તો?
મારી એકલતા
અને
મારા ઘરઝુરાપાને
દૂર કરતો
ઝંખેલા ભારતનો
સહ્ય વસવાટ હોય,
ખાસ્સી સવારો સુધી ગુમાવેલો
પક્ષીઓનો મીઠો કલબલાટ હોય,
તપતો અડીખમ ઊભો
ગુલમોર ઘેર ડોકાતો હોય,
અવરજવરથી ઊભરાતું ઘર હોય
ઓરડો પ્રસન્ન હોય
ઓશીકું સાવ કોરું હોય
ચાદરનેય ઊંઘ આવી હોય
ને
જોજનો ચાલ્યા પછી
મન
સવારની તાજગી અનુભવતું હોય…
આ
બધું જ હોય
પણ
કદાચ એવું બને
કે
અત્યાર સુધી
જેને સાન્નિધ્યને ટેકે ટકાયું છે
એ કવિતા જ
આસપાસ ન હોય તો?