સુપરમાર્કેટમાં
દર શનિવારનું ritual
સુપરમાર્કેટમાં ગ્રોસરીની ખરીદી—
કેવું સારું!
કશુંય પૂછવાગાછવાનું નહીં!
આંખ અને હાથ રમ્યા કરે
shelves પરની વસ્તુઓ પર
સ્ટૅમ્પ થઈ ગયેલા આંકડાઓ સાથે
મૂંગી મૂંગી રમત…!
એરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિક: બેવડા કવરમાં
સચવાઈ પડેલાં ફળો ને શાકભાજી
વીનવે છે સૌને બહાર લઈ જવા!
માનવસંપર્કમાંથી સાવ વિખૂટી ગાયો કણસે છે,
માથા વિનાનાં લટકે છે બકરાંઘેટાં,
અને
સંભળાય છે ત્રાસની ચીસ
“disjointed chicken in family size”માં…!
હૃષ્ટપુષ્ટ ગાયોનું દૂધ ખડકાયું છે
પણ
“fortified, homogenized, pastuerized
અને vitamins added!”
બિચારી ગાય શું વિચારતી હશે!
અસંખ્ય લોકોની અવરજવર વચ્ચે
શબ્દો ગૂંગળાતા, અકળાતા;
સંભળાય છે માત્ર
ઊંચી એડીઓની ટપટપ ટપાટપ…
ઘસડાઈ ઘસડાઈને
શોપિંગ કાર્ટનાં ખખડી ગયેલાં પૈડાંનો ઘરઘરાટ
અને
કૅશ-રજિસ્ટરનાં નાણાં ગળી જવાનો ખડખડાટ…
બહાર આવું છું—
જાણે હું
બહેરાંમૂંગાંની નિશાળની
આંખ-હાથના હાવભાવથી
communication કરતી વ્યક્તિ…!