૧. જલસાનો માણસ — સુરેશ દલાલ

સુરેશને જ્યારે મારું પુસ્તક ‘નિસ્બત’ અર્પણ કરવાનો વિચાર કરતી હતી ત્યારે મારે અર્પણપંક્તિ વિશે ઊંડો વિચાર ન કરવો પડ્યો. એ પંક્તિ સહજ જ સૂઝી:

તું મિત્ર મમતાભર્યો, જીવનમાં કવિતાભર્યો…

આ દૃષ્ટિએ સુરેશ એટલે મૈત્રીની મમતા અને કવિતા. મૈત્રી અને કવિતા આ બે શબ્દો દ્વારા માત્ર હું જ નહીં પણ અનેક મિત્રો અને કવિઓ સુરેશને ઓળખે છે. સુરેશનો આ જાદુ છે. એ કવિઓને મિત્ર બનાવે છે અને મિત્રોને કવિ બનાવે છે. અમેરિકા આવે છે ત્યારે સવારની ચા પીતાં બેઠાં હોઈએ ત્યારથી જ દેશના ફોનની ઘંટડી રણકવા માંડે છે. આ ફોન એની પત્ની સુશીના હોય એ તો સમજી શકાય પણ એ એના કેટલા બધા મિત્રોના હોય છે! એના વિના સાવ સૂના થઈ ગયેલા મુંબઈ-અમદાવાદથી બધા એને પૂછે કે પાછા ક્યારે આવો છો? આવી મૈત્રી કેળવી કેવી રીતે? અથવા એનું રહસ્ય શું છે? આ બે પ્રશ્નોના જવાબ હું દેશ આવું છું ત્યારે જડી જાય છે. એના વ્યસ્ત જીવનમાંથી મારે માટે પૂરતો સમય અચૂક ફાળવે અને મને મળે જ મળે. અને એનું મળવાનું એવું નહીં કે દસ માણસ વચ્ચે બેસીને ઉભડક વાતો કરીને પતાવી દે. એની નિરાંતની ક્ષણો એટલે તાજની સી-લાઉન્જ અને પ્રેસિડેન્ટનો લાઇબ્રેરી-બાર અને મરીન પ્લાઝા. ત્યાં ગાળેલા કલાક બે કલાક કે ચાર કલાક એ બધો ક્વૉલિટી ટાઇમ. એમાં બીજાઓની દખલ નહીં. એટલો સમય મનથી ને વાણીથી એ સતત મારી જ સાથે છે એની પ્રતીતિ કરાવે.

અમેરિકામાં અમારે ત્યાં દેશમાંથી અનેક લોકો આવે અને રહે. એમને માટે અમે સારો એવો સમય ફાળવીએ. આસપાસ — દૂર ફરવા લઈ જઈએ અને ખરીદી કરાવીએ. એ લોકો અમારો અધધધ આભાર પણ માને અને દેશમાં એવી જ આગતાસ્વાગતા સ્વીકારવાનું નિમંત્રણ આપે. અમે દેશ આવીએ ત્યારે આ બધી વ્યક્તિઓ ક્યાંક અદૃશ્ય થઈ જાય છે. ફક્ત સુરેશ, હા સુરેશ જ, એક એવી વ્યક્તિ છે જે બેવડા વ્યાજથી નવાજે. એની વાત જ સાવ જુદી છે. એ મિત્રોને ભૂલતો નથી. એનાથી થાય એટલું બધું જ કરી છૂટે. વળી, મિત્રોના જીવનની કટોકટીના કપરા સમયે સુરેશ હંમેશા સાથે જ ઊભો હોય. એની મૈત્રી ખાણીપીણી પૂરતી મર્યાદિત નથી હોતી. સુરેશ મિત્રોના જીવનના અંગત પ્રશ્નોમાં એમની સમસ્યાઓમાં જીવંત રસ લે, સલાહ આપે અને મદદરૂપ થાય. આ મારો અંગત અનુભવ છે. પાંચ આંગળીએ પુણ્ય કર્યાં હોય એને જ સુરેશ જેવો મિત્ર સાંપડે.

સુરેશ સાથેની ઓળખાણ તો સેન્ટ ઝેવિયર્સ કૉલેજના દિવસોથી. પણ ખરો પરિચય થયો ૧૯૭૮થી — એણે અમેરિકા આવવાનું શરૂ કર્યું ત્યારથી. અને અમેરિકા એટલે મારું ફિલાડેલ્ફિયાનું ઘર જેને સુરેશ પોતાનું જ ઘર માને છે. આટલાં વર્ષેય એને ઊંઘમાંથી ઉઠાડીને મારા ઘરનું સરનામું પૂછો તો ફિલાડેલ્ફિયાનું આખું સરનામું ઝિપ કોડ સહિત અને ફોન નંબર પૂછો તો દસેદસ આંકડા કડકડાટ બોલી જાય છે. એને ખીજવવો હોય ત્યારે ઉત્પલ ભાયાણી મારું સરનામું અને ફોનનંબર અચૂક પૂછે. સુરેશ કહે કે હા, ભાઈ હા. મને એક જ સરનામું અને ફોનનંબર યાદ રહે છે અને તે પન્નાનાં. મુંબઈનો સુરેશ અને ફિલાડેલ્ફિયાનો સુરેશ સાવ જુદા. મુુંંબઈનો બિઝી સુરેશ અહીં સવારે સાડાપાંચ વાગે ઊઠે ખરો. મને ઉઠાડે પણ ખરો. ચા કરાવે પણ ખરો. પણ પછી બપોરની એની આછી ઊંઘ બાદ કરતાં સાહિત્ય અને સાહિત્યેતર અલકમલકની વાતો. હિલ્લોળાં, ઠઠ્ઠા-મશ્કરી. બાર બાર કલાક મારા ડાઇનિંગ ટેબલ પર અમારી નિશ્ચિત જગ્યાએ બેસીને ગાળીએ. સુરેશને નિરાંતે મળવું હોય તો મારા ડાઈનીંગ ટેબલ જેવી કોઈ આદર્શ જગ્યા નથી.

મારાં સઘળાં પુસ્તકોના પબ્લિકેશન્સનો સઘળો યશ સુરેશને જાય છે. મારી કવિતા અને વાર્તામાં જો કોઈ એક જ વ્યક્તિએ કેવળ કવિતા અને વાર્તાને કારણે સક્રિય રસ લીધો હોય તો તે સુરેશે. અમેરિકા જેવા દેશમાં રહેવાનું અને ગુજરાતીમાં સર્જન કરવાનું એટલે એના મમતાભર્યા સહકાર વિના સાહિત્યમાં હું જે કંઈ પામી છું એ પામત કે નહીં એની મને શંકા છે. સુરેશની સચ્ચાઈ, નિષ્ઠા, નિસબત અને કાવ્યપ્રીતિ વિશે લખવા જઈએ તો લેખ થાય અને ઓછા શબ્દોમાં કહીએ તો કેવળ ઉલ્લેખ જ થાય. એની સાથેની છેલ્લા પચાસ વર્ષની મૈત્રી એટલી તો ગાઢ છે કે એ મૈત્રીની નરી પ્રસન્નતા જ અનુભવવાની હોય.

