અમને તમારી અડખેપડખે રાખો

અમને તમારી અડખેપડખે રાખો
ખૂબ પાસે રાખીને
અમને હળવે હળવે ચાખો.

સંગત, રંગત, સોબત, મહોબ્બત
આ તો અમથાં અમથાં લટકણિયાં છે નામ
અંગત એવું એક જણ પણ હોય નહીં તો નથી કોઈનું કામ
મૌનને મારા ખબર પડે નહીં એવી રીતે
ફૂટે શબદ શબદની પાંખો
અમને તમારી અડખેપડખે રાખો.

કોણ આવે કોણ જાય, કોણ ચૂપ રહે કોણ ગાય
એની અમને લેશ નથી પણ પરવા
કારણ અકારણ કાંઈ કશું નહીં
અમે તમારી સાથે નીકળ્યા ખુલ્લા દિલથી ફરવા
એક વાર જો સાથ હોય ને હાથમાં ગૂંથ્યા હાથ હોય
તો મારગ મીઠો લાગે હોય ભલેને ધુમ્મસિયો ને ઝાંખો
અમને તમારી અડખેપડખે રાખો.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book