થેંક્સગિવિંગ

આજે પાછો નવેમ્બરનો ચોથો ગુરુવાર. અમેરિકામાં થેંક્સગિવિંગનો તહેવાર. મારી ભત્રીજી વનિતા દર વરસની જેમ ઠાઠમાઠથી આ તહેવાર ઉજવશે. ત્રીસ જણાનું સીટ ડાઉન ડિનર. ડિનર ટેબલ પર રોયલ ડોલ્ટનની પ્લેટસ, ચાંદીના કાંટા-ચમચા, બોલ્સ, કટ ગ્લાસના પીવાના અને દારૂના ગ્લાસ, એમ્બ્રોઇડર કરેલાં નેપકિન્સ. વેજ અને નોન-વેજ ખાવાનું. સાથે કે્રનબરી સોસ. ડીઝર્ટમાં પમકીન પાય. ટેબલને એક છેડે ફીફટીનું ગ્રુપ અને બીજે છેડે પચ્ચીસની નીચેનું.

જમવાનું સાંજે છ વાગે. હું મદદ કરવા બપોરે બાર વાગે પહોંચી જાઉં. અમે રસોઈ કરતાં કરતાં વાતો કરીએ. કુટુંબની, મારી મોડા મોડા પીએચ.ડી. કરવાની, મિત્રોની, મિત્રો કે સગાંની માંદગીની, પુસ્તકોની, મુવીની.

‘ફોઈ, મસાલો તમારે કરવાનો.’ વનિતા હંમેશા કહે.

વનિતા અને એનો હસબન્ડ ક્રીષ્નન બન્ને ડોક્ટર્સ એટલે એમના મોટા ભાગના મિત્રો પણ ડોક્ટર્સ.

કોઈ કાર્ડિયોલોજીસ્ટ, કોઈ રેડિયોલોજીસ્ટ, કોઈ ઓન્કોલોજીસ્ટ તો કોઈ જનરલ પ્રેકટીશનર. એમનાં છોકરાંઓ હોશિયાર એટલે હાર્વર્ડ, સ્ટેનફર્ડ, યેલ, અને વ્હોર્ટન જેવી સ્કૂલોમાં ભણે. મને એમની સાથે વાત કરવાની મઝા આવે. હું પચ્ચીસને પચાસની વચ્ચેની એટલે એમની મિત્ર જેવી. મારી સાથે એમનાં મા-બાપનાં ધગશ, ખંત, નબળાઈઓ અને રહેણીકરણીની વાતો કરે ને મજાક પણ કરે.

‘કુંદનઆન્ટી, આપણા ઈન્ડિયન્સ એમનાં છોકરાંઓનાં નામ ‘અનલ’ કે ‘વીરલ’ કે ‘ગોપી’ કે ‘અશિત’ કેમ પાડે છે?’ કોઈનો દીકરો પૂછે.

પછી અમેરિકન ઉચ્ચારોમાં કેવા અનર્થ થાય છે એ ઉચ્ચારીને ખૂબ હસે.

‘કુંદનઆન્ટી, સ્વામીનારાયણ મંદિરમાં સ્રી-પુરુષોને કેમ છુટાં છુટાં બેસવાનું? અને તેય અમેરિકામાં? તમે કેમ કશું કહેતાં નથી? આ સ્વામીઓને સ્રીઓના હાથની રસોઈ ખાવાનો તો વાંધો નથી આવતો.’ કોઈની દીકરી પૂછે અને કહે.

‘કુંદનઆન્ટી, આપણને કાળાઓ પ્રત્યે કેમ સૂગ છે? આજે કોઈ કાળા ડોક્ટરને કેમ જમવા નથી બોલાવ્યો? એમને પણ આપણું ખાવાનું ભાવે છે.’ કોઈ કહે.

‘કુંદનઆન્ટી, આપણે મળીએ ત્યારે કેમ પૈસા બનાવવાની જ વાતો કરીએ છીએ? લોકોને કેમ પૈસાથી જ માપીએ છીએ?’ કોઈનું નિરીક્ષણ.

