રીઅલ ભાગ્યોદય

આજે અમેરિકામાં થૅન્ક્સગિવિંગનો તહેવાર છે. અમેરિકનો આજે ટર્કી, સ્ટફિંગ, મેશ્ડ પટેટો, ક્રેનબેરી સૉસ અને પમકીન પાયની જ્યાફત ઉડાવશે. દારૂ પીશે. હું, રાજેશકુમાર પંડ્યા, આજે થૅન્ક્સગિવિંગના દિવસે મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં એકલો એકલો પથારીમાં આળોટું છું.

મને અમેરિકા આવ્યે ચોવીસ વર્ષ થયાં છે. આ પહેલો જ થૅન્ક્સગિવિંગનો દિવસ છે જ્યારે મારે ઘેર કોઈ આવવાનું નથી. એકલો એકલો પથારીમાં આળોટું છું. સામે ટીવી ચાલુ છે. ન્યૂઝ આવે છે.

મારી ઉંમર પિસ્તાળીસ વર્ષની છે. મારી પાસે અંગ્રેજી સાહિત્યમાં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાની પીએચ.ડી.ની ડિગ્રી છે. શિકાગો યુનિવર્સિટીમાં ભણાવ્યું છે. કેટલાય નોબેલ પ્રાઇઝ બુદ્ધિજીવી વિજેતાઓ સાથે કામ કર્યું છે. એમની સાથે હર્યોફર્યો છું. મારા એક બેડરૂમના અપાર્ટમેન્ટમાં સૌથી વધુ જગ્યા રોકે છે વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકોથી સભર શેલ્વ્સ. મેં વસાવેલું એકએક પુસ્તક મેં વાંચ્યું છે. અત્યારે એટલે કે, છેલ્લાં ત્રણ વરસથી મારી પાસે કોઈ જૉબ નથી.

મારું લગ્નજીવન સુખી હતું. બાળકો મને ગમતાં પણ અમારે બાળક હોવું જોઈએ એનો આગ્રહ નહોતો. મારી પત્ની બીનાને બાળક જોઈતું હતું. એ એની માને મુંબઈ મળવા ગઈ ત્યારે તેણે ફોન પર એના સગર્ભા થવાના સમાચાર આપ્યા હતા. મેં આનંદ વ્યક્ત કર્યો હતો. અમારું બાળક તે નીના. નીના અત્યારે બાવીસ વર્ષની છે, પેન સ્ટેટમાં જુનિયર વરસમાં કશું ભણી રહી છે. એ કોઈ કાળા છોકરા સાથે ફરે છે. આઈ લીવ હર અલોન.

લગ્નજીવન દરમિયાન મારે માર્ગરેટ સાથે ઓળખાણ થઈ. એ મારી સાથે જ ભણાવતા ડેવિડ કોહનની બહેનપણી હતી. ડેવિડ સાથેનો એનો સંબંધ તૂટી ગયો પછી અમારો સંબંધ શરૂ થયો. પેગી (માર્ગરેટ) વાર્તા લખતી. મને વંચાવતી. અમે સુધારાવધારા કરતાં. પછી એ છપાવતી. એનો વાર્તાસંગ્રહ થયો. મને અર્પણ કરેલો. થોડા સમય પછી પેગી વાર્તાસંગ્રહના પ્રકાશકને પરણી ગઈ. આ સાત વરસ પહેલાંની વાત છે. મારી પાસે એનો ફોન નંબર છે, પણ કરતાં અચકાઉં છું. પેગી સાથેના સંબંધને કારણે હું અને બીના એકબીજાથી દૂર થતાં જતાં હતાં. એણે છૂટાછેડાનો પ્રસ્તાવ મૂક્યો. ચાર વરસ પહેલાં અમે સમજૂતીથી છૂટાં થયાં. નીના એની સાથે રહેવા ગઈ. મેં ઘર બીનાને લખી આપ્યું. બીના અત્યારે કોઈ એન્જિનિયરને પરણી છે. વેસ્ટ ચેસ્ટરમાં રહે છે. નીનાની ફી ભરવાની હોય ત્યારે મારા પર ફોન આવે છે. મેં નીનાની ફી ભરવા અને મારું ઘર ચલાવવા મારા બિઝનેસમૅન મામા પાસેથી ચાળીસ હજાર ડૉલર્સ લોન પર લીધા છે. એક વાર જૉબ મળશે એટલે બધા ડૉલર્સ ચૂકવી દઈશ.

