝ, ગૅઝેટો, અને સેન્સસ રિપોર્ટ્સ—આ ખૂબ જ મહત્ત્વનાં સાધનો—સંપૂર્ણપણે કશે જ લભ્ય નથી. ૧૯૫૧ પહેલાંનાં થોડાં છાપાં ન્યુયોર્ક પબ્લિક લાઇબ્રેરીમાં અને બે યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા, બર્કલીમાં છે—એ સિવાય આ દેશમાં ક્યાંય તેમનું અસ્તિત્વ નથી. ૧૯મી સદીનાં મહત્ત્વનાં વર્તમાનપત્રો તો ક્યાંય નથી. અર્વાચીન ભાષાઓનાં સાહિત્ય સંબંધી પુસ્તકોનો સંગ્રહ થોડાં પુસ્તકાલયોમાં છે પણ અથથી ઇતિ સુધી બધું જ છે એવું કોઈ સગર્વ કહી શકે એમ નથી. તેમજ કેન્દ્રીય ને પ્રાન્તીય સરકારી અહેવાલો, નોંધો વગેરે જેવી સાધનસામગ્રી સંપૂર્ણપણે કોઈની પાસે નથી.

આ બધા પ્રશ્નો પર ગંભીરપણે વિચાર કરવા ૧૯૬૨માં દક્ષિણ એશિયાના થોડા ઇતિહાસકારો ભેગા થયા, તે સમયે નિમાયેલી એક સમિતિ હવે સાઉથ એશિયન માઇક્રોફોર્મ ઍન્ડ લાઇબ્રેરી કમિટી (SAMLC) નામે ઓળખાય છે. એ વખતે એમનો ઇરાદો દક્ષિણ એશિયાનાં જૂનાં, જર્જરિત વર્તમાનપત્રો અને સરકારી અહેવાલોને ફિલ્મમાં રૂપાંતરિત કરવાનો હતો પણ પછીથી ઇમ્પીરિયલ અને પ્રોવિન્શ્યલ ગૅઝેટિયર્સ, સેન્સસ રિપૉર્ટ્સ, સેન્ટ્રલ પાર્લામેન્ટરી ડીબેટ્સ સિરીઝ જેવાં મહત્ત્વનાં સાધનોની પણ ફિલ્મ કરવાનું નક્કી કર્યું. ફરીથી ન છપાતાં મહત્ત્વનાં પુસ્તકોની એક આવૃત્તિ બહાર પાડવાનું પણ આ સમિતિ વિચારે છે. આ સમિતિએ નાની પત્રિકા શરૂ કરી, જેમાં દક્ષિણ એશિયા પરની માઇક્રોફિલ્મ કયાં કયાં અમેરિકન પુસ્તકાલયમાં છે એ નોંધવું શરૂ કર્યું છે. આ પત્રિકા અત્યારે દિલ્હીની ‘એજ્યુકેશનલ રિસોર્સીસ સેન્ટર’ અને કલકત્તાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝ’ તરફથી બહાર પડે છે.

દરમ્યાન, વ્યક્તિગત પુસ્તકાલયો પ્રાચીન પુસ્તકોના વિક્રેતાઓ પાસે પોતાની માગ રજૂ કરતાં રહે છે અને બધા પ્રયત્નો નિષ્ફળ જતાં માઇક્રોફિલ્મનો આશરો લે છે. ફક્ત હવાઈની ઈસ્ટ-વેસ્ટ સેન્ટર લાઇબ્રેરીએ જ બહોળા પ્રમાણમાં માઇક્રોફિલ્મ વાપરી છે અને એ રીતે ફરીથી ન છપાતાં સાહિત્યનો પ્રભાવશીલ સંગ્રહ વિકસાવ્યો છે.

