૨. જ્યારે તમે નથી — સ્મૃતિશેષ સુરેશ દલાલ
આજે સુરેશ દલાલ નથી. એને ગયે ત્રણ વર્ષ થયાં. મારે માટે — અમારા બધા મિત્રો, સ્વજનો માટે — એનું અસ્તિત્વ એવું તો જબ્બર હતું કે ક્યારેય એ ન હોય એવી કલ્પના જ નહોતી થઈ શકતી. એના જવાથી અમારા બધાના જીવનમાં એક મોટી ખોટ પડી. કોઈ માણસ હાથ, પગ ગુમાવી બેસે, પછી ભલે એ જીવે, પણ એ જીવતર જેમ અર્ધું લાગે એમ. અમે સુરેશના મિત્રો એના વગર જીવીએ છીએ ખરા, પણ એવું જ, સાવ ખાલીખમ!
અમે બન્ને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સાથે, જોકે એક વરસ સિનિયર. કવિ-વિવેચક મનસુખલાલ ઝવેરીના અમે શિષ્યો. એકબીજાને ઓળખતા જરૂર, પણ મૈત્રીસંબંધ ત્યારે નહીં કેળવાયેલો. ગુજરાતીના વિષયમાં એમ.એ. કર્યું છતાં કવિતામાં મેં હજી છબછબિયાં નહોતાં કર્યાં. એ થયું અમેરિકામાં અને તે પણ સુરેશના પ્રોત્સાહનથી જ.
એ અમેરિકામાં જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે અમારે ત્યાં ઊતર્યો. પછી તો એનું અમેરિકા આવવાનું લગભગ દર વરસે થતું, એ જ્યારે આવતો ત્યારે અમારું ઘર એ એનું ઘર બની જતું. બે-ત્રણ અઠવાડિયાં એનો ઉતારો જરૂર હોય. એ આવે ત્યારે હું રજા લઈ લઉં અને અમે અલકમલકની દિવસરાત વાતો કરીએ, કહો ને કે ગપ્પાં મારીએ, કાવ્યચર્ચા કરીએ, અને હા, ગોસિપ પણ કરીએ. એ એક પછી એક ચાના કપ ગટગટાવે જાય, અનેક કવિઓની પંક્તિઓ બોલતો જાય અને એક પછી એક સિગરેટ જલાવતો જાય. મને સિગરેટની મોટી સૂગ. હું એની એશ-ટ્રે ખાલી કર્યા કરું, અને એને એ ભર્યા કરે!
એ દિવસોમાં હું પણ દર વર્ષે દેશમાં જતી અને મુંબઈમાં મારું જવાનું મુખ્ય પ્રયોજન બા-બાપાજીને મળવાનું! એમને મળી લીધા પછી હું સુરેશની સાથે જ મારો મોટા ભાગનો સમય ગાળું — કાં તો એસએનડીટીની એની ઑફિસમાં, એના કફ પરેડના ફ્લૅટમાં અથવા તાજ હોટેલની સી લાઉન્જમાં. જેવા મળીએ કે અમારાં ગપ્પાં, ગપસપ, ગોસિપ, ચાપાણી અને ડ્રિન્ક્સ શરૂ થઈ જાય. મુંબઈનો એ મારો મહિનો ક્યાં જાય તે ખબર જ ન પડે. આજે બા-બાપાજી નથી, સુરેશ પણ નથી, એટલે જાણે કે મુંબઈ જવાનું મારું કોઈ પ્રયોજન જ નથી રહ્યું.
સુરેશ એની નાદુરસ્તીના પ્રમાણમાં ઘણું જીવ્યો. પાછલાં વર્ષોમાં એ એના વિલ પાવરથી જ જીવ્યો. એની તબિયત કોઈ દિવસ સારી હોય એવું મને યાદ જ નથી. ડાયાબીટીસ, હાર્ટ પ્રોબ્લેમ, આંખ, કમ્મર, પગ, બ્લડપ્રેશર — આમ કંઈક ને કંઈક એને થયું જ હોય. એનું શરીર જાણે કે અનેક રોગોનું ધામ હતું. આવું બધું હોવા છતાં, અને અમારાં બધાંની સતત વિનવણી અને ડૉક્ટરની ધમકી છતાં, એનું ડ્રિન્ક્સ લેવાનું ચાલુ રહેતું. સિગરેટ ફૂંકવાનું પણ ચાલુ જ રહેતું, જાણે ચીમની જોઈ લો. એનું ખાવાપીવાનું પણ સાવ ખોટું અને એટલું જ અનિયમિત અને એને કસરત કેવી ને વાત કેવી! વજન વધતું જાય, અમે બધા કચકચ કર્યા કરીએ, અને છતાં એના પેટનું પાણી ન હલે. એ તો એની મેળે જીવ્યા કરે.
