બાને
ખુલ્લી પાંપણે અને બંધ હોઠે
મધરાતે ઊઠેલો પ્રશ્ન :
બા,
આજે સવારે
હોઠ ખોલીને પૂછી લઉં છું—
એક સખી પોતાની નિકટની સખીને સહજતાથી પૂછે એમ જ!
બા,
તમારા સંભોગ વખતે તમે
મનના વાઘા ઉતારેલા?
ત્યારે બારી બંધ હતી કે ઉઘાડી?
બારીમાંથી ચંદ્ર નીતરતો હતો
કે
ટમટમતા હતા અમાસના તારા?
સંભોગ
એ તમારા કહેવાતા સુખી જીવનની
અને વ્યાપેલા પ્રેમની પરાકાષ્ઠા હતી
કે
‘જાન છુટાવો’નું નિરાકરણ?
ઘરની ચારે તરફ વાવેલી
રાતરાણીની સુગંધ
બધી તિરાડો ભેદી
તમારાં શરીરોને સ્પર્શી હતી?
તમારા સંભોગ પછી
હોઠે હાસ્યની ઘૂઘરીઓ રણકી હતી?
આંખો નૃત્યની અદાથી ઢળી ગઈ હતી?
ગાલે રાગની લાલી આવી હતી?
આવું બધું પૂછ્યા પછીય
અને જવાબ સુખદ હોય તોય
મને કેમ લાગ્યા કરે છે
કે
તમારા સંભોગ પછી
તમે તમારા ગર્ભમાં
વેદનાના બીજને ધારણ કર્યું હતું?