બાનો અંતિમ દિન

‘એ’ હવે આવવા જ જોઈએ-ની
પ્રતીતિમાં
ઉઘાડબંધ થઈ કશુંક શોધતી
ઝાંખું ઝાંખું જોતી
પાંપણોઃ
બાપુના હાથમાં હાથ હોવા છતાંય
ઓઢેલા શામળા કામળામાં
ઠંડા થતા જતા હાથ;
મૂળમાંથી ઊખડવા આવેલા
પડું પડું થતા વૃક્ષની
ત્વચા જેવા
તૂટક તૂટક વિચારો;
વિસ્તરેલી ચાર પેઢીની
છેલ્લાં દર્શનાર્થેની
સતત અવરજવર વચ્ચેય
દસ હજાર માઇલ દૂર
સાસરે ગયેલી
દીકરીની આંખોમાં
છેલ્લી નજર મેળવવાની
રહીસહી ઝંખનાની તરસ;
ઘૂંટાતા શ્વાસમાં
દૂર થયેલી દીકરીના સુખ માટે
કશુંક પ્રાર્થતા
કશુંક ગણતણતા
સૂકા સૂકા હોઠ;
મનની શાંતિ અર્થે
થતા મંત્રોચ્ચાર વચ્ચે
કાન સુધી પહોંચવા મથતાં
નજીક આવતાં જતાં લાગતાં
દીકરીનાં પગલાં?
ના, ના, દીકરી તો સાસરે જ શોભે!
સાસરાને સાચવતી અને શોભાવતી દીકરી
હવે આવી નહીં શકે તેની
મનોમન ખાતરી થતાં
સાત સાગરને
ન ઓળંગી શકતી
એમની આંખોને
એમણે
બારી બહારના
ખુલ્લા ભૂરા
જમ્બો જેટ વિનાના
આકાશ તરફ મીટ માંડી
સ્થિર કરી દીધી—
સદાય માટે!

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book