એનું જીવવાનું પણ કેવું! જલસો જ જોઈ લો! એને માટે જીવન જાણે કે કોઈ મોટો ઉત્સવ હતો. બસ, મજા કરો. એને સોગિયું મોઢું લઈને ફરતા અને દિવસરાત કચકચ કરતા લોકો નહોતા ગમતા. આનંદથી છલકાતા એના જીવનનું રહસ્ય શું હતું? દુનિયામાં બહુ જ ઓછા માણસો જોવા મળે કે જેમને ખબર હોય કે એમને જીવનમાં શું કરવાનું છે, એમના જીવનનું ધ્યેય શું છે? સુરેશ કૉલેજમાં હતો ત્યારથી જ એને ખબર હતી કે જિંદગીમાં એને શું કરવાનું છે. મોટા ભાગના લોકોને ઠેકાણે પડતા અડધી જિંદગી નીકળી જાય. અનેક નોકરી બદલાય, કંઈક કરિયરમાં ગૂંચવાય, અને છતાં પત્તો ન લાગે. એ સુરેશ નહીં. જાણે કે એણે કવિતા માટે જ જન્મ લીધો હોય એમ એણે આખી જિંદગી કવિતાનું કામ કર્યું. એ સામાન્ય કુટુંબમાં અને સાધારણ સ્થિતિમાં ઊછરેલો. અનેક શેઠિયાઓ અને પૈસાદારો સાથે એની ગાઢ મૈત્રી છતાં એને પૈસાની બહુ પડી ન હતી. એની અટક ભલે દલાલ હતી, પણ એણે દલાલી તો કવિતાની જ કરી! વાણિયાનો દીકરો છતાં કવિતા એ ખોટનો ધંધો છે એવું એને ક્યારેય લાગ્યું નથી.
ગુજરાતી કવિતાનું ઘેલું એને બહુ વહેલું લાગ્યું. કૉલેજકાળથી જ એણે ગુજરાતી કવિતાના સંપાદનનું કામ શરૂ કરી દીધેલું. “આ વરસની કવિતા” એવા નાના સંગ્રહો દર વરસે પુસ્તિકા રૂપે બહાર પાડતો. કાન્ત, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન — વગેરે કવિઓની કવિતા એ જાણે કે ઘોળીને પી ગયો હતો. રાજેન્દ્ર શાહના પ્રમુખ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ની કઈ કવિતા કયા પાને અને ડાબી કે જમણી બાજુ છે તે એ સહેજે કહી શકતો! એમ કહેવાતું કે ન કરે નારાયણ અને કોઈ મહાપ્રલયમાં ગુજરાતી કવિતાના બધા જ સંગ્રહો ધોવાઈ જાય, પણ જ્યાં સુધી સુરેશ જીવતો છે, ત્યાં સુધી વાંધો નહીં, એકલા સુરેશથી જ એ બધી કવિતા જીવી જશે. એવી હતી એની અદ્ભુત યાદશક્તિ અને કવિતાપ્રીતિ.
જન્મભૂમિ જૂથના સંચાલક શાંતિલાલ શાહ જ્યારે કવિતાનું સામયિક કાઢવાનું વિચારતા હતા ત્યારે એમણે ઉમાશંકર જોશીને પૂછેલું કે કવિતાનું મેગેઝીન ચલાવવાનું અઘરું કામ કોને સોંપવું? ઉમાશંકરે તરત સુરેશનું નામ આપ્યું. ઉમાશંકર જેવા વ્યવહારુ અને વિચક્ષણ કવિમાં માણસને પારખવાની ઊંડી સૂઝ હતી. સુરેશનો અઢળક કવિતાપ્રેમ એ પારખી શક્યા હતા. એમને ખબર હતી કે જે ખંત અને ઉત્સાહથી સુરેશ એ કામ કરશે તેવું બીજું કોઈ ભાગ્યે જ કરી શકશે. અને એ વાત સાચી પણ પડી. સુરેશે “કવિતા” સામયિક એકધારું બેંતાલીસ વરસ, એ જીવ્યો ત્યાં સુધી ચલાવ્યું. જગતભરમાં ભાગ્યે જ કોઈ કવિએ કવિતાના દ્વિમાસિક ચલાવવાનું ભગીરથ કામ આટલા લાંબા સમય સુધી એકહથ્થુ કર્યું હોય, અને તે પણ આટલા ઉત્સાહથી. અને એ દ્વિમાસિક દ્વારા એણે ગુજરાતને કેટલા બધા કવિઓ આપ્યા! હું મારી જ વાત કરું તો સુરેશ વગર મારું કવિતાજગતમાં પ્રવેશવાનું શક્ય જ નહોતું.
