૬. ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિકથી સન્માનિત
ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે લૉસ ઍન્જલસમાં ભરાયેલા ત્રીજા સાહિત્ય સંમેલનમાં કવયિત્રી પન્ના નાયકને ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક એનાયત થયું હતું. વર્ષોથી ફિલાડેલ્ફિયા રહી તેમણે કરેલી ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિની કદર રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ (અમદાવાદ)ના પ્રમુખ રઘુવીર ચૌધરીના હસ્તે તેમને ૧૦૦૦ ડૉલરનો ચેક અને આ પ્રતિષ્ઠિત પારિતોષિક અર્પણ કરવામાં આવ્યાં હતાં. માત્ર અમેરિકામાં જ નહીં પણ કેનેડા, બ્રિટન, સમગ્ર ગુજરાત અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં પરદેશમાં પન્ના નાયકનું નામ જાણીતું છે, છવાએલું છે. તેમનાં કાવ્યોમાં સંવેદના અને સચ્ચાઈનો રણકો સ્પષ્ટ દેખાય છે. કવિતા ઉપરાંત વાર્તા અને નિબંધ જેવા સાહિત્યના ગદ્યસ્વરૂપમાં પણ તેમણે લખવાનું ચાલુ કર્યું છે એ આનંદની વાત છે. સાહિત્યસર્જન ઉપરાંત યુનિવર્સિટી ઑફ પેન્સિલવૅનિયામાં લાઈબ્રેરિયન તરીકે સેવા બજાવતાં બજાવતાં કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી ભણાવવાની પ્રવૃત્તિમાં પણ તેઓ વર્ષો સુધી સક્રિય રહ્યાં છે. આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડ મેળવવા માટે પન્નાબેનને હાર્દિક અભિનંદન.
ગુજરાતી લિટરરી અકાદમી તરફથી દર બે વર્ષે નોર્થ અમેરિકાના વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકારને આ પારિતોષિક આપવામાં આવે છે. ૨૦૦૦ની સાલમાં આ પારિતોષિક નાટ્યકાર અને વાર્તાકાર મધુ રાયને આપવામાં આવ્યું હતું. આ પારિતોષિકનો આરંભ ન્યૂયૉર્કના જાણીતા દાનવીર ડૉ. મહેતાએ તેમના પિતાજીની સ્મૃતિમાં કર્યો છે. પારિતોષિક સ્વીકારતાં પન્ના નાયકે આપેલું પ્રવચન તેમના વ્યક્તિત્વને ખડું કરે છે.
પન્ના નાયકનું પ્રવચન
અકાદમીના પ્રમુખ શ્રી રામભાઈ, અતિથિવિશેષ શ્રી રઘુવીર ચૌધરી, શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા સાહિત્યરસિક મિત્રો—
આજે તમે સૌ મારું સન્માન કરી રહ્યાં છો ત્યારે મને આનંદ અને આશ્ચર્ય બંને થાય છે.
આપણે એમ માનીએ છીએ કે આપણું જીવન આપણે ગોઠવીએ છીએ. કંઈક અંશે એ સાચું હશે પણ વર્ષો વહી જાય પછી આપણે આપણા જીવન પર અમસ્તીય નજર કરીએ તો ખ્યાલ આવે કે આપણું જીવન જે ગોઠવાયું છે એમાં કેવળ આપણો જ હાથ નથી હોતો. કોઈક બીજા તત્ત્વનો પણ હાથ હોય છે. એ તત્ત્વને આપણે નિયતિ કહીએ કે ઈશ્વર કહીએ.
મારું જીવન કલા સાથે વણાયેલું હશે એની મને કલ્પના હતી. પણ હું કવિતા લખીશ કે મારા પાંચ સંગ્રહો પ્રગટ થશે અને સમગ્ર કવિતા રૂપે ‘વિદેશિની’ના શીર્ષક હેઠળ પ્રગટ થશે તો વાસ્તવિકતા એટલી મોટી લાગે છે કે એનું આશ્ચર્ય હજી શમ્યું નથી. ‘વિદેશિની’ એ મારે માટે મોટો ચમત્કાર છે. મારું જીવન — કેવળ કલાના ભાવક તરીકે નથી રહ્યું પણ કવિતાનું હું માધ્યમ બની શકી છું એનો મને ખૂબ આનંદ છે.
