ગાલના ટાંકા

તમારે ભારતીય વસાહતી વિષેનો લેખ લખવાનો છે. તમને ક્યાંથી શરૂઆત કરવી એ સૂઝતું નથી. કોને વિષે લખવું? સફળ થયેલા કમ્પ્યુટર સાયન્ટીસ્ટો વિષે કે ડોક્ટરો કે એન્જિનિયરો કે હોટેલ-મોટેલના માલિકો કે —

રોજની જેમ તમે કમ્પ્યુટર સામે બેસો છો. વર્ડ ફાઈલ ખોલો છો. ગુજરાતી ફોન્ટ ક્લીક કરો છો. શું ટાઈપ કરવું એ સૂઝતું નથી, એટલે તમે તમારું નામ ટાઈપ કરો છોઃ સ્વરૂપ. એમાંથી જુદા જુદા કોમ્બીનેશન્સની રમત રમો છો – સરૂપ, રૂપાંદે, રૂપા, પારુ, પારુલ. ત્યાં બાળપણનો મિત્ર પારસ યાદ આવે છે. એ સાઈકલ પર કોઈ વાર તમને ઘેર મૂકી જતો. થોડાં અડપલાં કરતોઃ રૂપાલી, તને ગમે છે ને? તમે ના કહેતાં તમારે માટે પુરુષનો એ પ્રથમ સ્પર્શ હતો. તમે તેર વરસનાં હતાં. ફ્રોકમાંથી ઉપસેલી છાતીને અરીસામાં જોતાં હતાં. પારસે ત્યાં સ્પર્શ કર્યો ત્યારે મિશ્ર ભાવ જાગ્યો હતો. એ વિષે તમારે કોઈને પૂછવું હતું, મમ્મીને પૂછતાં સંકોચ થતો. પપ્પાને? હાય, હાય! મમ્મીને ન પૂછાય તો પપ્પાને વળી શી રીતે પૂછાય? આપણા ઘરમાં આવી વાતો થાય? થતી હશે? કરાતી હશે? કોઈ કરતું હશે?

તમારું ઘર નાનું હતું. તમારે દિવાનખાનામાં સૂવું પડતું. જમણી બાજુનો બેડરૂમ મમ્મી-પપ્પાનો, ડાબી બાજુનો ભાઈ-ભાભીનો. બત્તી બંધ કર્યા પછીય તમને જલદી ઊંઘ નહોતી આવતી. ભાઈ-ભાભીના ચુંબનના આછા સીસકારા સંભળાતા. થોડીવાર પછી ભાઈ ઊઠીને બાથરૂમ જતા. બાથરૂમની સ્ટોપર ચડાવવાનો, બાલ્દીમાંથી ઢોળાતા પાણીનો અને સ્ટોપર ઉતારવાનો અવાજ સંભળાતો. પછી ભાઈ બેડરૂમમાં જઈ બારણું બંધ કરતા. આ બધું પાતળી દિવાલો ભેદી તમારા મનને અવનવા સવાલો પૂછતું. તમને કુતૂહલ થતું. તમને ને ભાભીને ખૂબ બનતું એટલે પૂછવા થોડી હિંમત ભેગી કરવા માંડેલી. એક દિવસ ભાભી સાથે કપડાં બદલેલાં. એમણે હસીને કહેલું, રૂપાબહેન, તમે રૂપાળાં થતાં જાવ છો. કેમ ભાભી, એવું કહો છો? એમ તમે પૂછેલું. ભાભીએ બીજી વાતો કરતાં કરતાં સ્ત્રી-પુરુષના જાતીય સંબંધની વાત કહેવાય એટલા સાદા શબ્દોમાં કહેલી. જાતીયતા વિષેનું એ તમારું પ્રથમ શિક્ષણ.

