લઘુકાવ્યો
એક બે હોય તો ટાળું
પણ
કેમ કરીને ખાળું
સામટું ઉમટેલું
આ સ્મરણોનું ટોળું?
*
પાંદડાં
ખડખડ હસે
ઉનાળે
ખરખર ખરે
પાનખરે
*
કમળ ખારાં જળમાં
ઊગે
તો
જળકમળવત્ રહી શકે ખરાં?
*
તું અહીં નથી
ને
વરસું વરસું થતાં વાદળાંનો ભાર
મારે જીરવ્યા કરવાનો
ભીનો ભીનો…
*
ઢળતી સાંજે
મિત્રની વૃદ્ધ માને મળવા જાઉં છું
ત્યારે
આંખ સામે તરવરતું હોય છે
નવેમ્બરની સવારના તડકામાં જોયેલું
ખરું ખરું થઈ રહેલું એક પાન…
*
દીવો ઓલવ!
ચાલ,
એકમેકને જીવી લઈએ
પથારી પર
નૃત્ય કરતી
ચૈત્રની ચાંદનીના સાન્નિધ્યમાં…
*
પંખીઓ ગાતાં હોય છે મિશ્રિત રાગોમાં
એટલે જ
રંગીન હોય છે
પંખીગાન..
*
ફૂલોને કેટલી નિરાંત!
જન્મવાનું
જીવવાનું
અને
ખરવાનું જુવાનીમાં…
*
બીજની ચંદ્રલેખાને
આંકી શકી નહીં
સ્તનના પૂર્ણ ચંદ્રને
ઢાંકી શકી નહીં
આ રાત્રિ…
*
મધદરિયે
મોટાં મોટાં
જહાજોય ડૂબી જાય છે
એ જાણવા છતાંય
દરિયાની છાતી પર
નવોઢાની જેમ
માથું મૂકવાનું
અદમ્ય આકર્ષણ
કેમ નહીં રોકી શકતી હોય
પેલી નાનકડી હોડી?
*
મારા શબ્દો—
ગંગાના પાણીમાં તરતા
ઘીના દીવાની જેમ
પ્રગટી ઊઠે
અને
ફૂલની નાનકડી હોડી થઈને
કાળના પ્રવાહમાં
ક્યાંક દૂર ને દૂર સરી જાય…
એ જ છે મારી અપેક્ષા.
*
મારી પાસે
એકલતાની વાત કરવી
એટલે
માછલીને
જળનો પરિચય કરાવવો
—
મારી પાસે
મૌનની અપેક્ષા રાખવી
એટલે
વહેતા ઝરણાને
કલકલ કરવાની ના પાડવી..
*
જીવનને પ્રેમ કરતાં કરતાં
મારે ગાવાં ગીતો
મૃત્યુનાં…
*
લોકો માને છે કે
જગતની ખારાશથી અસ્પર્શ્ય
હું
સુરક્ષિત છું.
એમણે
મારા આંસુને હજી ચાખ્યાં નથી.
*
વૃક્ષ પર વાંકું વળ્યું છે એ
શું છે?
લીલેરું પાન
કે
ચાંચ પોપટની?
*
સંધ્યાકાળે
મારા તરફ આવતા
તારાં પગલાંની
નદીના પ્રવાહમાં
હું
હળવેથી તરતા મૂકું છું
મારી કીકીના દીવા..
*
સંબંધની કાચી સિલાઈના
તડતડ ધાગા તૂટે…
લોકલાજને કારણે
બખિયા મારું હોઠે…
*
હું
અસ્ખલિત વહેતું
એક ઝરણું.
નથી મારું ગજું
દુષ્કાળથી ફાટેલી ધરા સાંધવાનું
પરંતુ
દોડતાં થાકેલાં હાંફતાં હરણાંની
તરસ છીપાવી શકું તો ઘણું…
*
લીધા અનુભવો બધા પીધા હલાહલ-સુધા
મને જગતમાં સદા વહાલી વસુધા કૃપા
*
મુંબઈથી પાછા આવી
ઘરમાં પગ મૂકતાં જ
ઠોકર વાગી.
પગને સંભળાયા
બાના શબ્દો:
સાચવજે, હં!
*
એક વૃદ્ધ
વાંકો વળીને
ખોબે ખોબે ભરવા મથતો હતો
બપોરે ઢોળાયેલો
જુવાનજોધ તડકો…
*
તારા, નક્ષત્રો, ને ચંદ્રમા
ઝરણાં, પુષ્પો, ને પતંગિયાં—
મને ય સ્પર્શે છે
તને સ્પર્શે છે
એમ જ.
એમને વિશે હું કેટલુંય કહી શકું
પણ
તું
મને બોલવા દે તો ને!
*
કોઈ પ્રૌઢાની
સાડીનો પાલવ પડતો મૂકી
દરિયાકિનારે ટહેલતી
સોળ વરસની કન્યાની
ખુલતી બાંયની ચોળીમાં જઈ
ભ રા તો, ફૂ લા તો
લાજ વિનાનો પવન!
*
સરળ માણસો
તરફડતા નથી
સુખની શોધમાં.
એ તો
જે મળે છે
એને જ સુખ માનીને
સૂઈ જતા હોય છે
ઓશિકે માથું મૂકીને.
હું સરળ નહીં હોઉં?
*
શૈશવમાં સારેલાં આંસુ
અને
અત્યારે સરી રહેલાં આંસુ—
આંસુ વૃદ્ધ કેમ નહીં થતાં હોય?
*
જુઠ્ઠાણાંની વચમાં
જીવતો માણસ
સાચું ગણશે ખરો
મરણને?
*
દરિયામાં તરતું વહાણ
એકાએક ઉથલી પડે
એમ જ
ઘાસનાં મોજાં પર
ઉથલી પડયો
પડછાયો
વૃક્ષનો…
*
પહેલાં
હું હતી રેતી.
કોઈ અઢેલવા જતું
તો ઢળી પડતું ઢગલો થઈને.
હવે હું છું
એક ખડક,
તોફાનનાં મોજાં
અથડાઈ અથડાઈને
ચૂરેચૂરા થઈ જાય એવો.
આહ્વાન છે
મને અઢેલવાનું…
*
હું
ફ્લાવરવાઝમાં ફૂલો ગોઠવી શકું છું
પણ
જિંદગી ગોઠવી શકતી નથી.
હું
બારીના પડદા બદલી શકું છું
પણ
જિંદગીને બદલી શકતી નથી.
મારે ઝાકળમાં સૂરજનું પ્રતિબિંબ જોવાનું છોડી દેવું જોઈએ…
*
હું
જાગતું
જગાડતું
પ્રાર્થતું
ઉદ્ઘોષતું
ખળખળતું
પખાળતું
ઉછળતું
કલ્લોલતું
હિલ્લોળતું
રમતું
નર્તતું
ઝરણું.
તમે?
*
એકમેકથી
વિખૂટા પડેલા બે હાથ
જ્યારે ભેગા થાય છે
ત્યારે
થઈ જાય છે પ્રાર્થના..
*