વળાંક
ચાલ નિધિ, તારી બહેનપણીઓ પૂર્વા અને કેયાને બોલાવ. ગાડીમાં વાત કરજો. શૂઝ પહેરો. હું ગાડી કાઢું છું. ચાલો, ચાલો, જલદી કરો. મારે તમને શારદાઆન્ટીને ત્યાં ઉતારવાનાં છે ને છ વાગ્યે કોન્સર્ટમાં પહોંચવાનું છે. ક્યાં ગઈ કેયા? મેં કહેલું કે પાંચ વાગ્યે નીકળવાનું છે. નીકળતી વખતે જ ચોપડી લેવાનું યાદ આવે છે.
હવે પૂર્વા ક્યાં ગઈ? બાથરૂમમાં?
શારદાઆન્ટીને ઘેર બાથરૂમમાં ન જવાત? સારું ચાલો, બારણું બંધ કરો. જો નિધિ, કોન્સર્ટ પતશે એટલે હું ફોન કરીને લેવા આવીશ. તૈયાર રહેજે. તારા પપ્પાને શનિવારે જ કૉન્ફરન્સ આવી પડે. એ હોય તો મારે આમ સરસ રીતે તૈયાર થઈને ગાડી ચલાવવાની ને તમને બીજાને ત્યાં મૂકવા જવાનો વારો ન આવે.
પપ્પા હોય તો ડૉર-ટુ-ડૉર સર્વિસ મળે. પાછી આ ગરમી. હૉલ પર પહોંચતાં સુધીમાં સાડી તો ડૂચો થઈ જશે.
નિધિ, તું આગળ બેસ. પૂર્વા, કેયા તમે પાછળ બેસો. સીટબેલ્ટ બાંધો. જુઓ, બારી ઉતારચડ નથી કરવાની. હું ઍરકન્ડિશનર ચલાવવાની છું.
અરે, જરા ધીરે! આટલું જોરથી બારણું બંધ કરવાનું? લૉક કરી દો.
નિધિ, ગણપતિની પ્રાર્થના બોલી લે એટલે ગાડી ચલાવું. વક્રતુણ્ડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ…
જુઓ, શારદાઆન્ટીને હેરાન નહીં કરતાં. દૂધ, જ્યૂસ માંગી લેજો, પૂર્વા, કેયા, તમારી મમ્મી તમને સાત વાગ્યે લેવા આવશે.
ભગવાન! શનિવારે એક્સપ્રેસ વે પર આટલી ગાડીઓ!
હા, ભાઈ, હા. ધીરે જ જાઉં છું. પંચાવનની સ્પીડ પર તો જાઉં છું ને? કેયા, તું આટલી ગભરાય છે શાની? પહેલી વાર આ ગાડીમાં બેઠી છે? પાછળ અઢેલીને બેસ. આમ આગળ આવીને ડોકિયું ન કર્યા કર.
ચાલો, મેં શીખવેલું પેલું ગીત ગાવ. યાદ નથી? હું યાદ કરાવું. ‘ચાલો ને, રમીએ હોડી હોડી.’ ‘હોદી નહીં હોડી.’ ‘ડ’ ‘ડ’ બોલો પા…ણી. ‘પાની’ નહીં, ‘પાણી’. જુઓ, એકમાં ‘ન’ છે અને બીજામાં ‘ણ’. ‘મરવા’ અને ‘મળવા’માં ફેર સંભળાય છે? બંને સરખા સંભળાય છે? ના, જુદા છે. એકનો મિનિંગ થાય ‘ટુ ડાય’ અને બીજાનો ‘ટુ મીટ’.
હવેથી આપણે દર રવિવારે એક કલાક ગુજરાતી બોલીશું. આપણે ગુજરાતી હોઈએ ને ગુજરાતી ન આવડે એ સારું ન કહેવાય. બરાબર?
શું ગુસપુસ ચાલે છે પાછળ?
મારા ફોરહેડ વિશે?