બે વરસ પહેલાં એક છવ્વીસ વરસની છોકરી — નામે સ્મિતા — સાથે ઓળખાણ થઈ. એનો ભાઈ અહીં ડૉક્ટર છે. એને મળવા અને અમેરિકા ફરવાને બહાને સ્મિતા આવી હતી. સાચું કારણ તો કોઈ છોકરો મળે તો પરણી જવાનું હતું. ભાવનગરની મહિલા કૉલેજમાં એ ગુજરાતી ભણાવીને કંટાળી હતી. અમારું ક્લિક થયું. પણ સ્મિતાનાં પપ્પા-મમ્મી, ભાઈ વગેરે અમારા સંબંધથી નારાજ હતાં, કારણ મારી ઉંમર તેંતાળીસ વરસની હતી. જૉબ પણ નહોતી. અમે ભાગી જઈને પરણ્યાં. અમારાં લગ્નને બે વરસ થયાં છે પણ પહેલાં જેવું નથી.

મારી પાસે જૉબ નથી, કારણ શિકાગો યુનિવર્સિટીએ મારો કૉન્ટ્રેક્ટ રિન્યૂ ન કર્યો. મેં નોર્મન મેઇલર પર પુસ્તક શરૂ કરેલું. ચાર ચેપ્ટર લખાયાં. ને પછી પેગી, બીના, નીના વગેરેના ચક્કરમાં અટવાયો. મારી સાથેના ડેવિડે ટોની મૉરિસન પર પુસ્તક લખ્યું. છપાવ્યું. સરસ રિવ્યૂ થયા. એ હવે ડિપાર્ટમેન્ટ ચૅરમૅન થઈ ગયો ને મને પાણીચું.

સ્મિતા કહે છે, ‘ન ભણાવવું હોય તો ગૅસ પંપ કરો, ગ્રોસરી સ્ટોરમાં બાસમતી ચોખા વેચો, કેન્ડી સ્ટોરમાં ક્લર્ક થાવ. આમ ઘેર બેસીને “સોપ” ના જોયા કરો.’ સ્મિતા મારાથી કંટાળીને આયોવાની રાઇટર્સ વર્કશોપમાં ક્રિએટિવ રાઇટિંગના કોર્સ કરવા ગઈ છે. મને એકલું લાગે છે. હું રોજ ફોન કરું છું એ એને ગમતું નથી. મને ટાળવા આન્સરિંગ મશીન ચાલુ રાખે છે.

મેં જ્યોતિષીઓની સલાહ લીધી છે. હું શનિની મહાદશામાંથી પસાર થઈ રહ્યો છું. બસ, આ ડિસેમ્બર પૂરો થયો ને વરસ બદલાયું એટલે બધું સુધર્યું સમજો. ડિસેમ્બર પૂરો થવાને હવે પાંચ અઠવાડિયાં બાકી છે. પછી ભાગ્યોદય.

લાવ પેગીને ફોન કરું.

‘હાય પેગી. હેપી થૅન્ક્સગિવિંગ. ડુ યુ નો હુ ધીસ ઇઝ?’

‘નો, લેટ મી થિંક.’ પેગી કહે છે.

‘રાજુ. યોર રાજુ પાંડ્યા.’

‘રાજુ, કૉલ મી સમ અધર ટાઇમ. આઈ એમ ઇન મિડલ ઑફ સ્ટફિંગ માઈ ટર્કી.’ પેગી ફોન મૂકી દે છે.

પાંચ અઠવાડિયાં પછી જાન્યુઆરીની પહેલીથી ડૉક્ટર રાજેશકુમાર પંડ્યાનો ભાગ્યોદય થાય છે. પંદરમી જાન્યુઆરી સુધીમાં જૉબ હશે, હશે, ને હશે. પછી બા કહેશે. ‘ભઈલા, બહુ દિ’થી મોં નથ જોયું.’ સ્મિતા કહેશે, ‘ડાર્લિંગ, ચાલને નાયગારા ફૉલ્સ જઈએ.’ પેગી કહેશે ‘લેટ્સ હૅવ અ કેન્ડલલાઇટ ડીનર ફૉર ધ ઑલ્ડ ટાઇમ્સ સેઇક.’ અને હું ડૉક્ટર રાજેશકુમાર પંડ્યા પોઝ લઈને કહીશ ‘લેટ મી થિંક ઇટ ઓવર.’

