શબ્દના આકાશમાં

મારી સામે
એક કાગળ છે
ભૂરા આકાશના
કોઈ માપસર કાપેલા
ટુકડા જેવો.
એમાં
હું પંખીઓને ગોઠવવાની રમત કર્યા કરું છું.
કોઈ પંખી ક્યારેય પણ
આકાશમાં ગોઠવાયું છે ખરું?
આકાશને ડાળી નથી હોતી
એટલે
પંખી આકાશમાં વિસામો નથી લેતું
પણ ઊડ્યા પછી
વાદળોમાં બૂડ્યા પછી
ખૂબ થાકી ગયા પછી
ધરતી પર પાછું આવીને
એ શોધે છે
પોતાનું આકાશ.

આકાશ સામે જોઉં છું ત્યારે
ક્યારેક પ્રશ્ન થાય છે
કે
આકાશ કોનું હોય છે?
આકાશ વાદળોનું હોય છે?
સૂરજ કે ચન્દ્ર
તારા કે નક્ષત્રનું હોય છે?
આકાશ આકાશનું પણ હોય છે ખરું?
કોઈનું પણ નથી એટલે તો એ આકાશ છે.
એકાદ પંખી
જ્યારે આકાશમાં ઊડતું હોય છે ત્યારે
પંખીની પાંખમાં
આકાશનું અસ્તિત્વ સમાઈ જાય છે ખરું?
પંખી પાછું ધરતી પર આવે છે ત્યારે
એની પાંખમાં
આકાશ આખું ને આખું
ચીતરાયેલું હોય છે ખરું?

હું
કાગળમાં ગોઠવું છું.
તે
પંખીઓ
કે
મારા શબ્દો
કે…

હું
જો સંગીતકાર હોત તો
મેં
આકાશમાં
પંખીઓની જેમ
કદાચ સૂરને ગોઠવ્યા હોત.

હું
ચિત્રકાર હોત તો
આકાશમાં
પંખીઓની જેમ
મેં
રંગનાં અનેક ટપકાંઓ ગોઠવ્યાં હોત.

આકાશ તો
જળ જેવું છે.

કોઈનાં પગલાં સાચવતું નથી.
મારી મથામણ
આકાશમાં પગલાં મૂકી જવાની છે.
ધરતી પર તો
પગલાં પડે છે,
અને ભૂંસાય છે,
અને પડે છે.
હું
આકાશ સામે જોયા કરું છું
કે
કોઈક શબ્દ
કળીમાંથી ફૂલ થાય એમ ઊઘડે છે ખરો?

શબ્દના આકાશમાં
કોઈકની
સુવાસિત ફૂલપગલી પડી હોય
તો
એને વીણી લઉં.
કદાચ

એ મારી આવતી કાલની કવિતા હોય.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book