ફોરહેડને ગુજરાતીમાં શું કહેવાય ખબર છે? કપાળ. હં, તો શી વાત હતી? કપાળ પર ડૉટ? ડૉટ નહીં ચાંલ્લો… બિંદી…
સ્કૂલમાં શું કહે છે? ફોરહેડ બ્લિડિંગ. તો તમારે સમજાવવાનું ને કહેવાનું કે આપણો રિવાજ છે.
અમેરિકામાં શા માટે? એમ કહેવાનું કે આપણે આપણી આઇડેન્ટિટી મેઇનટેઇન કરવી છે.
બધા હસે છે?
તો એમ કહેવાનું કે બ્યુટી માર્ક છે. કેમ, તમારી સ્કૂલમાં છોકરાઓ બુટ્ટી નથી પહેરતા? આપણે સાડી સાથે ચાંલ્લો કરીએ છીએ. રેડ ડૉટ નહીં, ચાંલ્લો. ચાંલ્લો અઘરું લાગે તો બિંદી… કે કુમકુમ…
પૂર્વા, તું બરાબર બેસ. બાજુની બારીમાંથી બહાર જો. ઊંચી થઈને પાછળ શું જોવાનું છે? તું ઊંચી થાય છે તો રીઅર વ્યૂ મિરરમાં મને કશું દેખાતું નથી.
મારે શું જોવાનું છે? આ એક્સપ્રેસ વે પર ટ્રાફિક સિવાય બીજું છે શું? ભગવાન જાણે અત્યારે પાંચ વાગ્યે જ બધાંને ક્યાં જવાનું હશે? કોન્સર્ટ મોડો શરૂ થાય તો સારું.
કોનો કોન્સર્ટ? માઇકલ જેક્સનનો?
ના, ભાઈ ના. તો તમને ન લઈ જાઉં? પંડિત જસરાજનો. ક્લાસિકલ સિંગર છે. વોકલિસ્ટ. તમને મજા ન પડે. નિધિ, તારા પપ્પાનેય નહીં. એમને તો મૂકેશ ને કિશોરકુમાર. પચ્ચીસ વરસ પહેલાંનાં ગીતો સાંભળે ને ખુશ થાય.
અમે રૉક ને પૉપ કેમ નથી સાંભળતાં?
જુઓ, અમને તો એમાં સમજ જ ન પડે. એમાં અમને મ્યુઝિક જ નથી લાગતું. ધમાધમ ધમાધમ. કાનના પડદા ફાડી નાખે.
આપણે બેઇઝબૉલ કેમ નથી રમતાં?
તમારા પપ્પા તો તમને બેઇઝબૉલ ગેઇમમાં લઈ જાય છે ને?
શું થયું પૂર્વા?
પાછલી ગાડીમાંથી કોઈ આપણા તરફ આંગળી ચીંધે છે? ચીંધવા દે. એની સામે જોઈશ જ નહીં. કેટલાય ગાંડા લોકો ગાડી ચલાવે છે. એમાં એક્સપ્રેસ વે પર એને શૂર આવે છે. હમણાં જ મેં વાંચેલું કે એક ડ્રાઇવરે બીજાને આગળ ન જવા દીધો એટલે જોરથી ગાડી અથડાવી. ડ્રાઇવરને વાગ્યું ને ગાડીને નુકસાન. ટ્રાફિકમાં પુરાઈ રહેવું કોઈને ગમતું નથી. આપણે ફાસ્ટ નથી ચલાવવી. કોઈએ જ ફાસ્ટ ન ચલાવવી જોઈએ. ઍક્સિડન્ટ થાય. સ્પીડ લિમિટ ફૉલો કરવી જોઈએ. મોડા પહોંચાય તો કંઈ નહીં, તમને કંઈ થાય તો તમારાં મમ્મીડેડીને શો જવાબ આપું?
શું પૂર્વા? હજી આપણી પાછળ જ છે?
મને તો નથી દેખાતી.
જમણી બાજુ? જમણી બાજુ આવી એ જ ગાડી?
શું કેયા? હવે પાછી પાછળ આવી ગઈ? ડ્રાઇવરની બાજુમાં બેઠેલા માણસના હાથમાં કંઈ છે?