યુરોપની વેપારી પેઢી ‘ઇન્ટરનૅશનલ ડૉક્યુમેન્ટેશન સેન્ટરે’ (IDC) માઇક્રોફિશ કાર્ડ ઉપર બહુ જ મહત્ત્વનાં ગૅઝેટિયર, સેન્સસ રિપોર્ટ્સ ઉતાર્યા છે. આ કંપની સેન્ટ્રલ પાર્લામેન્ટરી ડિબેટ્સ સિરીઝની ફિલ્મ કરવાનું પણ વિચારે છે.

આ બધું જોતાં અમેરિકન પુસ્તકાલયોમાં દક્ષિણ એશિયાના અભ્યાસનાં સાધનો પ્રાચીન પ્રકાશનોની દૃષ્ટિએ અસમાન છે એવું ચિત્ર ઊપસે છે. અમેરિકન પુસ્તકાલયોમાં વિદ્વત્તાભર્યા સંશોધન માટે અર્વાચીન સાધનો-પુસ્તકો, સામયિકો, Serials-ના ઉત્તમ સંગ્રહની બહોળી વહેંચણી થઈ રહી છે. પુસ્તકો ખરીદવા માટે જ્યાં સુધી ‘વ્હીટ લોન’ના રૂપિયાની શક્યતા છે ત્યાં સુધી આ સંગ્રહ દિનપ્રતિદિન વધતો જશે. આ ‘પી એલ ૪૮૦’ની યોજનાના પૂરક રૂપે યુરોપિયન અને અમેરિકન પ્રકાશનો પણ ખરીદાય છે.

આ બધામાંથી થોડાક સંગ્રહો જ ગુણવત્તાની દૃષ્ટિએ સમૃદ્ધ અને પ્રભાવશીલ કહેવાય તેવા છે. કૉંગ્રેસ લાઇબ્રેરી, મિનેસોટા યુનિવર્સિટીની એઇમ્સ લાઇબ્રેરી, પેન્સિલવૅનિયાની સાઉથ એશિયા લાઇબ્રેરી, કૅલિફોર્નિયા યુનિવર્સિટીની બર્કલી લાઇબ્રેરી અને શિકાગો યુનિવર્સિટીની લાઇબ્રેરી—આટલી જ લાઇબ્રેરીઓમાં દક્ષિણ એશિયાને લગતાં અંગ્રેજી ભાષાનાં પુસ્તકો અગ્રગણ્ય સ્થાન લે એટલાં ને એવાં છે. મિશિગન યુનિવર્સિટી, વિસ્કોન્સિન અને કોર્નેલ પાસે પણ સારાં પુસ્તકો ઠીક પ્રમાણમાં કહેવાય.

સંસ્કૃત ભાષાનાં પુસ્તકો ખાસ કરીને બર્કલી, શિકાગો, પેન્સિલવૅનિયા અને હાર્વર્ડમાં છે. અર્વાચીન ભાષાનાં પ્રથમ કક્ષાનાં પુસ્તકો ખાસ ક્યાંય નથી. મોટે ભાગે જે ભાષાઓ શીખવાતી હોય તે તે ભાષાનાં પુસ્તકો યુનિવર્સિટી વસાવે છે. પેન્સિલવૅનિયા યુનિવર્સિટી લાંબા વખતથી વધારેમાં વધારે ભાષાઓ શીખવે છે, એટલે ત્યાં ઉત્તમ સંગ્રહ વિકસી શક્યો છે. બર્કલીમાં હિન્દી-ઉર્દૂ પર ભાર મુકાયો છે. શિકાગો પાસે હિન્દી-ઉર્દૂ, બંગાળી અને મરાઠી પુસ્તકો સારા પ્રમાણમાં છે. મિશિગન અને વિસ્કોન્સિન પાસે હિન્દી-ઉર્દૂ તેમ તેલુગુ સંગ્રહ છે. પેન્સિલવૅનિયા સિવાય ફક્ત શિકાગોમાં તામિલ ભાષાનાં પુસ્તકો છે. મલયાલમ, કન્નડ, ઓરિયા, આસામી, પંજાબી, સિન્ધી કે પછાત જાતિની બોલી પરત્વે ખાસ ધ્યાન અપાયું નથી. બર્કલીમાં હિમાલયની સરહદના દેશો પર કામ થવાને લીધે અર્વાચીન નેપાળી પુસ્તકો ઠીક પ્રમાણમાં વસાવાયાં છે.