સુરેશ ગયા પછી જો કોઈ મોટી ખોટ મને સાલતી હોય તો એની સાથે અલકમલકની વાતો કરવાની — કોઈ પણ સંકોચ વગર ગપ્પાં મારવાની, ગપસપ કરવાની, અને કાવ્યચર્ચા કરવાની. મારો હાઇકુસંગ્રહ એને અર્પણ કરતાં મેં લખ્યું હતું: “જેની સાથે જીવન મલકે કાવ્યશાસ્ત્રે વિનોદે!” એનામાં મનુષ્યસહજ પૂર્વગ્રહો, દુરાગ્રહો, પક્ષાપક્ષી અને ગમા-અણગમા જરૂર હતા. પણ એની વાતો કે વ્યવહારમાં મેં ભાગ્યે જ ડંખ જોયો છે. ઘણાય ગુજરાતી કવિઓની એને સૂગ હતી, છતાં એ જ કવિઓની કવિતા પણ એણે ખુલ્લા મને વખાણી છે, ભણાવી છે. એટલું જ નહીં પણ એ કવિઓને જ્યારે કોઈ કટોકટી આવી પડી છે ત્યારે એણે સામે ચાલીને મદદ કરી છે. માત્ર મિત્રો માટે જ નહીં પણ સાહિત્યકારો, ખાસ કરીને કવિઓ માટે એ બધું જ કરી છૂટે, એવી હતી એની સાહિત્યપ્રીતિ, કવિતાપ્રીતિ!
એ મારો પરમ મિત્ર હતો. એની મૈત્રી નિર્વ્યાજ હતી. ગુજરાતી સમાજમાં, સાહિત્યમાં એક સ્ત્રીકવિ હોવું એ જોખમ છે. અનેક પુરુષો તમારી સાથે સંબંધ બાંધવા આતુર હોય. અમને સ્ત્રીઓને એક કોઠાસૂઝ હોય છે. જ્યારે કોઈ પણ પુરુષ, ખાસ કરીને સાહિત્યકાર અમારી નજીક સરે, ત્યારે અમે પળમાં જ પારખી જઈએ કે એનું મન કેટલું મેલું છે! મારી અને સુરેશની અડધી સદીની મૈત્રીના અનુભવે હું આટલું જરૂર કહી શકું કે મારા પ્રત્યે એની દૃષ્ટિ ક્યારેય મેલી નહોતી. સાહિત્યમાં જ નહીં, પણ જીવનની અનેક બાબતોમાં એણે સદાયે મારું હિત જ જોયું છે.
એ સાચા અર્થમાં મારો હિતેચ્છુ હતો. દેશમાં બેઠો બેઠો સદાય મારી ચિંતા કરતો: હું અહીં અમેરિકામાં એકલી કેમ રહેતી હોઈશ? કેમ જીવતી હોઈશ? આ વાત ઘણી વાર એણે અમારા મુંબઈના મિત્રોને, અરે, જાહેર સભાઓમાં કરી છે. મારી કવિતાપ્રવૃત્તિ માટે સતત પૂછ્યા કરે. કહે: આવતા અંક માટે તારી કવિતા હજી મળી નથી. ‘કવિતા’ના દરેક અંકમાં મારી કવિતા હોવી જ જોઈએ એવું એ ઇચ્છતો. એ મને ઘણીવાર કહેતો: કવિતા ક્યારેય અટકાવતી નહીં. પણ એના ગયા પછી કવિતા લખવાનું મન જ નથી થતું. કેમ જાણે મારી કવિતા એના ધક્કાની રાહ જોતી ઊભી હોય! હવે દેશમાંથી કોઈ ટેલિફોન કરીને પૂછતું નથી: આવતા અંક માટે તારી કવિતા હજી મળી નથી!
એ દેશમાં અને હું અમેરિકામાં, છતાં અમે લગભગ રોજ વાતો કરતા. એ ગયો એને આગલે જ દિવસે અમે લાંબી વાત કરેલી. એક વાત એ ફરી ફરી કહે: પન્ના, એવું કલ્પી જ ન શકાય કે મીરાંબાઈ હૉસ્પિટલમાં હોય, નાકમાં નળી હોય, ઑક્સિજનનું મશીન ચાલુ હોય! ના, ના, એ તો ગાતી ગાતી જ જાય. વળી ઉમેરે, આપણું પણ એવું જ થવાનું! અને થયું પણ એવું જ! ત્રણ વર્ષ પહેલાં જન્માષ્ટમીના સંધ્યાકાળે એ એવી જ રીતે, એની જ રીતે, કહો કે, મીરાંની રીતે જ કૃષ્ણને મળવા ગયો.
એક પુસ્તક એને અર્પણ કરતાં મેં લખ્યું છે: “તું મિત્ર મમતાભર્યો, જીવનમાં કવિતાભર્યો!” જીવનમાં આવી નિર્વ્યાજ અને મમતાભરી મૈત્રી મને સુરેશ આગળથી મળી, એ મારા જીવનનું મોટું સદ્ભાગ્ય હતું. હેતુ વિના હેત કરનાર એ પરમ મિત્રને અને આજે અમારી આગવી મૈત્રી યાદ કરતાં મારી આંખ સહેજે ભીની થાય છે.