તમે મોટાં થઈને કૉલેજમાં ગયાં. કૉલેજમાં સ્ત્રી-મિત્રો સાથે પુરુષ-મિત્રો પણ થયા. પુરુષ-મિત્રોની તમને છોછ નહોતી કૉલેજની કેન્ટિનમાં બધાં સાથે બેસતાં. ગપ્પાં મારતાં. ઘરની, સિનેમાની, ભણવાની વાતો કરતાં. યાદ છે : એક પારસી મિત્ર હતો, મેહલી ઈરાની, એ ક્રિકેટર હતો. ક્રિકેટ મેચમાં એ તમને હંમેશ આગળ બેસવાની ટિકિટ આપતો. એ ફ્રેની સાથે પરણ્યો ત્યારે તમે એને પ્લાસ્ટર ઓફ પેરિસનું વોલ હેન્ગિગ ભેટ આપેલું. “એઈ સ્વરૂપ, ટારી હિરોઈનની છાટી જોઈને હસવું આવે છે.” એણે કહેલું. તમારો બીજો મિત્ર હતો, વિનોદ પોપટ. એ કમ્મર લચકાવીને ચાલતો. આંખમાં કાયમ કાજળ આંજતો. તમને આશ્ચર્ય થયેલું. તમે તમારી બદામી આંખો વિષે સભાન હતાં એ આંખોને સતેજ કરવા તમેય કાજળ આંજતા. તમારા ઘરમાં પુરુષો પણ કાજળ આંજે? તમે વિનોદને પૂછેલું. એ હસેલો.

તમે વિલે પાર્લા રહેતાં. જુહૂનો દરિયાકિનારો સાવ નજીક. તમને ત્યાં ફરવા જવું ગમતું. દરિયાકિનારે બેસીને મોજાં ગણવાં, એ તમારો આનંદ હતો. ચાંદની રાતે પણ જવું ગમતું, ખાસ કરીને, શરદપૂનમે મિત્રો સાથે આખી રાત ત્યાં બેસી ટોળ ટપ્પાં મારતા. મમ્મી-પપ્પાને તમારા મિત્રો ગમતા – આમાંથી કોઈને પરણી જાને, એઓ એવું સૂચવતાં. તમે એમાંથી કોઈને પસંદ ન કર્યો. તમારું નસીબ અમેરિકા ઠરીઠામ થવાનું હતું. રોહિત એન્જ્નિયરિંગનું ભ્ણીને મુંબઈ પરણવા આવ્યો હતો. એ તમારી બહેનપણી બિંદુનો સગો થતો હતો. તમે મળ્યાં, રોહિત ગમ્યો. એ થોડો જાડો હતો. છૂપી છૂપી સિગરેટ પીતો હતો. તમને હતું કે તમારા વશીકરણથી એ થોડો પાતળો થશે અને સિગરેટ છોડી દેશે. તમે અમેરિકા આવી ગયાં. બ્રિન મોર જેવા રળિયામણા પરામાં તમારો એપાર્ટમૅન્ટ હતો. રોહિત પેન્સિલ્વેનીયાની ટ્રાન્સિટ સિસ્ટમમાં એન્જિનિયર હતો. ક્યારેક એને સાંજે અને રાતે કામ કરવું પડતું.

તમે ધાર્યું હતું એના કરતા રોહિત જુદો જ નીકળ્યો. તમને રોહિત તદ્દન બોચિયો લાગ્યો. કદાચ એ તમારી ભ્રમણા પણ હોઈ શકે એવું તમને લાગેલું. એ ભ્રમણા ભાંગવા એક દિવસ વાળ ધોઈને, સદ્યસ્નાતા થઈ ડિલ પર માત્ર સફેદ ટર્કીશ ટુવાલ વીંટીને બેડરૂમમાં આવ્યાં. તમે એની પાસે બીજો ટુવાલ માંગ્યો, એનાથી વાળ ઝાટક્યા. પાણીના છાંટા અહીંતહીં ઊડ્યા પણ રોહિતને ભીંજવી શક્યાં નહીં. વાળ સૂકવી તમે રોહિતને હેરોઈલ નાંખી આપવા પૂછેલું તો એ, “મૂરખ જેવી વાત ન કર. બીજી સ્ત્રીઓ શું એમના પતિ પાસે તેલ નંખાવતી હશે?” કહી હસેલો અને ઊઠીને નીચે. રોહિત બોલતો પણ ઓછું. તમારી ઉપેક્ષા કરતો. તમને એ ખૂંચતું. પૂછતાં તો કોઈ જવાબ મળતો નહીં. મનમાં ને મનમાં સમસમી રહેતાં. દુનિયાનાં બધા છાપાં, બધાં ટેલિફોન, બધાં ટેલિવિઝન ફગાવી દેવાનું મન થતું. રોહિત તમને વળગી વળગીને પ્રેમ કરશે એ આશાએ તમે જીવ્યે જતાં હતાં. પથારી મોટી નહોતી તોય વચમાં ખાસ્સી જગ્યા રહેતી. તમે બધી વાત મનમાં ભરી રાખતાં. રોહિતને બીજી કોઈ ભારતીય કે અમેરિકન બહેનપણી તો નહીં હોય એવો વિચાર તમને આવતો.

