૪. તમને અમેરિકન ડ્રેસ નહીં શોભે

થોડા સમય પહેલાં એક કૉન્ફરન્સમાં જવાનું થયેલું. વિષય હતો, ‘અમેરિકામાં વસતા ભારતીયોની અસ્મિતા’. પેનલ પર એક બહેન હતાં. એમણે કહ્યું કે આપણી બહેનોએ આપણો જ પોશાક પહેરવો જોઈએ. સાડી કે સલવાર કુર્તા, જે ફાવે તે. ભારતીય અસ્મિતા ભારતીય લિબાસમાં જ જળવાય. અમેરિકન ડ્રેસમાં નહીં.

કોઈએ અમને પૂછ્યું કે ધારો કે એ ઇન્ટરવ્યૂ આપવા ગયાં હોય. એમણે સારી છાપ પાડવી હોય તો ડ્રેસ પહેરવો જરૂરી ખરો કે કેમ. પૂછનારે એમ પણ કહ્યું કે કોઈ પાર્ટીમાં ગયા હોઈએ અને સાડી પહેરી હોય તો બરાબર છે, પણ આ તો નોકરી કરવાની વાત છે. ભારે ખુમારીથી વક્તાબહેને જવાબ આવ્યો, ‘આપણે શું પહેરવું કે ન પહેરવું એ આપણી અંગત પસંદગીની વાત છે. આપણા નાજુક શરીર અને ઘઉંવર્ણા વાન પર સાડી-કુર્તા જેટલાં અમેરિકન ડ્રેસ/સૂટ સારાં લાગે જ નહીં. વધુમાં આપણી કિંમત આપણી આવડત અને લાયકાત ઉપર થવી જોઈએ. નહીં કે આપણે શું પહેરીને ઇન્ટરવ્યૂમાં આવ્યા છીએ.’

આ વાત સાવ સાચી હોય તોપણ પોશાક એ માત્ર શરીરને ઢાંકવાની ચીજ કે એને સુશોભિત કરવાનું સાધન નથી. જુદા જુદા પોશાક દ્વારા આપણે શું કામ કરીએ છીએ અથવા તો કયા પ્રોફેશનમાં છીએ તેની કશું કહ્યા વગર પ્રતીતિ થાય છે. એટલા માટે જ પોલીસ, ડૉક્ટર, ફાર્મસિસ્ટ, નર્સ, કલર્જી, ગ્રોસર વગેરેના જુદા જુદા યુનિફૉર્મ હોય છે અને તે તે કામ કરતાં લોકોએ એ પહેરવા પડે છે. આપણે જોયું છે કે ભારતમાં સાધુઓ ભગવાં પહેરીને જ ફરતા હોય છે. એણને સૂટમાં સજ્જ થયેલા આપણે જોતા નથી.

ગુજરાતીઓ આમ તો બહુ વ્યવહારુ પ્રજા છે. આપણને હજારેક માઈલનો લાંબો દરિયાકાંઠો મળ્યો છે તેથી ભાતભાતના લોકો આપણે ત્યાં આવ્યા છે. આવેલા લોકોને આપણે સ્વીકાર્યા છે. આવેલા લોકોની જેમ આપણે ગુજરાતીઓએ સદીઓથી દરિયો ખેડ્યો છે અને દુનિયાને ખૂણે ખૂણે જઈને વસ્યા છીએ. ભાતભાતની પ્રજા સાથે આપણે રહ્યા છીએ. કશી છોછ રાખ્યા વિના જે કાંઈ નવું શીખવા મળ્યું છે તે શીખ્યા છીએ. છતાં અમુક બાબતમાં આપણે પૂરા મરજાદી છીએ. ખાવાપીવામાં અને સ્ત્રીઓના પહેરવેશમાં. ખાસ કરીને ખાવામાં હજી આપણે દાળ, ભાત, રોટલી અને શાકનો આગ્રહ દરરોજ રાખીએ છીએ. સાંજે આપણે જરૂર દેશી ગુજરાતી ખાઈએ જ. આપણા ઘણા લોકો બપોરે લંચ માટે ઘરેથી ડબ્બામાં ગુજરાતી જમવાનું લઈ જતા હોય છે. કહેતા હોય છે કે આપણું ખાવાનું ખાધું ન હોય તો સંતોષ ન વળે. કઢીનો ઓડકાર ન આવે તો કંઈ ખાધું કહેવાય? આ સર્વસામાન્ય વાત નથી. પુષ્કળ અપવાદો મળી આવે છે.