દર ગુરુવારે બાજુવાળા હરિભાઈ પટેલનાં વહુ ભાનુબહેન તપેલી ભરીને દાળ મોકલાવે છે. હરિભાઈ આવે એટલે એકનો એક સવાલ પૂછે ‘જૉબનું કાંઈ થિયું?’ હું બોલું એ પહેલાં જ જૉબ ચીંધવા માંડે ‘ન થિયું હોય તો આવી જાવ આપણી ‘ઓસનફ્રન્ટ મોટેલ’ પર. રાતપાળીની ખાલી જગ્યા તમારી. બોલો છે વિચાર?’ હું નકારમાં માથું ધુણાવું એટલે વળી કહે કે ‘તમે તો ભણેસરી. અમારા મોટેલિયાની હોડમાં હાના બેહો!’ આજે હજી દાળ આવી નથી. સારું થયું. આજે સપરમે દિવસે હરિભાઈના સવાલમાંથી બચી ગયો.

બઝર વાગે છે.

‘હુ ઇઝ ઇટ?’ ઇન્ટરકોમ પર પૂછું છું.

‘નીના.’

હું બઝર દબાવું છું. નીચેનું બારણું ખૂલવાનો ને પછી બંધ થવાનો અવાજ આવે છે. હું અપાર્ટમેન્ટનું બારણું ખોલી ઊભો રહું છું. નીના દાદર ચડીને ઉપર આવે છે. સાથે કાળો છોકરો છે.

નીના મને વળગી પડે છે. એના ગાલ ઠંડા છે. એણે વૂલન કોટ પહેર્યો છે. હાથમાં મોજાં છે. ખભે પર્સ છે. કેટલે બધે વખતે મેં જોઈ નીનાને.

‘પપ્પા, આ સ્કોટ ગીબ્સ. એ ટ્રિનિડાડનો છે. વી લિવ ટુગેધર.’ નીના કહે છે.

‘હલો સ્કોટ.’ હું હાથ મિલાવું છું.

‘પપ્પા, મારે બાથરૂમ જવું પડશે.’ નીના દોડીને બાથરૂમમાં જાય છે, બારણું બંધ કરે છે. સિન્કમાં આખો નળ ખોલવાનો અવાજ આવે છે.

હું સ્કોટને બેસવા કહું છું. એ ઊંચો છે. એના વાળ ભૂંગળીવાળા છે. આંખો તેજસ્વી છે. બરછટડા કાળા વાળવાળી દાઢીમાંથી એના જાડા પહોળા હોઠ ડોકાય છે. સ્વચ્છ શર્ટ, જેકેટ, ટાઈ પહેર્યાં છે. સ્કોટ હૅન્ડસમ છે.

‘નીનાએ તમારી ખૂબ વાતો કરી છે. તમને મળીને આનંદ થયો.’ સ્કોટ કહે છે.

‘શું ભણો છો તમે?’ હું પૂછું છું.

‘પેન સ્ટેટમાં એન્જિયરિંગમાં અન્ડર ગ્રેજ્યુએટ કરું છું.’ સ્કોટ જવાબ આપે છે.

ટોઇલેટ ફ્લશ થવાનો અવાજ આવે છે. નળ બંધ થાય છે. બારણું ખૂલે છે. નીના બહાર આવીને મારી ને સ્કોટની વચ્ચે ઊભી રહે છે.

‘બેસ, નીના. કોટ કાઢ.’ હું કહું છું.

‘પપ્પા, અમે તમને ડિનર પર લઈ જવા આવ્યાં છીએ.’ નીના કહે છે.

હું તૈયાર થવા જાઉં છું. દાઢી કરી, ક્વીક શાવર લઉં છું. નાહીને ક્લોઝેટમાંથી ઇસ્ત્રી કરેલું શર્ટ, ગ્રે સૂટ, ટાઈ પહેરું છું. ખાનામાંથી મોજાં, રૂમાલ કાઢું છું. ચેસ્ટર ડ્રૉઅર પર પડેલું વોલેટ ખોલું છું. એમાં પચાસેક ડૉલર છે. જતાં જતાં મૅક મશીનમાંથી બીજા લેવા પડશે.

હું બેડરૂમમાંથી બહાર આવું છું. નીના ફરીથી બાથરૂમમાં જાય છે. ફરી ખુલ્લા નળનો અવાજ. સાથે ઊલટીનો અવાજ.

મારા કાન ચોંકે છે. બીનાને આમ જ ઊલટીઓ થતી.

નીના બહાર આવે છે.

‘એવરીથિંગ ઓ.કે.?’ હું પૂછું છું.

‘ફાઇન, ફાઇન, લેટ્સ ગો.’ નીના કહે છે.

