તીન પત્તીની બેઠક

દર શનિવારે રાતના
અચૂક થતી
તીન પત્તીની બેઠક
ને હજારોની ઊથલપાથલ.
સાથે, ભેળ-પાણીપૂરીની જ્યાફત.
પશ્ચાદ્ભૂમાં વાગતા રવિશંકરને
ડુબાવી દેતો
લોકોના ખડખડાટ હસવાનો અવાજ.
અચાનક
મારી નજર અટકી કોઈ એકાકી આંખોમાં
ને વંચાયું કે એ પણ
મારા જેવું જ
પરાયું પ્રાણી છે.
ઉકેલવા મથે છે
અંધકારની એકલતા.

દર શનિવારે
આપણે મળીએ ત્યારે
વાતો કરીએ છીએ
પતિની, બાળકોની,
સાડીની, દાગીનાની,
રેસિપી અદલબદલ કરવાની,
પાર્ટીની, નોકરોની,
ને બીજી સ્ત્રીઓની.
પેટ ભરીએ છીએ ક્ષુલ્લક વાતોથી.
ગળે ટૂંપો દેતા સમયને
ટૂંકાવવાના આ નુસખા છે.
પોતાની રિક્તતા કંટાળાની સભરતા
કહો ક્યાં જઈ છુપાવવી?

જોઉં છું:
તમારી આંખો નીચે
મૃત્યુનાં કાળાં કૂંડાળાં નથી, એટલું જ
સૂકા ખેતર જેવા તમે
તમને તમારા સ્પર્શનું તમને સુખ નથી, એટલું જ
તમારા અવાજમાં
લગ્નની રોશની નથી, એટલું જ
કેટલા બધા well-adjusted છો તમે!

તમારા હાસ્યસંગીત ને
ટોળટપ્પાના ટોળામાં
મને લાધે છે સલામતી.
પણ કેટલીક વાર
આ જ રૂમમાં બેઠાં બેઠાં
તમારો અવાજ
પડઘાની જેમ
દૂર દૂરની ટેકરીઓ પરથી આવતો લાગે છે—
વાગે છે.
કેટલીયે વાર…

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book