શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય?
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે,
ડાબીજમણી ફરકે આંખો : હોઠ પરસ્પર લડી પડ્યા છે.
કંઈક ફૂટ્યું છે : કંઈક તૂટ્યું છે, ગાંઠ પડી છે ઝીણી ઝીણી,
એકમેકના દોષ બતાવે : સૂર્યપ્રકાશમાં વીણી વીણી,
વાંસા જોઈને થાકી ગઈ છું : ચહેરાઓ તો રડી પડ્યા છે,
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે.
મરી ગયેલા સંબંધ સાથે હસી હસીને જીવવાનું છે,
પોત આખું જ્યાં ફાટી ગયું ત્યાં ટાંકા મારી સીવવાનું છે,
રેતીના આ થાંભલાઓ તો દહનખંડમાં ઢળી પડ્યા છે,
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે.