૪. મારે પળને પકડવી હતી – સમય અને સંસાર સાથેનો મારો સંબંધ
સમયને માટે આપણે ત્યાં ઘણી કહેવતો છે. એમાંની એક મને વધુ ગમે છે : “કાબે અર્જુન લૂંટિયો, સમય સમય બળવાન.” કહેવાનો આશય માત્ર એટલો જ છે કે કોઈએ મનમાં બહુ ખાંડ ખાવાની જરૂર નથી, કે પોતે બહુ હોશિયાર છે, કે અતિ સુંદર છે, કે શક્તિશાળી છે. આવું અભિમાન કરવું નિરર્થક છે. સમય અને સંસાર બન્ને સમર્થ અને ક્રૂર શત્રુઓ છે. એ બન્નેની સામે આપણે બધા લાચાર છીએ.
આ વાત જાતઅનુભવથી જ સમજાય છે. કસીનોમાં જતાં જુગારીઓ બરાબર સમજે છે કે એમાંથી હારીને જ બહાર નીકળવાનું છે, છતાં ત્યાં જતાં ઊંડે ઊંડે એ એમ માને છે કે પોતે તો જીતીને જ નીકળશે. સમયની સાથે રમત રમવામાં મારું કંઈક આવું જ થયું છે. મનમાં એમ હતું કે મને સમય નડવાનો નથી. આપણા અગ્રગણ્ય અને સંવેદનશીલ કવિ હરિશ્ચંદ્ર ભટ્ટના એક પાણીદાર મુક્તકમાં જે પ્રિયતમાની કલ્પના થઈ છે (“જેને કદી શિશિરસ્પર્શ થતો નથી તે”) તેમ મારે સદાનું વસંતબહાર રહેવું હતું!
આજે આઠ દાયકાની લાંબી જિંદગી પછી હવે સવારના ઊઠીને અરીસામાં જોઉં છું ત્યારે મને મારી મૂર્ખતા અને સમયની ક્રૂરતા સમજાય છે. સામે ઊભેલી વયોવૃદ્ધ સ્ત્રીને જોઈને હું હેબતાઈ જાઉં છું. થાય છે કે સામે કોણ ઊભું છે? ક્યાં ગયો એ સુકુમાર નિર્દોષ ચહેરો? ક્યાં ગઈ એ કામણગારી આંખો? ક્યાં ગયાં એ ભરેલાં સ્તનો? ક્યાં ગયા પેલા ઘૂંટણ સુધી પહોંચતા કાળાભમ્મર વાળ? એ સ્ત્રી હવે મને જોવી જ ગમતી નથી. મારે તો જોવી છે પેલી રમતી-ભમતી કૉલેજકન્યા જેની આગળપાછળ કંઈક યુવાનો ભમતા હતા.
આજે એંસી વર્ષે મને ભાન થાય છે કે એ દિવસો તો ગયા, અને એ કન્યા પણ ગઈ. એમાંથી કંઈ પાછું આવવાનું નથી. ઊલટાની હવે તો સમયના સાથી અને એટલા જ ક્રૂર શત્રુ ‘મૃત્યુ’ સાથે મારે રમત રમવાની છે. એમાં પણ હું હારવાની જ છું એ જાણું છું છતાં જિજીવિષા એટલી તો પ્રબળ છે કે હું હાર સ્વીકારી શકતી નથી.
આલ્ડસ હક્સ્લીની એક નવલકથાનું નામ છે, “Time Must Have a Stop.” મારે એમ સમયને થંભાવવો છે, પળને પકડી રાખવી છે, નિરન્તર વહેતા જળને જકડવું છે. અરે, એ તો કેમ બને? આવો છે મારો સમય સાથેનો સંબંધ.
જેવું સમયનું તેવું જ સંસારનું! એમાં પણ મેં કૈંક થાપ ખાધી. અનેક સ્વપ્નાંઓ સાથે સંસારમાં પા પા પગલી ભરી હતી. કેટલી હોંશે મેં કંકુવાળા હાથ કર્યા હતા, કેટલી આશા સાથે ગૌરી પૂજા કરી હતી, અને છતાં સંસારસાગરના વમળમાં જેમ જેમ હું તણાતી ગઈ તેમ તેમ એ બધું રોળાઈ ગયું. અને વિચાર કરું છું: શું થયું આ બધું? કેમ થયું આવું બધું? આજે જિંદગીના છેડે હવે મારે જમા-ઉધાર કરવા નથી કે નથી કોઈને દોષવા. જે છે તે છે. જે થવાનું હતું તે થયું.
