ગતિવિધિ
ધખતા ધધખતા શિયાળામાં
બેસું છું બળતી બારી પાસે
જ્યાં
કેટલાંય સ્મરણોની રજકણ
અમથી અમથી ઊડ્યા કરે છે.
બહાર છે થીજેલું સફેદ વાતાવરણ
અને
સપાટી નીચે ઢબુરાયેલી જિંદગી.
હું શ્વાસ લઉં છું એટલું જ
અને લાગે છે કે
હાડકાં, પાંસળાં, આંતરડાં—કશાયને
કાટ નથી ચડ્યો.
બારી બહાર દેખાય છે એક જ ચીજ
લાંબુંલચ અંતર.
સ્વજન વિનાના સહરામાં
કેમ જીવી શકાય?
હું સ્વજનો જન્માવવાનો પ્રયત્ન કરું છું
સ્વપ્નને જાણે નિદ્રામાંથી બહાર કાઢી લેવા માગું છું.
ઊમટે છે અનેક અજાણ વ્યક્તિઓનું ટોળું
(નાની હતી ત્યારે બજાર જવાનું કેટલું ટાળતી?)
એમાંથી કોઈ સ્ત્રી આવીને
મારા છોડવાઓને
બાળકોનાં નામથી સંબોધી જાય છે
તો કોઈ પુરુષ
મારી ઉદાસી છીનવવાનો પ્રયત્ન કરે છે
(એમ કંઈ હોઠને સ્મિત ચોંટાડાતાં હશે?)
મને રસ નથી પડતો
હું તો લળી લળીને શોધું છું
એક પરિચિત ચહેરો
જે તગતગ્યો’તો બપોરના સૂર્ય જેવો
અને હવે થઈ ગયો છે અલોપ રાત્રિના અવકાશમાં.
વળી ચુપકીદી—
પાણી બંધ થવાના સમયે
બધા નળ પોતાનું જળ થંભાવી દે એવી.
તારી ગેરહાજરી અને મારા અસ્તિત્વની વચ્ચે
ફાવી જાય છે
એક મઝાનું બગાસાનું જાળું—
જે કંઠમાં હું ગીત ગાતી ત્યાં જ.
હું ઊઠીને
ટેલિફોન પાસે જાઉં છું—કેટલાં બધાં જોડાણો
લઈને બેઠો છે એ!
એ રણકતો નથી એટલે અફાળું છું.
અનાયાસ,
પગ
બાગમાં રાખેલા મેઇલબોક્સ પાસે જઈ ઊભા રહે છે.
હાથ અડતાં જ
શૂન્યતાનાં પરબીડિયાંની થપ્પી
હવામાં વેરવિખેર થઈ જાય છે.
મારાથી આકાશ તરફ દૃષ્ટિ થઈ જાય છે
અને ઈર્ષ્યા થઈ આવે છે
ઊડતાં પંખીઓની!