અને હું વિચારમાં પડી જાઉં.

વનિતાના ગ્રુપમાં એક ડોક્ટર અભય ત્રિવેદી જરા જુદો પડે. અતડો રહે. બધા ડોક્ટર્સ ઈન્વેસ્ટમેન્ટ અને સ્ટોક માર્કેટની વાતો કરે ત્યારે એ ચૂપ બેઠો હોય. બધા બેન્ઝ અને લેક્સસ ગાડીની વાત કરે ત્યારે એને પોતાની ટોયોટાથી સંતોષ છે એમ કહેતો હોય. બધા અલાસ્કા, ઓસ્ટ્રેલિયા, ચાઈના અને સાઉથ અમેરિકા જવાના પ્લાન કરતા હોય ત્યારે એ મીસીસીપીની ઝુંપડપટ્ટીની વાત કરતો હોય. બધાના હાથમાં સ્કોચના ગ્લાસ અને તળેલા કાજુ હોય ત્યારે એ ઠંડા પાણીના ગ્લાસને હાથમાં રમાડતો રમાડતો સમાજમાં પેસેલા સડાનું કારણ ‘હેવ’ અને ‘હેવ નોટ’ છે એમ કહેતો હોય. એ બધાંને પૂછતો હોય કે સ્કેનડિનેવિયન દેશો જ્યાં સમાજના લોકોનું જીવનધોરણ લગભગ એક સરખું છે એવું મોડેલ આપણે પણ અપનાવીએ તો એ પ્રશ્ન હલ ન કરી શકાય? અભયના ખ્યાલો રોમેન્ટિક છે કહીને બીજા ડોક્ટર્સ આડીઅવળી વાત પર ચડી જાય ત્યારે એ રસોડામાં આવે. થોડીઘણી મદદ કરે. હું ભણીને પાછી ઈન્ડિયા જઈશ કે બીજા ઈન્ડિયન્સની જેમ અહીં રહી પડીશ એ પૂછે. રહી પડીશ તો ગિલ્ટી ફીલ કરીશ કે કેમ એ પૂછે. અહીંના સમાજના મારા અનુભવ પૂછે. અહીંના સમાજની ગરીબી વિશે કેટલું જાણું છું એ પૂછે. કોઈને ખાવાના સાંસા હોય એવી વ્યક્તિને ઓળખું છું કે કેમ એ પૂછે. કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી ડિપ્રેશનનો ભોગ બન્યા છે કેમ એવું પૂછે. ભોગ બન્યા હોય તો એ લોકો એની ખુલ્લેઆમ ચર્ચા કરતા હોય છે કે કેમ એ પૂછે. એમને મદદ કરે એવી સંસ્થાની મને ખબર છે કે નહીં એ પૂછે. મારે કોઈ મુસ્લિમ મિત્ર છે કે નહીં એ પૂછે. ૨૦૦૨નાં ગુજરાતનાં કોમી રમખાણો વિશે મારું શું માનવું છે એ પૂછે. હું બિનધાસ્ત કોઈ સ્ટેન્ડ લઈ શકું કે નહીં એ પૂછે. આપણા ગુજરાતી સમાજમાં ’ડોમેસ્ટિક વાયોલન્સ’ પ્રવર્તે છે એની મને જાણ છે કે નહીં એ પૂછે. હું એવી બહેનો માટે સમય ફાળવું છું કે નહીં એ પૂછે. વિપશ્યનામાં રસ ધરાવું છું કે નહીં એ પૂછે.

હું તો બપોરે બાર વાગે વનિતાને ત્યાં પહોંચી ગઈ. અભયની પત્ની સુભગા અને એમની દીકરી સીમા રસોડામાં બેસીને ચોધાર આંસુએ રડતાં હતાં. હું થોડી હેબતાઈ ગઈ. મને થયું શું થયું હશે? મેં ચુપચાપ સેલેડની તૈયારી કરવા માંડી. થોડી વાર પછી વનિતાએ કહ્યું કે છેલ્લા બે અઠવાડિયાંથી અભયનો પત્તો નથી. મિત્રોમાં એમ ખબર છે કે કામ માટે ઈન્ડિયા ગયો છે. અહીં બધે તપાસ કરી છે. પોલિસ સ્ટેશનોમાં, હોસ્પિટલોમાં, ઈન્ડિયામાં. છેવટે મીસિંગ પર્સન્સ લીસ્ટ પર છે. પોલિસ ડિટેકટીવનું માનવું છે કે રેન્સમ માટે કિડનેપ કર્યો હોય કારણ સુભગા પર એનોનિમસ ફોન આવે છે.