સુરેશનો એક જ શબ્દમાં પરિચય આપવો હોય તો કહી શકાય કે સુરેશ એટલે જલસાનો માણસ. એની આજુબાજુ બસ જલસા જ જલસા અને મજા જ મજા. એની આસપાસ ઉલ્લાસ અને આનંદની છોળો જ ઊડતી હોય. આ વાતાવરણની જે પ્રસન્નતા છે એ લોકોને આકર્ષે છે. હું દેશ જાઉં છું ત્યારે અનેક સાહિત્યકારોને મળવાનું બને છે. ઘણાં તો સોગિયા મોઢાં લઈને બેઠા હોય છે. ઘણાંની આજુબાજુ એકેએક શબ્દ તોલી તોલીને બોલવો જોઈએ એમ લાગે. ત્યારે સુરેશની સાથે ગપ્પાં મારી શકાય. ઠઠ્ઠા-મશ્કરી કરી શકાય. આપણા કેટલાક મૂર્ધન્ય સાહિત્યકારોની આજુબાજુ ગંભીર અને તંગ વાતાવરણ હોય, બધું ભારે ભારે લાગે ને એ ભાર નીચે આપણે દબાઈ જઈએ. સુરેશની આજુબાજુ હળવાશ હોય. મસ્તી હોય અને ખુશી હોય. આનો અર્થ એવો નથી કે કામ થતું નથી. ઊલટું, સુરેશ જેટલા પ્રવૃત્ત અને ફળદ્રુપ સાહિત્યકારો ગુજરાતમાં જૂજ મળે. વાર્તા, નિબંધ, સંપાદન, પ્રવચન, અધ્યાપન, રેકોર્ડિંગ, કવિતા — સોૈથી વિશેષ કવિતા — વગેરે અનેક પ્રવૃત્તિઓમાં સુરેશ નિરંતર ગૂંથાયેલો રહે છે. સાહિત્ય અને વિશેષ તો કવિતા એને માટે માત્ર નવરાશની ઇતર પ્રવૃત્તિ કે શોખ નથી. એ એનું જીવન છે. છેલ્લા પાંચ દાયકાથી સુરેશ કવિતામાં પ્રવૃત્ત છે. એ એના જીવનનું સાતત્ય છે. કવિતાનો સાચો પ્રેમ ત્યારે જ કહી શકાય જ્યારે કવિ બીજાની કવિતા પણ વાંચે. સુરેશને મોઢે ગુજરાતી અને બીજા સાહિત્યની ઉત્તમ કવિતા સતત બોલાયા કરતી હોય છે. એને આ કવિતાધન શોધવા જવું પડતું નથી. એ એને કંઠસ્થ છે. એમ કહી શકાય કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવે અને ગુજરાતી કવિતાના ઘણા ગ્રંથો નાશ પામે પણ જો સુરેશ જીવતો હોય તો ગુજરાતી કવિતા બચી ગઈ સમજો. એ પોતાને કંઠેથી જ ગુજરાતી કવિતા — ઉત્તમ ગુજરાતી કવિતા — લખાવી શકે એવી છે એની સ્મરણશક્તિ અને એવો છે એનો કવિતાપ્રેમ.

સુરેશનાં અનેક પાસાં છે: કવિ, વિવેચક, સંપાદક, કેળવણીકાર, સફળ આયોજક, ઇત્યાદિ. એ બધું તો ખરું જ, પણ સુરેશ ગુજરાતી સાહિત્યનું એક અપૂર્વ અને અજોડ ફિનોમિનન છે. જે ગુજરાતીઓને પુસ્તક સાથે કોઈ નાતો કે નિસબત નહોતી, જે ગુજરાતીઓ કિંમત જોઈને પુસ્તકને પડતું મૂકતા હતા એવા ગુજરાતીઓને એણે અદ્ભુત રમૂજની છોળોથી ભીંજવીને કવિતા વાંચતા અને પુસ્તકો ખરીદતા કર્યા એવો એ ‘જાદુગર’ સુરેશ છે. સુરેશ મારો પરમ મિત્ર છે. એને માટે તો મારે આટલું જ કહેવાનું છે:

મારાં કાવ્યો, મુજ જીવન ને પ્રેમનો તું જ સાક્ષી,
તું છે સાચો જીવનભરનો મિત્ર, તું માર્ગદર્શી.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book