હું ગુજરાતીમાં લખું છું પણ અમેરિકામાં રહીને એટલે પરદેશમાં રહેતી લખતી ગુજરાતી કવયિત્રી છું. મારા જેવા વિદેશી ગુજરાતીઓ માટે ગુજરાતી ભાષા અમારી ઓળખાણ છે. એટલે આજે જ્યારે મારું સન્માન થાય છે ત્યારે ભારત બહાર રહેતા તમામ ગુજરાતી સાહિત્યકારોનું હું પ્રતિનિધિત્વ કરું છું. તમે માત્ર મારું જ નહીં પણ હકીકતમાં ગુજરાતી ભાષા અને એના સંસ્કારવૈભવનું ગૌરવ કર્યું છે.
આ બહુમાન સ્વીકારતાં સહેજે જ થોડા પ્રશ્નો ઊઠે છે. હું શા માટે લખું છું? કવિ થવાનો, વાર્તાકાર થવાનો મને આટલો અભરખો કેમ છે? દેશમાં હતી ત્યારે કેમ કશું લખ્યું નહીં? અને અમેરિકા આવીનેજ કેમ લખવાનું શરૂ કર્યું?
અમારા ઘરમાં સાહિત્યનું વાતાવરણ છવાયેલું જ હતું. મારા દાદાજીએ આજથી લગભગ સો વર્ષ પહેલાં ‘ઇરાવતી’ નામની નવલકથા લખેલી. બાપાજી પણ સાહિત્યરસિક. એમના સાહિત્યરસ અને ટાઇપસેટિંગના ધંધાને કારણે ઘણા સાહિત્યકારો સાથે અમારો ઘરોબો હતો. વળી અમારી સવાર દરરોજ બાના મધુર કંઠે ગવાતાં પદો ને પ્રભાતિયાંથી ઊગે એમ કહીએ તો ચાલે. સંતોની કવિતા મને ગળથૂથીમાં મળી. બાને ન્હાનાલાલ, મેઘાણી અને કલાપીની કેટલીક રચનાઓ પણ કંઠસ્થ હતી.
સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ભણતી હતી ત્યારે પ્રસિદ્ધ કવિ અને વિવેચક મનસુખલાલ ઝવેરીના હાથ નીચે ભણવાની તક મળી. મનસુખભાઈની સંસ્કૃતપ્રચુર ભાષા હજીય કાનમાં ગુંજે છે. એમની પાસેથી સાહિત્યના પાઠ ભણી તો સંસ્કૃતના પંડિત એવા ઝાલાસાહેબ પાસે કાલિદાસનું ‘શાકુંતલ’ માણ્યું. પચાસ અને સાઠના દાયકાઓમાં ગુજરાતી નાટ્યક્ષેત્રે જેમનો સિતારો ચમકતો હતો તે પ્રવીણ જોશી અને સાથે થોડાંઘણાં નાટકો પણ ભજવ્યાં હતાં, આવી સાહિત્યિક સજ્જતા હોવા છતાં દેશમાં ક્યારેય કલમ ઊપડી નહીં અને અમેરિકામાં જ્યારે એકાએક જ ઊપડી તે ક્યારેય અટકી નથી. અમેરિકાએ એવો તે શો જાદુ કર્યો મારા પર?
અમે જ્યારે અહીં આવ્યાં ત્યારે અમેરિકા જવું તે મોટી વાત હતી. કુટુંબીઓ જોશી પાસે જઈ પરદેશગમનનું ચોઘડિયું જોવડાવે. છાપામાં ફોટા છપાય, વિદાય સમારંભ ગોઠવાય, સર્વ કુટુંબ અને મિત્રમંડળ એરપૉર્ટ પર વળાવવા આવે. અમેરિકા માટે અમે પણ નવી નવાઈનાં હતાં. રસ્તા પર ઊભાં રાખી લોકો સાડીનાં વખાણ કરે. ચાંલ્લા માટે પૂછે. ગામડાંઓ કે નાનાં શહેરોમાં જ્યાં આપણી વસ્તી નહિવત્ ત્યાં તો એમ પણ પૂછે કે કઈ ટ્રાઇબનાં? મોટાં શહેરોમાં પણ આપણી વસ્તી જૂજ. મોટાભાગે વિદ્યાર્થીઓ વૉશિંગ્ટન અને ન્યૂયૉર્કમાં એમ્બેસીના થોડા માણસો. ડૉક્ટરો અને એન્જિનિયરોનો ધસારો હજી આવ્યો નહોતો. ન્યૂ જર્સીનું એડિસન હજી પટેલોનું ગામ થયું નહોતું. માત્ર ન્યૂયૉર્કમાં જ એકાદ-બે ગ્રોસરીના સ્ટોર હતા. નવરાત્રિના ગરબા માટે મોટા તંબૂઓ તણાતા નહોતા. દિવાળીના દીવા ક્યાંય દેખાતા નહોતા. ક્રિસમસ એ જ અમારી દિવાળી હતી.