આ બધાં પુસ્તકોનો કોઈ ચોક્કસ આંકડો નક્કી થઈ શક્યો નથી. પણ દક્ષિણ એશિયા વિશે આશરે ૮૦,૦૦૦ પુસ્તકો હશે એમ મનાય છે. અત્યારની ‘વ્હીટ લોન’ યોજના નીચે દર વર્ષે આશરે ૮૦૦૦ monographs અને ખાસ્સા પ્રમાણમાં સામયિકો પ્રકટ થાય છે. પ્રકટ થતું બધું જ સાહિત્ય બહુ ઓછાં પુસ્તકાલયો રાખે છે.

અમેરિકાની બેત્રણ લાઇબ્રેરી અર્વાચીન સામગ્રી માટે વિશિષ્ટ છે. કૉંગ્રેસ લાઇબ્રેરીમાં વીસમી સદીનાં રાજકીય ચોપાનિયાંની અસામાન્ય ફાઈલો છે. મિનેસોટાની એઇમ્સ લાઇબ્રેરીમાં બ્રિટિશ શાસન દરમ્યાનના ઈન્ડિયન ગવર્નમેન્ટ ઍડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ્સ ઍન્ડ રિફૉર્મ્સના ઉત્તમ સંગ્રહ છે.

પબ્લિક લાઇબ્રેરીની દૃષ્ટિએ વિચાર કરતાં ન્યૂયૉર્ક પબ્લિક લાઇબ્રેરીમાં દક્ષિણ એશિયા વિશે વિશિષ્ટ સાધનો છે. ખાસ કરીને તો વર્તમાનપત્રો. ક્લીવલેન્ડ અને બોસ્ટન પબ્લિક લાઇબ્રેરીમાં પણ સારા પ્રમાણમાં પુસ્તકો છે.

દક્ષિણ એશિયાનો અભ્યાસ હજુ પહેલા તબક્કામાં કહેવાય. અર્વાચીન ભાષાઓની કેળવણીએ ભાષાજ્ઞાનસંપન્ન એવા યુવાન વિદ્વાનો તૈયાર કરવા માંડ્યા છે. આ વિદ્વાનોને વિવિધ વિષયોમાં રસ છે અને તે વધતો જાય છે. જેમ જેમ પુસ્તકાલયો આ વધતા જતા વિવિધ, વિશિષ્ટ અને વિદ્વત્તાભર્યા સંશોધનને પહોંચી વળે એવું સાહિત્ય વસાવવા માંડશે તેમ તેમ દક્ષિણ એશિયાના સંગ્રહોમાં ઊંડાણ, ગુણવત્તા અને વૈવિધ્ય આવવા માંડશે. માનવની અસીમ કુતૂહલવૃત્તિ અને જ્ઞાનપિપાસા તથા વિકસતાં રાષ્ટ્રોને સમજવા માટે પોતાના કૌશલ, સમૃદ્ધિ અને ઉદારતાનો ઉપયોગ કરવાના અમેરિકન સમાજના વિધાયક વલણનું સંયોજન જ્યાં સુધી થતું રહેશે, ત્યાં સુધી આ દિશામાં નવા ખેડાણ અંગે આશા રાખી શકાય.*

આ લેખ નવનીત-સમર્પણ (૨૪ મે ૧૯૭૦)માં છપાયો હતો.

* આ લેખની કેટલીક માહિતી શ્રી લુઈ એ. જેકબના લેખ પર આધારિત છે.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book