૭. ગાર્ડી ઍવૉર્ડ સ્વીકારતાં ફિલાડેલ્ફિયા, ઑક્ટોબર ૧૦, ૨૦૧૪

હું કશું બોલું એ પહેલાં મારે આ સુંદર સંમેલનના આયોજકો અને સંચાલકોનો, ખાસ કરીને બાબુભાઈ સુથાર, સુચી અને ગિરીશભાઈ વ્યાસ, કિશોરભાઈ દેસાઈ, ભાવના વ્યાસ અને ભારતી શાહનો આભાર માનવો છે. આ મિત્રોના ખંત, પ્રયત્ન અને એમની મારા પ્રત્યેની અઢળક પ્રીતિને કારણે જ આવો સુંદર પ્રસંગ અહીં યોજાઈ શક્યો છે.

ગાર્ડી ડાયસ્પોરા ઇન્સ્ટિટ્યૂટના નિયામક અને ગુજરાતી સાહિત્યના જાણીતા સંશોધક શ્રી બળવંત જાનીએ ડાયસ્પોરા સાહિત્યનું એક નવું જ ક્ષેત્ર ખેડીને ગુજરાતી સાહિત્યમાં મોટું પ્રદાન કર્યું છે. એમનો અને એમની ઍવૉર્ડ કમિટીના નિર્ણાયકો — બાબુ સુથાર, ઉષાબહેન ઉપાધ્યાય અને જયેશ ભોગાયતા — અને આજના વક્તાઓ સર્વશ્રી રાહુલ શુક્લ, પ્રદ્યુમ્ન ચૌહાણ, બાબુ સુથાર, નવીન શાહ, કિશોર દેસાઈ, આપણી અકાદમીના પ્રમુખ રામભાઈ ગઢવી — આ બધા મિત્રોની પણ હું ખાસ આભારી છું.

આ અગત્યનો ઍવૉર્ડ મને મળે છે તેનું મને વ્યક્તિગત ગૌરવ તો ખરું જ, પણ એનું એથીય વધારે મહત્ત્વ એ છે કે એ મને એક અમેરિકન ગુજરાતી સર્જક/કવિ તરીકે મળે છે. હું સાચા અર્થમાં અમેરિકન ગુજરાતી કવિ છું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રખ્યાત કવિ મનસુખલાલ ઝવેરીના હાથ નીચે ગુજરાતી સાહિત્ય ભણી છતાં, દેશમાં મારી કલમ ક્યારેય ઊપડી નથી. આજે મારા અગિયાર કાવ્યસંગ્રહો અને એક વાર્તાસંગ્રહ અને અનેક લેખો એવું સાહિત્યસર્જન થયેલું છે, અને તે બધું જ અમેરિકામાં એટલે કે ફિલાડેલ્ફિયામાં જ થયું છે, એ નોંધપાત્ર હકીકત છે.

ભારતે મને જો ગાંધીગિરા ગુજરાતી જેવી માતૃભાષા આપી તો આ દેશે મને કલમ આપી, મોકળાશ આપી અને લખવાનું વસ્તુ આપ્યું. જેટલી હું દેશની છું તેટલી જ, બલકે તેનાથી કદાચ વધુ આ દેશની છું. જેવું મારું તેવું જ લાખોની સંખ્યામાં અહીં વસતાં આપણા ભાઈબહેનોનું છે. મારું માનવું તો એવું છે કે અહીંથી અને આપણી જેમ જ પરદેશ વસતા ગુજરાતીઓમાંથી ગુજરાતી સાહિત્યને ભવિષ્યના જ્યોતિર્ધરો મળશે. આ વિદેશ વસતા ગુજરાતીઓ, ભાષા અને સાહિત્યના નવપ્રસ્થાન માટે નવાં બળ આપશે. અને અહીંનાં જ ગુજરાતીઓ એની નવી દિશાઓ ઉઘાડશે એવી મારી શ્રદ્ધા છે.

મારી કવિતા માટે કહેવાય છે કે એમાં સૈકાઓથી મૂંગે મોઢે સહન કરતી ગુજરાતી સ્ત્રીઓને વાણી મળી. મને ક્યાંય ક્યાંયથી, દેશ-પરદેશથી બહેનોના પત્રો આવે છે. આ બહેનો મારી કોઈ ને કોઈ કવિતા વાંચી લખે છે, અરે, આ તો તમે મારી વાત કરી છે. મારી દૃષ્ટિએ બહેનોનો આ પ્રતિભાવ એ જ મોટો ઍવૉર્ડ છે. અને આ બહેનો અને મારા જેવાં ભારત બહાર રહેતા તમામ ગુજરાતી સાહિત્યકારોનું હું પ્રતિનિધિત્વ કરું છું. અને આ સૌ વતી ગાર્ડી ઍવૉર્ડ સ્વીકારતાં મને ખૂબ આનંદ થાય છે. આપ સૌ આજે આ સુંદર કાર્યક્રમમાં આવ્યા તેથી એ આનંદમાં વધારો થયો છે.

છેલ્લે, મારા પરમ મિત્ર અને હવે સ્મૃતિશેષ સુરેશ દલાલને યાદ કરી લઉં. મારા સઘળા કાવ્યસંગ્રહો અને વાર્તાસંગ્રહોના પબ્લિકેશનનો યશ સુરેશ દલાલને જાય છે. મારી કવિતા અને વાર્તામાં જો કોઈ એક વ્યક્તિએ કેવળ સાહિત્યસર્જનને કારણે જ સક્રિય રસ લીધો હોય તો તે સુરેશ દલાલે. અમેરિકામાં રહેવાનું અને ગુજરાતીમાં સર્જન કરવાનું એ એના મમતાભર્યા સહકાર વિના મારે માટે શક્ય નહોતું. એની સચ્ચાઈ, નિષ્ઠા, નિસબત અને કાવ્યપ્રીતિ વિશે કહીએ એટલું ઓછું છે. આજે સુરેશ હોત તો ખૂબ રાજી થાત.

નટવર ગાંધી તો આભાર માનવાના જ છે. પણ વિશેષ આભાર હું બાબુભાઈ સુથારનો માનું છું કે આવું સુંદર ફ્લાયર અને અદ્ભુત બૂકલેટ કરવાનું એમને જ સૂઝે.

હવે હું બેસું એ પહેલા મારી એક કવિતા જેમાં આપણી સ્ત્રીઓની લાગણીઓ વ્યક્ત કરવાનો મેં પ્રયત્ન કર્યો છે, તે રજૂ કરીશ.

મંજૂર નથી

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
     ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
     અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
     મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હામાં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું, માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું, માપસર ભળવાનું,
માપસર માપસર માપસર માપસર
આવું હળવાનું, ભળવાનું, માપસર ઓગળવાનું
     મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
     ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book