કાકડી સમારતાં મને વિચાર આવ્યો કે અભયનું સાચે જ શું થયું હશે? ક્યાં ગયો હશે? મીસીસીપીની ઝુંપડપટ્ટીમાં કાળાઓને મદદ કરવા દોડી ગયો હશે? ઈરાકના યુદ્વમાં તબીબી સેવા આપવા ભરતી થઈ ગયો હશે? એકલતાનો અર્થ, જીવનનો અર્થ, મૃત્યુનો અર્થ — એવા બધા વિશે મૌન સેવતાં સેવતાં વિચારવા વિપશ્યનાના કોર્સ કરવા બોસ્ટન ગયો હશે?

ખાવાનું લગભગ થવા આવ્યું હતું. મેં વનિતાને કહ્યું કે સીમાને હું મારે ત્યાં લઈ જાઉં. એનું મન હળવું થશે. પછી તૈયાર થઈને છ વાગ્યા સુધીમાં પાછાં આવી જઈશું. વનિતા અને સુભગાએ હા પાડી. સીમા રાજી થઈ. અમે નીકળતાં હતાં ત્યાં જ વનિતાનો દીકરો રાજા ને એનો ફ્રેન્ડ ડિલન શોપીંગ કરીને ઘરમાં આવ્યા.

‘મમ્મી, હું ને ડિલન ડાઉનટાઉન જઈએ છીએ. છ સુધીમાં આવી જઈશું.’ રાજાએ કહ્યું.

‘ક્યાં જાવ છો?’ મેં પૂછ્યું.

’ડિલનનો દર વરસનો પ્રોજેક્ટ છે. એ ગરીબોને ખાવાનું પહોંચાડે છે. આ વરસે હું પણ જોડાયો છું.’

‘હું આવું?’

‘ચાલો, પણ ઇટ વોન્ટ બી અ પ્લેઝન્ટ સાઇટ.’ રાજાએ કહ્યું.

‘સીમાને પણ લઈ જા.’ વનિતા બોલી.

‘આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો.’ સીમા બોલી.

‘ચાલને, આપણે ગાડીમાં બેસી રહીશું.’

સીમા કમને તૈયાર થઈ. રાજા અને ડિલન સાથે ખાવાનાના બોક્સીસ લઈ અમે ડાઉનટાઉન ગયા.

રાજાએ ગાડી પાર્ક કરી. સીમાનું મન નહોતું તોય કુતૂહલ માટે પંદરમી અને વોલ્નટ સ્ટ્રીટના અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન પર ગયા. કાર્ડબોર્ડના બનાવેલા બોક્સના ઘરમાં માણસો રહેતા હતા. કોઈ બેન્ચ પર બેઠું હતું. કોઈ આંટા મારતું હતું. કાળા અને ફિક્કા પડી ગયેલા માણસોના જીંથરા જેવા લાંબા લાંબા વાળ. દિવસોથી ન કરેલી વધેલી દાઢી. ગંદા વાસ મારતાં કપડાં. કોઈએ ઝભ્ભો પહેરેલો. કોઈએ મેલુંઘેલું શર્ટ. કોઈએ ઠંડીથી બચવા કાણાંવાળો લાંબો ડગલો. પિશાબની અસહ્ય દુર્ગન્ધ ચારે બાજુ ફેલાયેલી હતી. એટલામાં ટ્રેઇન આવી. પેસેન્જરો ઊતર્યા. કેટલાક નાક પર રૂમાલ દાબી સડસડાટ એસ્કલેટર ચડી ગયા. કોઈએ એમનું પરચુરણ ત્યાં બેઠેલા એક માણસના ટિન કપમાં નાંખ્યું. કોઈએ વાળેલી ડોલર બિલની નોેટ બીજા માણસના હાથમાં મૂકી. કોઈએ સ્ટારબકની કોફીના કપ્સ તો કોઈએ ડન્કીન ડોનટસ ત્યાં ઊભેલા માણસોના હાથમાં આપ્યા. દુર્ગન્ધના એ વાતાવરણમાં ઊભા રહીને વાત કરવાનો નહોતો કોઈ પાસે સમય કે નહોતી કોઈની ઈચ્છા. સૌને ઉતાવળ હતી ત્યાંથી ભાગી છૂટવાની.