અમે સ્કોટની ગાડીમાં જમવા જઈએ છીએ. હું પાછળ બેસું છું. રસ્તામાં મૅક મશીન આવે છે. હું ડૉલર્સ લઈ લઉં છું. સ્કોટ અને નીનાએ રેસ્ટોરંટમાં રિઝર્વેશન કરાવ્યું છે. રેસ્ટોરંટમાં નીના મારી અને સ્કોટની વચ્ચે બેસે છે. એણે કોટ પહેરી રાખ્યો છે. અમે ડ્રિન્ક્સ ઑર્ડર કરીએ છીએ. મેન્યુ જોઈએ છીએ. થૅન્ક્સગિવિંગનું ટ્રેડિશનલ ડીનર ઑર્ડર કરીએ છીએ. ડ્રિન્ક્સ આવે છે. ગ્લાસ હાથમાં લઈ ‘ચીયર્સ’ કહી ટકરાવીએ છીએ.

‘ગુડ લક યુ ઑલ ઑફ અસ.’ — હું કહું છું. ઊલટીના અવાજને મારા કાન ખંખેરી શકતા નથી.

અમે પેન સ્ટેટના એજ્યુકેશનની વાતો કરીએ છીએ. નીના જુનિયરમાં છે. એણે બાયોલૉજી મેજર લીધું છે. મેમાં સિનિયરમાં આવશે. મેડિકલ સ્કૂલનો વિચાર હમણાં માંડી વાળ્યો છે. સ્કોટ મેમાં ગ્રેજ્યુએટ થશે.

‘આઈ લવ નીના વેરી મચ.’ સ્કોટ કહે છે.

બંને જણ એકમેકની આંખમાં આંખ પરોવી એમની આંગળીઓ ગૂંથે છે. હું અને પેગી પણ આમ જ કરતાં.

અમારું ડીનર આવે છે. અત્યારે ડિનર કરતાં મને નીનામાં, નીનાના ભવિષ્યમાં વધારે રસ છે.

‘પપ્પા, તમને ગુડ ન્યૂઝ આપવાના છે.’ કહીને નીના સ્કોટ સામે જુએ છે.

‘બોલ બેટા.’ મને ખબર છે પણ મારે એને મોઢે સાંભળવું છે.

‘તમે ગ્રાન્ડફાધર થવાના છો. આઈ એમ સો એક્સાઇટેડ.’ નીના કહે છે.

‘કૉન્ગ્રેચ્યુલેશન્સ. બેબી ક્યારે ડ્યુ છે?’ હું પૂછું છું.

‘મેમાં. ગ્રેજ્યુએશન ગિફ્ટ ફૉર સ્કોટ.’ સ્કોટની સામે જોઈને નીના જવાબ આપે છે.

‘પછી ભણવાનું? બેબીને રેઇઝ કરવાનું?’ હું પૂછું છું.

‘થઈ જશે.’ નીના વિશ્વાસથી બોલે છે.

સ્કોટનું વસ્તારી કુટુંબ ટ્રિનિડાડમાં છે. એ લોકોનાં કેળાંનાં મોટાં પ્લાન્ટેશન છે. બેબીને લઈ સ્કોટ ટ્રિનિડાડ જશે. નીના અહીં રહી સિનિયરનું વરસ પૂરું કરશે. પછી એ પણ ટ્રિનિડાડ જશે.

નીના પરણવાની વાત નથી કરતી. હું અંદરથી સમસમી રહું છું.

નીના અને સ્કોટ મને ઉતારીને સ્કોટના પપ્પાને ત્યાં જાય છે.

હું દાદર ચડી ઉપર આવું છું. અપાર્ટમેન્ટ ખોલી એક પગે ધક્કો મારી બારણું બંધ કરું છું. કપડાં બદલું છું. બ્રશ કરું છું. ટીવી ઑન કરી પથારીમાં પડું છું.

સ્મિતાને ખબર આપવા ફોન જોડું છું. એનું આન્સરિંગ મશીન જવાબ આપે છે.

નીનાને બેબી આવવાનું છે એની બીનાને ખબર હશે? આઈ વંડર. નીના નામ શું પાડશે. દેશી કે અમેરિકન.

રાજેશકુમાર પંડ્યાને હજી પેગીના વિચાર આવે છે, ને છ મહિનામાં તો એ દાદાજી થશે. ગ્રાન્ડપા. જ્યોતિષીઓએ નવા વરસમાં ભાગ્યોદય ભાખ્યો છે. હુ નોઝ? મે બી ધીસ ન્યૂ બેબી વિલ બ્રિંગ મી લક. ઇન ધ કમિંગ યર રાજેશકુમાર પંડ્યા વિલ હેવ અ જૉબ ઍન્ડ ઓલ્સો અ ગ્રાન્ડચાઇલ્ડ ટુ પ્લે વિથ. રીઅલ ભાગ્યોદય.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book