ભ્રષ્ટ

ખાસ્સા સમય પછી
બે દાયકાને જાગૃત કરતો
નજરે ચડ્યો
૪ x ૬ નો
ફેમિલી ફોટોગ્રાફ!
વીસમી સદીના ઉત્તરાર્ધની
ત્રણ પેઢીની
વર્ણસંકર ફૅશનમાં
કેવાં ઊપસી આવે છે
ગાંધીજીના જમાનાને
પ્રતિબિંબિત કરતા બાપાજી
અને
મુંબઈ જેવા આધુનિક શહેરમાં
હવે
ગુજરાતી માતાની ઐતિહાસિક પ્રતિકૃતિ જેવાં બા!
ભાઈઓ, ભાભીઓ
એમનો સમુદાય…
અને વચ્ચે હું—
અતોભ્રષ્ટ, તતોભ્રષ્ટ!
સૌની આંખો ઝીણી કરતો
ચોપાસથી પ્રવેશી પ્રકાશતો
તડકો—
એય ઝડપાયો છે ફોટામાં!
અને
ક્યાંક ક્યાંક ડોકાય છે
ફોટો જીવે ત્યાં સુધી
તાજું જ દેખાવાનો પ્રયત્ન કરતી ફૂલોની ક્યારીઓ…
પશ્વાદ્ભૂમાં અડધું જૂનું, અડધું નવું ઘર—
સ્થળે સ્થળે રંગ ઊખડેલું…
મનના રસ્તા પર
એકબીજાને અથડાઈ
પસાર થતા અનેક વિચારો સાથે
મેં ફોટાને
ખાનામાં મૂકી દીધો.
અંધારામાં
દીવાસળી ઝબૂકે
એમ
બધું તાદૃશ થયા પછીય
કેટલી અલ્પજીવી હોય છે
આ સ્મરણની ઋતુ…!

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book