૧. મારું સુખ

તમારું સુખ શેમાં છે? એવો કોઈ પ્રશ્ન કરે ત્યારે ઓચિંતો વિચાર આવે કે આ બાબત મેં વિચાર્યું છે ખરું? અને હવે પ્રશ્ન પુછાયો જ છે તો હું વિચારે ચડી છું. માણસને સુખ શેમાં મળે છે? માણસને સુખ શેનાથી મળે છે? પૈસાથી? મિત્રોથી? રાચરચીલાથી? જીવનમાં મળેલી લૌકિક સફળતાથી? કદાચ આ બધું જ મારી પાસે હોય અને એ ઉપરાંત વિશિષ્ટ ઘર હોય, છેલ્લા મૉડેલની ગાડી હોય, સારામાં સારાં કપડાં હોય, પાંચમા પંકાતી હોઉં, પાંચમાં પુછાતી હોઉં — આ બધું જ હોય તો એનો અર્થ એવો ખરો કે હું સુખી છું? મારે મતે આ બધું જ હોય અને છતાંય એનો સરવાળો સુખની પ્રાપ્તિ ન હોય.

આજુબાજુના લોકો કહે છે કે જે મળ્યું છે એમાં સંતોષ માનવો એ જ સુખ છે. કોઈના પૈસા, કોઈની બુદ્ધિ, કોઈના વાડીવજીફા વગેરેથી અંજાઈ જઈ એની સાથે સરખામણી કર્યા કરીએ તો નર્યું અસુખ જ લાધે.

નાની હતી ત્યારે સૌની જેમ મેં પણ ‘સુખી માણસનું પહેરણ’ વાર્તા વાંચેલી. નદીકિનારે બેઠેલા એ સુખી માણસે પહેરણ પહેર્યું જ નહોતું અને છતાંય એ સુખી હતો. એ ‘રિક્ત થઈ સભર’ થયો હશે?

આવા બધા વિચારોને અંતે મને મારા અંધેરીના દિવસો યાદ આવે છે. અમારા કુટુંબમાં રિવાજ હતો કે સવારે ઊઠીને પ્રથમ અને રાતે સૂતાં પહેલાં માતાપિતાને પગે લાગવું. મેં એ રિવાજ અપનાવેલો. હું અમેરિકા આવી ત્યાં સુધી રોજ સવારસાંજ મારાં બા-બાપાજીને પગે લાગતી. બા મારે વાંસે હાથ ફેરવી કહેતાં: ‘સુખી થજે.’ બાપાજી મારે માથે હાથ મૂકી કહેતાં: ‘બીજાને સુખી કરીને સુખી થાવ.’ બાપાજીનું આ વાક્ય મારે હૈયે જડાઈ ગયું છે.

હું છેલ્લાં ચાળીસ વર્ષથી કવિતા લખવાનો અને વીસ વર્ષથી વાર્તા લખવાનો પ્રયત્ન કરું છું. હું સામાજિક કાર્યકર કે મનોચિકિત્સક પણ નથી. છતાંય, અમેરિકામાં બેઠાં બેઠાં દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ઘવાયેલા, પીડાયેલા, દુભાયેલા, મૂંઝાયેલા માણસોના અને વિશેષ તો સ્ત્રીઓના મનના સંતાપની વાતોમાં રસ લઈ મારા અનુકંપાશીલ સ્વભાવને ભાગીદાર થવું ગમે છે. મારી સાથે વાતો કરીને એ વાતો કરનારનું મન હળવું થાય છે ત્યારે મને સુખ મળે છે. વાતો કરનારનો વિશ્વાસ સંપાદન કરી એમના વિશ્વાસનું હું પાત્ર બની શકું છું એ મારે માટે બહુ મોટી વાત છે. ટૂંકામાં, મારું હૃદય જ્યારે બીજા માટે ધબકે છે ત્યારે મને સુખ મળે છે.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book