‘તમે ને સીમા પણ ઉપર જતા રહો. અમે આ લોકોને ખાવાનું આપીને ઉપર આવીએ છીએ.’ રાજાએ કહ્યું.

હું અને સીમા આ અકલ્પ્ય દ્દશ્ય જોઈને સડક થઈ ગયેલા. અમે પણ એસ્કલેટર લઈ ઉપર ગયા અને સ્ટેશનની બહાર ઊભા રહ્યા. થોડી વાર પછી રાજા ને ડિલન આવ્યા.

‘વી ટોલ્ડ યુ ઇટ વોન્ટ બી અ પ્લેઝન્ટ સાઇટ.’ પાર્ક કરેલી ગાડી તરફ જતા ડિલન બોલ્યો.

‘તમે આ માણસો સાથે વાત કરો ખરા?’ મેં પૂછયુ.

‘હા.’

‘શા માટે માણસ આવી રીતે રહેતા હશે? ખરેખર પૈસા નહીં હોય એટલે? આપણે એમને મદદ કરી બહાર ન લાવી શકીએ?’ મેં પૂછ્યું.

‘પૈસા ન હોય એવું હંમેશા નથી હોતું. એ લોકો મદદ સ્વીકારવા જ તૈયાર નથી હોતા.’ ડિલને કહ્યું.

‘પણ વરસમાં એક કે બે વાર ખાવાનું આપવાથી શું થાય? આ પ્રશ્ન હંમેશનો નથી?’

‘થેંક્સગિવિંગ અને ક્રિસ્મસ પર આપણે સારું સારું ખાઈએ અને આ લોકો ભૂખે મરે એ કેવી રીતે જોવાય?’ રાજા બોલ્યો.

‘હવે ઘેર જઈશુંને?’ મેં પૂછ્યું.

‘ના, હજી એક જગ્યા બાકી છે.’

‘કઈ?’

‘રીટનહાઉસ સ્ક્વેર પાર્ક. ત્યાં ઘણા ગરીબો બેન્ચ પર સૂતા હોય છે.’

મને મારી લાઇબ્રેરી યાદ આવી. લાઇબ્રેરીની બહાર હું રોજ એક પાગલ માણસને જોતી. ક્યારેક એના ટિનના ગોબાઈ ગયેલા ડબ્બામાં પાંચ કે દસ ડોલરની નોટ મૂકતી. ક્યારેક એને ન જોયો કરતી. ક્યારેક એ માણસ ઊતરચડ થતાં પગથિયાં સાથે વાતો કરતો, ખરેલાં સૂકાં પાંદડાંને ફૂલો સમજી વીણ્યે જતો, આંખો વિનાના ચહેરાઓમાં અથડાતો અટવાતો ગૂંચવાતો. થોડા દિવસો પછી ખબર પડી કે એ તો બેન્ચ પર જ ગુજરી ગયો અને અમે લાઇબ્રેરીમાં અભરાઈ પર મૂકેલાં પુસ્તકોની જેમ જોતાં જ રહી ગયા.

‘શું વિચાર કરે છે’? સીમાએ પૂછ્યું.

‘કંઈ નહીં.’ હું એ ગુજરી ગયેલા પાગલનો વિચાર ખંખેરતા બોલી.