તું બેસી જા. હું જોઉં છું. આપણી આગળ કેમ નથી જતા? હું પંચાવનની સ્પીડ પર જાઉં છું પણ આગળ તો જગ્યા છે.
શું પૂર્વા? ડાબી બાજુ આવી ગયા?
ભલે, જુઓ નહીં. આપણી વાતો ચાલુ રાખો.
શું કહ્યું? ગન બતાવે છે? કોણે કહ્યું?
હું નથી જોવાની. મેં સાડી પહેરી છે. ચાંલ્લો કર્યો છે. વધારે ઉશ્કેરાશે.
કાળા છે કે ધોળા?
અહીંના કેટલાય માણસોને થાય છે કે આપણે ઇન્ડિયનો બહુ કમાઈએ છીએ. પૈસા બનાવીએ છીએ ને મોટાં ઘરોમાં રહીએ છીએ. કામ કેટલું કરીએ છીએ એ ક્યાં જોવા આવે છે?
કેયા, રડવાનું નથી. હું તમને થોડી જ વારમાં શારદાઆન્ટીને ત્યાં પહોંચાડી દઈશ.
પાછા બાજુમાં આવી ગયા? તમે જુઓ નહીં.
પોલીસ ક્યાં છે?
બાજુ પર ઊભી રાખું ને એમને જવા દઉં?
ના, એવું કરીએ તો એય ઊભા રહે ને ગાડી હાઈજેક કરે તો?
જુઓ, તમે સીટ નીચે ભરાઈ જાવ. હું ફાસ્ટ ચલાવીને બીજી ગાડીઓની આગળ નીકળી જાઉં છું. પંચાવન… સાઠ… પાંસઠ… સિત્તેર…
મેં કહ્યું ને કે સીટ નીચે ભરાઈ જાવ. કેયા, પાછળ જોવાની જરૂર નથી.
શું? પોલીસ સાયરન વાગે છે? આપણને બાજુ પર ઊભી રાખવાનું કહે છે.
આપણને ગાડી ઊભી રાખવાનું કહે છે એના કરતાં હેરાન કરે છે એ ગાડીને કેમ ઊભી નથી રાખતા? નિધિ, પૂર્વા, કેયા, હું ગાડી ઊભી રાખું છું. કાચ બંધ રાખજો. દરવાજો લૉક. ગાડીમાંથી કોઈએ ઊતરવાનું નથી.
તમે પોલીસ ઑફિસર છો? તમારો બેજ બતાવો. મેં તો ઑફિસરોના યુનિફૉર્મમાં ખોટા બેજ બતાવીને ધોળે દિવસે લોકોને લૂંટી જતા જોયા છે.
ઑફિસર, તમારો સાચો છે. હા, હા, કાચ ઉતારું છું.
સ્પીડિંગ? પોલીસ ઑફિસર, મને ખબર છે હું સ્પીડિંગ કરતી’તી પણ…
થૅન્ક યુ? થૅન્ક યુ શેને માટે?
પાછલી ગાડીને આગળ ન જવા દેવા બદલ?
અરે, એ લોકો જ અમને ટ્રેઇલ કરતા’તા.
પાછલી ગાડી ચોરેલી હતી? કેવી રીતે ખબર પડી?
તમે રડાર પર જોયું? તો જલદી કેમ ન આવ્યા? હું અને ત્રણ છોકરીઓ હૈયું હાથમાં લઈને હેરાન થતાં’તાં એનું શું?
હજી ધ્રૂજું છું?
તે ધ્રૂજું જ ને? આ છોકરીઓને ખબર નથી કે હું ધ્રૂજું છું. પેલા માણસો ગન બતાવે તો કોઈયે ધ્રૂજી જાય.
તમે મારી સાથે આવો છો?
ના, ના આઈ એમ ઑલરાઇટ. મારે આ છોકરીઓને ઉતારીને કોન્સર્ટમાં જવાનું છે.
મારે પોલીસસ્ટેશન પર આવવું પડશે? શા માટે?
પેલી ગાડીના માણસોને આઇડેન્ટિફાય કરવા?
