કવિતા કરું છું

મુશળધાર ચાંદની વરસતી હોય
અને એ ન આવે
ત્યારે
એના ન આવવાની
કવિતા કરતી હોઉં છું,
એના ન આવવાથી છવાતી ઉદાસીની
કવિતા કરતી હોઉં છું,
એ ઉદાસીથી એકાકીપણું અહેસાસ કરવાની
કવિતા કરતી હોઉં છું,
એ એકાકીપણું સહન ન થતાં પથારીમાં પડ્યા રહેવાની
કવિતા કરતી હોઉં છું,
એ પથારીમાં પડ્યા પડ્યા છત સામે તાક્યા કરવાની
કવિતા કરતી હોઉં છું,
છત સામે તાકતાં તાકતાં ત્યાં જાળું બાંધવાનો પ્રયત્ન કરતા એક કરોળિયાની
કવિતા કરતી હોઉં છું,
કરોળિયો ભોંય પર પડે પછી એના પછડાવાની
કવિતા કરતી હોઉં છું,
કરોળિયો ભોંય પરથી ઊભો થઈ ફરી જાળું બાંધશેની
કવિતા કરતી હોઉં છું,
અચાનક કરોળિયાને ભૂલી ઉદાસી વલોવવાની
કવિતા કરતી હોઉં છું,
અને પછી
ઉદાસી વલોવવી વ્યર્થ છે સમજી ઉદાસી ખંખેરવાની
કવિતા કરતી હોઉં છું.

અંતે
આગલી બધી કવિતાઓ રદ કરી
બારી પાસે ઊભા રહી
આંખોથી ચાંદની પીવાની
કે
ઘરની બહાર જઈ
મુશળધાર વરસતી ચાંદનીમાં નાહવાની
કવિતા કરતી હોઉં છું.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book