એક પ્રસંગની વાત કરવી છે જે હંમેશ માટે મારા ચિત્તમાં જડાઈ ગયો છે. એ પ્રસંગ તે હું પહેલી વાર અમેરિકા આવી ત્યારનો. અઢાર કલાકની મુસાફરી કરીને ન્યૂયૉર્કના એરપૉર્ટ પર ઊતરી હતી. મેં સાડી પહેરી હતી. કોરા કંકુનો ચાંલ્લો કર્યો હતો. પાસપૉર્ટ પર સિક્કો મરાવવા લાઇનમાં ઊભી હતી. મારી પાછળ એક અમેરિકન બાળક એની મા સાથે ઊભું હતું. એ ટીકી ટીકીને મારી સામે જોયા કરતું હતું. થોડી વાર પછી એણે એની માને કહ્યું, Oh mummy, see see, her forehead is bleeding. પરદેશી હોવાનો, અમેરિકામાં ભારતીય હોવાનો, આ મારો પ્રથમ અનુભવ હતો. આ પ્રસંગને મેં મારા ‘કંકુ’ નામના કાવ્યમાં વણી લીધો છે. આવા immigrant experiencesનાં ઘણાં કાવ્યો મેં લખ્યાં છે.
અમેરિકા આવ્યા પછી નવા દેશનો રોમાંચ અને નવા અનુભવનો સુમેળ હતો. છતાં અસંખ્ય માણસોથી વીંટળાયેલી હું એકાએક એકલી પડી ગઈ હોઉં એવું લાગ્યું. મનમેળ માણસોનો મેળો નહોતો.
આપણા ગુજરાતીઓ તો જે મળ્યું છે તેમાં સંતોષ માનીને જેમ ધીમે ધીમે ગોઠવાઈ જાય તેમ હું ક્યારેય કરી શકી નહીં. કંઈક ખૂટે છે એમ મનોમન થયા કરે. માંહ્યલો ઓસવાયા કરે. મારી પાસે હતાં ઘર, નોકરી અને એકલતા તથા શૂન્યતાનો અનુભવ કરાવે એવો પોકળ પોકળ સમય. કદાચ આ એકલતા અને શૂન્યતામાંથી ઉગારવા કવિતા પ્રગટી હોય એવું પણ ક્યારેક લાગ્યું છે. મારા એક કાવ્યની પંક્તિ છે કે “કવિતા લખતા હાથનો ટેકો ન મળ્યો હોત તો સાચે જ ઢળી પડાત.”
હું ફિલાડેલ્ફિયામાં યુનિ. ઑફ પેન્સિલવેનિયામાં વર્ષોથી લાઇબ્રેરિયન છું. અમારી યુનિવર્સિટીમાં અનેક સાહિત્યકારો આવે. એમને સાંભળું અને રાજી થાઉં. એક વખત બોસ્ટનની બહુ જ જાણીતી કવયિત્રી એન સેક્સટેનને સાંભળવાનો લહાવો મળ્યો. પછી મેં એનાં કાવ્યો નિરાંતે વાંચ્યાં. એનાં કાવ્યોની નિખાલસતા અને પારદર્શકતા મને વીંધી ગઈ. એનાં કાવ્યો વાંચતી જાઉં અને મારી લાગણીનો તાળો મેળવતી જાઉં. એનાં કાવ્યોની અસર તળે મને સ્ફુર્યું મારું પહેલું સાવ નાનકડું કાવ્ય ‘સ્નૅપશૉટ’.
આજે ખુશ છું
કેમ એ તો નથી સમજાતું
આ ખુશીનો
સ્નેપશૉટ લઈ, મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?
કદાચ પહેલી વાર શબ્દ મળ્યો હોય એની ખુશી હોઈ શકે.
આ દરમિયાન નવા ઘરમાં અમે નવું ફર્નિચર વસાવ્યું. દીવાનખાનું સજાવ્યું. ખૂબ ફેરફાર પછી ફર્નિચર બરાબર ગોઠવાયું છે એમ લાગ્યું. પણ એ બધી સજાવટ જોયા પછી એકાએક મનમાં ચીસ પડી ગઈ કે આ બધાંમાં હું ક્યાં? મને ક્યાં ગોઠવું? એ હૈયાવરાળમાંથી ઊપજ્યું મારું ‘દીવાનખાનામાં’ કાવ્ય. આઇર્ની એ કે કવિતાની રચના છંદોબદ્ધ રચનાઓથી કે ગીતોથી નહીં પણ અછાંદસથી શરૂ થઈ. સાવ બોલચાલની ભાષા અને વિષયો પણ રોજ-બ-રોજના.
