સાચી સાચી વાતો
કે એ ખુશનુમા સવારે તારી આંખની કીકીઓ સામે મીટ માંડી બોલાઈ ગયું:
મારે હવે કોઈની જરૂર નથી, જોઈએ છે કેવળ હું, તું, દરિયો ને નાળિયેરી
તેં હાથમાં હાથ લઈ દાબી દીધો અને ટેરવાંને વાચા આવી: સાચે જ
અને એ જ ઘડીએ પવન આવ્યો નાળિયેરી ઝૂકીને બોલી: સાચે જ
ભરતીટાણું નહોતું ને મોજાં પર મોજાં ઊભરાયાં,
ને સફેદ ફીણોએ કિનારે આવી, અડીને કહ્યું: સાચે જ
વાત નાની હતી ને નાજુક
આટલી નાની વાતમાં આવડી ઊંચી નાળિયેરી ને આવડો
વિશાળ દરિયો સંમત થયાં એનો પડઘો પડ્યો: સાચે જ
મેં દરિયાકિનારા જોયા છે માઈલો સુધી વિસ્તરેલા દરિયાનું મને
આકર્ષણ છે
દરિયો જોઉં, દરિયાની રેતીમાં ડહોળાઉં
મોજાંને સાંકળું દરિયે પગ લંબાવી બેસી રહું
સાત દરિયાએ મને સાત સાચી વાતો કહી છે
એ વરણાગી વાતો હું ફરી કહું તો નાળિયેરીના કાન ફાટે
હું વાતોની વરણાગણ
કોઈ વાત કરે ને મને પાન ઊગે
પૂનમની મસ્તી હોય, અમાસનો વૈભવ હોય
તોફાન, આનંદ, ઉદાસી
સમજાય નહીં કે મારા મનમાં ઊગે છે એ દરિયાના ભાવ છે?
કે મારા ભાવથી દરિયો પાણી પાણી થાય છે: સાચે જ
નાળિયેરીના સુગંધવનમાં હું સાપણની જેમ વિહરું
ઊંચી ઊંચી કાયાનાં ચંદ્રાકાર પાનમાંથી પૂનમની ચાંદની
તમે ઝીલો ને ઘાયલના ‘ઘ’ થઈને પડો
અને ઊડતા પવનને ગળે દરિયાનો રવરવતો રવ
દરિયાના પેટાળમાં પરવાળું થઈ પડી, કાચબાની પીઠે ચડી,
નાળિયેરીની નસોને એકીટસે જોવાનું માર્દવ, સાચે જ
અનાયાસ દરિયોને નાળિયેરી અડોઅડ થઈ ગયાં
નાળિયેરી લળી પડી દરિયા તરફ
દરિયાએ છીપલાં ખોલી
છાની છાની વાતો રેડી નાળિયેરીના કાનમાં:
આપણી સાચી સાચી વાતો
આ દરિયો ને નાળિયેરીનાં ટેરવાં એકવાર અડોઅડ થયાં
સાંજની ચુપકીદીમાં ગુસપુસ કરતું કોઈ બોલ્યું: ‘સોહામણાં!’
ટેરવાં સચેત થઈ ગયાં આંખોમાં આસવ અંજાયો
પડખું ફરીને ગુસપુસ બોલી: સાચે જ
ખુલ્લી આંખોમાં સાંજનો ખુમાર હતો
પડદાની પાંપણો ઉલેચી આપણે બારી પાસે ઊભાં
ક્ષિતિજ પર ફાટેલા જ્વાળામુખી જેવા સૂરજનું લાલચોળ મોં નમ્યું
બે નાજુક પંખીની પાંખો વચ્ચે વિસામો લેવા
દરિયાને હાંફ ચઢી
સૂરજના પિપાસુ હોઠ બોલી ન શક્યા: સાચે જ
ને પછી એ ગુલાલી સાંજે તારી આંખની કીકીઓ સામે મીટ માંડી:
મારે હવે કોઈની જરૂર નથી
હું, તું, પૂનમનો દરિયો ને
ચાંદની
ઝરતી
નાળિયેરી.