નિકાલ

હવે તારો અંશ માત્રય આ ઘરમાં, આ રગમાં
નહીં જોઈએ એમ મનમાં બબડી પ્રથમ તારી દીધેલી
વસ્તુઓ સાથે સંકળાયેલા તારા અસ્તિત્વનો ભાંગીને
ભુક્કો કરવાનો પ્રયત્ન આદર્યો. પ્રાત:સ્મરણીય મધુર
મંત્રોચ્ચાર જેવા તારા સૂરીલા શબ્દોને રાતદિન
વાગોળતું ટેઇપરેકોર્ડર મિત્રને આપી દીધું. દર
શિયાળામાં ટાંકો ટાંકો તારી અંગુલિઓનો હૂંફાળો
સ્પર્શ દેતું’તું એ જ સ્વેટર રાહતફાળામાં મોકલી
દીધું. ફોરેન સેન્ટની આકર્ષક શીશીઓ રદ્દીવાળાના
ભંગારમાં ભેળવી દીધી. નોબેલપ્રાઇઝ વિજેતા
લેખકોનાં પુસ્તકો local લાઇબ્રેરીને ભેટ ધરી
દીધાં. હા… શ, નાની મોટી કેટલીય લૌકિક વસ્તુઓનો
નિકાલ કર્યાનો સંતોષ પામી છેલ્લે emotional
investment કર્યાના ઉત્સાહની કિકિયારીઓ પાડતા
અસંખ્ય પત્રોને અગ્નિને અંક સોંપી, તારી
સ્મૃતિરહિત, હળવો ફૂલ બની ઘરમાં પ્રવેશું છું
ત્યાં જ ચોમેરથી ઘેરી વળતાં તારાં પગલાં!

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book