શરૂઆતની કવિતામાં ઘરઝુરાપો હતો. સાથે સાથે ઉભડક જિવાતા રસહીન જીવનની વાત હતી. મારા કઠિન લગ્નજીવનના અનુભવો કંઈ નવી નવાઈના ન હતા. અસંખ્ય ભારતીય સ્ત્રીઓના, ખાસ કરીને ગુજરાતી સ્ત્રીઓના, એવા જ કંઈક અનુભવ હતા. એ વાતની મને સાબિતી મળી એમના અનેક પત્રો પરથી અમેરિકામાંથી અને મુંબઈમાંથી; ગુજરાતથી કાગળો આવવા માંડ્યા. દરેક પત્રની હકીકત ભલે જુદી હોય પણ છેવટે મુદ્દો એક જ હોય કે આ તો તમે મારી વાત કરી છે. મારી વાતની તમને કેમ ખબર પડી? મારા પોતાના કોચવાતા મનની જે મથામણ કવિતામાં રજૂ થઈ તે આમ અનેક સહૃદયી સ્ત્રીઓને સ્પર્શી જશે તો મારી કલ્પના બહારની જ વાત હતી. દૂર દૂરથી આવતા સ્ત્રીઓના પત્રોમાં મને આજ સુધી એક સહારો મળતો રહ્યો છે અને એ જ મને લખાવે છે. મને થાય છે કે આ તો એમની વાત છે અને એને વાચા અપાવી જ જોઈએ. દર વર્ષે હું જ્યારે દેશ જાઉં ત્યારે આ સ્ત્રીઓ મને ઘેરી વળે છે. આમ મારી ને એમની વચ્ચે જાણે કવિતા દ્વારા એક ગાઢ સંબંધ બંધાઈ ગયો છે. આ સખ્ય મને ગમે છે. પણ નાતો જ મને લખાવે છે.
ઘણા એમ કહે છે કે હું લખું છું કેવળ મારે માટે. એમની પ્રામાણિકતા વિશે મારા મનમાં કોઈ મતભેદ નથી પણ મને એક પ્રશ્ન રહ્યા કરે છે કે જો કોઈ પોતાને માટે જ લખતું હોય તો એ ડાયરીમાં જ રાખી મૂકે પણ વ્યક્તિ પોતાની કૃતિ પ્રગટ કરે છે એનો અર્થ એટલો તો થયો કે ઊંડે ઊંડે, એને પોતાને પણ ન ખબર પડે એવી તીવ્રતાથી, એ ઝંખે છે કે એને કોઈ વાંચે, એને કોઈ સમજે, એને કોઈ સ્વીકારે. મને એવું કહેવામાં સંકોચ નથી કે જ્યારે કોઈ મારી કવિતાની વાત કરે છે ત્યારે તે મને ગમે છે. કવિતાની પ્રશંસા થાય એટલે જ ગમે છે એવું નથી. પણ મને એક સંતોષ થાય છે કે હું મારી વાત શબ્દના માધ્યમ દ્વારા કોઈને પહોંચાડી શકી. મારી લાગણીનો તાળો કોઈની લાગણી સાથે મળી શક્યો. અને એટલે જ દૂર દૂરથી આવતા મારા વાચકોના કેટલાય પત્રોથી મેં આનંદ માણ્યો છે એ વાત નહીં છુપાવું. વિવેચકોના અભિપ્રાયોની અદબ હું જાળવું છું. એમણે બતાવેલી મર્યાદાઓને સમજું પણ છું.
હું ના નહીં પાડું કે કવિતા દ્વારા જીવનની શૂન્યતા જરૂર સહ્ય બની છે. લોકોના પત્રો આવે, મારું નામ અને ક્યારેક ફોટા છાપાં અને મૅગેઝિનોમાં છપાય, ટીવી પર ઇન્ટરવ્યૂ થાય — આ બધું મને ગમે છે. કવિતાવાચનના કાર્યક્રમો યોજાય, સંમેલનોમાં સન્માન થાય, પારિતોષિક મળે એ બધું પણ મને ગમે છે. છતાં પેલી સ્ત્રીઓ સાથે કવિતા દ્વારા જે સંબંધ બંધાયો છે તેનું મારે મન વધુ મહત્ત્વ છે.
હું એમ માનું છું કે તમે સૌ સહૃદયીઓ સાથે પણ આવો જ કોઈ નાતો બંધાયો છે એટલે જ તો તમે સૌ મારું સન્માન કરી રહ્યાં છો. મારે માટે આ ખૂબ જ આનંદની વાત છે. આ સન્માન માટે આપ સૌની આભારી છું.