જેવું ખાવાનું તેવું જ સ્ત્રીઓના પહેરવેશનું. હજી પણ હું ઘણી સ્ત્રીઓને સાડી અથવા પંજાબી પહેરીને ઑફિસે જતી જોઉં છું. સ્વાભાવિક જ પ્રશ્ન થાય છે કે આપણી સ્ત્રીઓ એમનો ભારતીય પહેરવેશ કેમ છોડી શકતી નથી? હું બીજાની શું વાત કરું? કોને ખબર કેમ પણ મારાથી જ ભારતીય પહેરવેશ છોડાતો નથી. હું બરાબર સમજું છું કે ઑફિસમાં અમેરિકન ડ્રેસ જ યોગ્ય ગણાય છતાં ક્લોઝેટમાંથી સવારે સાડી કે સલવાર-કમીઝ નીકળે છે. ઘણા સમયથી લાવેલા અમેરિકન ડ્રેસ હજી અકબંધ પડ્યા છે.

આપણા પુરુષો ઑફિસે ધોતિયું અને ટોપી પહેરીને જતા નથી. હવે તો મુંબઈની ઑફિસમાંથી પણ ધોતિયું, ટોપી અદૃશ્ય થઈ ગયાં છે. તો પછી આપણી સ્ત્રીઓ હજી એમનો પહેરવેશ કેમ છોડી શકતી નહીં હોય? અહીં જન્મેલી અને ઊછરેલી આપણી દીકરી સાડી પહેરીને ઑફિસ જાય તેવો આગ્રહ આપણે રાખતા નથી તો માએ એવો આગ્રહ રાખવો જરૂરી છે? ભારતીય સ્ત્રીઓને અમુક જ પોશાકમાં જોવાને આપણી આંખો ટેવાયેલી છે.

આપણે જુદા જુદા દેશના પહેરવેશ તપાસીશું તો ખબર પડશે કે દેશનાં હવામાન, કામકાજ, પ્રસંગ અને સંજોગોને ખ્યાલમાં રાખીને જ પોશાક પસંદ કરાય છે, આ જ કારણે સાઇબિરિયાના લોકોને કપડાંનો જે થથેરો કરવો પડે છે તે આફ્રિકાની ધગધગતી ધરતી પર કર્યો તો બફાઈ મરાય. તેમજ કોલસાની ખાણમાં, ખેતરમાં, બૅંકમાં અને હૉસ્પિટલમાં કામની વિવિધતાને લીધે જુદા જુદા લિબાસ જરૂરી છે. એ જ પ્રમાણે લગ્નપ્રસંગે જે પહેરાય તે શોકપ્રસંગે પહેરાતું નથી.

એટલે પેલાં બહેનને કહેવાનું મન થાય છે કે અમેરિકામાં સાડી કે પંજાબી ડ્રેસ ન પહેરવા એમ નહીં પણ જ્યાં અમેરિકન પહેરવેશ યોગ્ય હોય ત્યાં આપણા પહેરવેશનો આગ્રહ ન રાખવો. આપણી ભારતીય અસ્મિતા આપણા જ પોશાક દ્વારા સચવાય છે એવી સંકુચિત વાત કરીશું તો આપણી દશા નહીં ઘરના કે નહીં ઘાટના જેવી થશે. આપણામાં કહેવત છે કે દેશ તેવો વેશ. મને આ કહેવતમાં ઘણું ડહાપણ દેખાય છે. જોઈએ હવે, કાલે સવારે ક્લોઝેટમાંથી શું નીકળે છે!

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book