ઑફિસર, મેં તો એમને અલપઝલપ જોયા છે, ડ્રાઇવ કરતી વખતે બાજુની ગાડીમાં કોણ છે એ ધ્યાનથી થોડું જોયું હોય?
મારી મદદની બહુ જરૂર છે? અગત્યનો કેસ છે?
સારું. પહેલાં આ છોકરીઓને ઉતારી દઈએ. જુઓ! નિધિ, પૂર્વા, કેયા, હું તમને શારદાઆન્ટીને ત્યાં ઉતારું છું. પછી પોલીસ ઑફિસર સાથે જઈશ. કોન્સર્ટમાં મોડી જઈશ. નિધિ, તને લેવા આવીશ.
ડોન્ટ વરી. એવરીથિંગ વિલ બી ઑલરાઇટ.
પેલા માણસોને આઇડેન્ટિફાય કરીશ?
હા, હા, એ બંનેને ઓળખી કાઢીશ ને જેલમાં બેસાડી દઈશ.
કાલે છાપાંમાં આવશે?
આવશે તો તમારાંય નામ હશે. તમે ત્રણે બ્રેવ છો. હું એકલી હોત તો પેલી ગાડીની ખબર જ ન પડત. જુઓ, શારદાઆન્ટીનું ઘર આવી ગયું. તમે અંદર જાવ પછી હું જઈશ.
હં, તો ઑફિસર હવે ડિરેક્શન આપો.
સીધી જાઉં? ભલે.
હવે ડાબી તરફ? ઓ.કે.
મારા હસબન્ડને ખબર છે? શેની? કોન્સર્ટની?
હાસ્તો. પણ મારે આ છોકરીઓને ઉતારવા જવું પડશે એની ખબર નહોતી. મારી ફ્રૅન્ડ શારદાની ગાડી બગડી ગઈ. નહીં તો એ જ મારે ઘેર આવવાની હતી. છોકરીઓનું ધ્યાન રાખવા. હું તો સીધી કોન્સર્ટમાં જવાની હતી.
મારા હસબન્ડ શું કરે છે?
કમ્પ્યુટર સેલ્સમૅન છે. તમારે જાણીને શું કામ છે?
એમને ખબર આપવી છે?
ના, કંઈ જરૂર નથી. રાતના ઘેર આવશે ત્યારે કહી દઈશ.
પોલીસસ્ટેશન આવી ગયું?
ભલે.
દરવાજામાં જ પાર્ક કરું?
થૅન્ક યુ. ઑફિસર બહુ મોડું તો નહીં થાય ને? મારે કોન્સર્ટમાં જવાનું છે. જલદી પેલા માણસોને લાવો.
અરે, ઑફિસર! સામેથી આવે છે એ તો મારા હસબન્ડ છે. એને તમે ક્યારે ખબર આપી?
તું અહીં શું કરે છે? શું થયું ખબર છે? અમારી પાછળ એક ગાડી પડી’તી. ડ્રાઇવરની બાજુમાં બેઠેલા માણસ પાસે ગન હતી. અમારી સામે તાકતો’તો. મેં સ્પીડિંગ કર્યું. એ લોકો છટકી જતા’તા પણ પોલીસે પકડ્યા. એમને આઇડેન્ટિફાય કરવા આવી છું. તું અહીં ક્યાંથી?
ઑફિસર, મારા હસબન્ડ ગભરાઈ ગયા છે. કશું બોલતા નથી.
એવું નથી?
અરે, આ શું કરો છો તમે? એમના હાથમાં બેડી કેમ પહેરાવો છો? પેલા માણસોને લાવો. આ તો મારા હસબન્ડ છે. એને અરેસ્ટ કેમ કરો છો? પણ કેમ, કેમ?
એણે પેલા માણસોને પૈસા આપેલા? મને મારી નાંખવા? હોય નહીં ઑફિસર, આ મજાકનો વખત નથી. એવું બને જ નહીં. વી આર હેપિલી મૅરીડ. વી આર વેરી હેપી. તમે ભૂલ કરો છો. તમારી પાસે પ્રૂફ છે? ઓહ માઈ ગૉડ…!