છતાં વિધાતાએ મારે માટે આવું જ કંઈક નક્કી કરી રાખ્યું હશે એમ માનીને હું હાથ જોડીને બેસી નથી રહી. ઊલટાનું મેં તો વિધાતાને પડકાર આપ્યો છે. સમય અને સંસારનાં વિઘ્નોનો સામનો કરીને મારું એક અનોખું વ્યક્તિત્વ ઊભું કર્યું છે. શારીરિક અને સામાજિક બંધનોને ફગાવીને પન્નાની એક હસ્તી સાબિત કરી છે. શરૂઆતના સંસારનાં કપરાં વર્ષોમાં મને જો ઇચ્છા મુજબનું દામ્પત્યસુખ ન મળ્યું તો કવિતા મળી, વાર્તા મળી. કવિતા મળી તો ખરી, પણ એ મારા માટે એવી તો ફળી કે એના દ્વારા મને અસંખ્ય ચાહકો મળ્યા. એમાંના કેટલાક તો જીવનભરના મિત્રો થયા. દેશવિદેશમાં હું જ્યાં જાઉં ત્યાં એ લોકો મને ઘેરી વળે. પછી હું મુંબઈ ગઈ હોઉં કે મહુવા, અમદાવાદ કે અમરેલી, પૅરિસ કે લંડન. અને જ્યાં હું નથી ગઈ ત્યાંથી વહાલભર્યા પત્રો આવે, કહે કે ક્યારે આવો છો અમારી બાજુ? તમારી પાસેથી જ અમારે તમારી કવિતા સાંભળવી છે.
કુદરતે ભલે મને દીકરી ન આપી, પણ મારા સદ્ભાગ્યે મને કેટલી બધી દીકરીઓ મળી છે! આ મીઠડીઓ મને “મોમ” કહીને સંબોધે છે! અવનવી વાનગીઓ બનાવી ચખાડે છે. મારું શોપિંગ કરી આપે છે, મોંઘીદાટ સાડી કે અવનવાં ઘરેણાંની ભેટ લઈ આવે છે. મારો પડતો બોલ ઝીલે છે. અમેરિકાના બન્ને કાંઠે બબ્બે અમિતાઓ અને બબ્બે જયશ્રીઓ, ફિલાડેલ્ફિયા અને વૉશિંગ્ટન એમ બન્ને ઘરમાં સાફસૂફીનું કામ કરતી બે બ્રાઝિલિયન છોકરીઓ — જાનીઆ અને પૌલા, અને સદા હસમુખી અને ટીખળી ગીની — આ બધી લાડકીઓ એમના અઢળક પ્રેમથી મને નવરાવી દે છે. ભાગ્યશાળી માને જ આવી દીકરીઓ અને આવો નિર્વ્યાજ પ્રેમ મળે.
આ પ્રેમમાં હજી કાંઈ બાકી રહી ગયું હોય તેમ, જતી જિંદગીએ મને એવો ઇચ્છાવર મળ્યો કે જેની મેં આખી જિંદગી કલ્પના કરી હતી અને જેને માટે ભગવાન પાસે મેં રાતદિન પ્રાર્થના કરી હતી. એના પ્રથમ સ્પર્શથી જ હું ગાંડી બની ગઈ હતી. અને આજે પણ એટલી જ ગાંડી છું એવું છે એનું મોહક વ્યક્તિત્વ. એની સાથે રાતદિન વાતો કરતા કે પ્રેમ કરતા હું થાકતી નથી. મને મનગમતાં ફૂલો લઈને તો જરૂર આવે પણ એ ફૂલોની જેમ જ મને હાથમાં અને હાથમાં જ રાખે છે. પાંચમા પુછાય એવો મોભી તો છે, પણ મારે સદ્ભાગ્યે એ વળી કવિ નીકળ્યો! વેકેશનમાં ફરવા જઈએ તો સવારમાં ઊઠતાં જ મને નવું સૉનેટ આપે! ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે ને?
મારા બે વેરી — સમય અને સંસાર — ને આ છે મારો સણસણતો જવાબ! ભલે ને મને જિંદગીમાં અનેક મુશ્કેલીઓ પડી, અને મેં નાખેલા કંઈક પાસાં અવળાં પડ્યાં, પણ મેં હાર નથી માની. હું ઝઝૂમી છું, અને મેં મારી રળિયામણી ઘડી ઊભી કરી છે. એમાં જ હું જીવનની સાર્થકતા જોઉં છું.
હવે તો ભગવાનને બસ એટલી જ પ્રાર્થના છે કે આ લાડકી દીકરીઓ અને આ ઇચ્છાવરના સાન્નિધ્યમાં છું ત્યારે જ મને એ ઉપાડી લે. હવે ભલે જમરાજા આવતો. મને એની કોઈ બીક નથી. હું તૈયાર છું.