રાજાએ ગાડી રીટનહાઉસ સ્ક્વેર પાર્ક પાસે ઊભી રાખી. હું અને સીમા ગાડીમાં બેસી રહ્યા. પાર્કના બે બેન્ચ પર એક એક માણસ બેઠા હતા. રાજા અને ડિલન ખોખામાં મૂકેલા બ્રેડ, બીન્સનાં ખોલેલાં કેન, કેઈકના નાના ટુકડા, થોડાં ફળ અને પાણીની બોટલ લઈ બેન્ચ પાસે ગયા. રાજાએ એક ખોખું એક માણસના હાથમાં મૂક્યું. પેલા માણસે માથું ઊંચું કર્યા વિના જ એ ખોખું સ્વીકારી લીધું. મને વનિતાનું ગોઠવેલું ડિનર ટેબલ યાદ આવી ગયું. રોયલ ડોલ્ટનની પ્લેટસ, ચાંદીના કાંટા-ચમચા, બોલ્સ, કટ ગ્લાસના પીવાના અને દારૂના ગ્લાસ, એમ્બ્રોઇડર કરેલાં નેપકિન્સ..

ડિલને બીજા બેન્ચના માણસના હાથમાં ખોખું મૂક્યું. પેલા માણસે માથું ઊંચું કરીને જોયું.

‘થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.’ પેલો માણસ બહુ જ પરિચિત અને સભ્ય ભાષામા બોલ્યો.

મારા કાન સરવા થયા.

મેં એ અવાજની દિશામાં જોયું. પેલો પુરુષ બીજો કોઈ નહીં પણ અભય હતો. એને જોઈને ધ્રાસકો પડયો. ઘડીભર માટે દિગ્મૂઢ થઈ ગઈ. મને થયું, લાવ, એની પાસે જાઉં. એની સાથે વાત કરું. સુભગા અને સીમાની મન:સ્થિતિની વાત કરું. ઘર છોડવાનું કારણ પૂછું. એણે પૂછેલા અનેક પ્રશ્નો વિશે મેં વિચાર્યું છે એ એને કહું. મારા કેટલાક અભિપ્રાયો બદલાયા છે એની વાત કરું. જીવન પ્રત્યેના મારા અભિગમને અને વનિતાના થેંક્સગિવિંગના ડિનર ટેબલ પર વ્યવસ્થિત ગોઠવાયેલાં રોયલ ડોલ્ટનની પ્લેટસ, ચાંદીના કાંટા-ચમચા, બોલ્સ, કટ ગ્લાસના પીવાના અને દારૂના ગ્લાસ, અને એમ્બ્રોઇડર કરેલાં નેપકિન્સ સાથે બાકીના ત્રણસો ને ચોસઠ દિવસને કંઈક જુદી જ નિસબત છે એની વાત કરું. પણ હું ચૂપચાપ બેસી જ રહી. વનિતાના ટેબલ પર ગોઠવેલી વિપુલ વાનગીઓ અને પેલા બેન્ચ પર બેઠેલા માણસોને આપેલાં ખોખાં અને ખોખાંની ચાર ચીજો આંખોમાં ભેળસેળ થઈ ગઈ.

ખાવાનું આપીને ડિલન અને રાજા પાછા આવ્યા. ગાડીમાં બેઠા. કોઈ કશું બોલ્યું નહીં.

મેં અભયને જોયો એ વાત વનિતાને અને સુભગાને કરવાનું વિચાર્યું. પાછું એમ પણ વિચાર્યું કે અભયે જે પગલું લીધું હશે એ સમજી વિચારીને જ લીધું હશે. આ સમાજ એને માટે ‘મિસફિટ’ હશે કે આ સમાજ માટે ’એ’ મિસફિટ હશે.

મેં જોયું કે મારી સામે બે દરવાજા છે. બન્ને પર ’Exit’ લખેલું છે. હું કોઈ પણ દરવાજો ખોલી બહાર જઈ શકું એમ છું પણ બે બંધ દરવાજાની વચ્ચે અટવાયા કરું છું, અટવાયા કરું છું.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book