બ્રિન મોર યુનિવર્સીટીમાં તમને કામ મળ્યું હતું. તમારી સાથે કામ કરતી સ્ત્રીઓમાં તમે તમારા સ્વભાવને કારણે લોકપ્રિય હતાં. સ્ત્રીઓ તમારા દેખાવના વખાણ કરતી. તમને થતું આ દેખાવ ને રૂપનો અર્થ શું-જો એ રોહિતને આકર્ષી ન શકે? એક દિવસ તમે બધાં કોફી પીતાં બેઠાં હતાં ત્યારે તમારી સાથેની રેબેકાએ એક વિચાર સૂઝાડ્યો. એ કરતી હતી તેમ મોડેલિંગ કરવાનો. તમને એ વિચારે હસવું આવ્યું પણ વિચાર ગમ્યો. તમે મોડેલિંગ એજન્સીની તપાસ કરી. એપોઈન્ટમેન્ટ લીધી. ઈન્ટરવ્યુ ગોઠવાયો. તમારી પસંદગી થઈ, તમારી બદામી આંખો અને લાંબા કેશ લેખે લાગશે એમ લાગ્યું. મોડેલિંગ એજન્સી માટે તમે નવાં હતાં. એજન્સીની એક બાઈએ તમારો મેકઅપ કર્યો. ફોટા લીધા. તમારા ચહેરા સાથે કોસ્મેટિકનાં પ્રસાધનો વણાવા માંડ્યાં. લાંબા કેશ સાથે શેમ્પુની જાહેરાત થવા માંડી. તમને આ બધું ગમવા માંડ્યું, પણ રોહિત જોશે તો શું કહેશે એ વિચાર તમને સતાવતો હતો.

એક મંગળવારે સાંજે રોહિત ટીવી પર સમાચાર સાંભળતો હતો. બે સેગમેન્ટ વચ્ચે પેન્ટીન શેમ્પુની જાહેરાત આવી. તમે રોહિતનું ધ્યાન દોરીને કહેલું: પેન્ટીન શેમ્પુથી સફાઈદાર થયેલા જે કેશ બતાવાય છે એ મારા કેશ છે. જવાબ ન મળ્યો એટલે ફરીથી કહેલું, એ મારા કેશકલાપની જાહેરાત છે. તમે જોઈ શક્યા કે રોહિતની આંખને તમારા શબ્દો સાંભળતા નહોતા.

એક દિવસ મોડેલિંગ એજન્સીએ નવો પ્રસ્તાવ મૂક્યો. નિરાવરણ સ્તનોના ફોટાનો. કદાપિ નહીં તમે કહ્યું. એજન્સીએ તમને અઠવાડિયાની મુદત આપી. તમારો વિચાર બદલાય તો જણાવવા કહ્યું. તમે વિચાર કર્યો, એક ગુજરાતી સ્ત્રી સ્તનોનું પ્રદર્શન કરે એ વાત વાહિયાત લાગી. તમે અકળાયાં સાથે સાથે એક રોમાંચ જાગ્યો. તમને થયું શું ઘસાઈ જવાનું છે? સોમવારથી રવિવાર સુધીમાં એજન્સીનો પ્રસ્તાવ સ્વીકારવાનો વિચાર દ્રઢ થતો ગયો. બીજા સોમવારે તમે હા પાડી. ફોટા પડાવ્યા. એજન્સી સાથે શરત કરી કે પહેલાં હું ફોટા જોઈશ, માન્ય કરીશ, પછી જ વાપરવાની છૂટ આપીશ. એજન્સીને શરત મંજૂર હતી. એમણે કોન્ટ્રેક્ટ પર સહી કરી આપી. તમે સહીસલામત હતાં. ભલે તમારી આ પ્રવૃત્તિથી રોહિત અજાણ હતો પણ એના પ્રત્યેની તમારી જવાબદારી જોખમાઈ નહોતી. તમને કોઈ ડંખ નહોતો.

બે અઠવાડિયાં પછી એક સાંજે તમે ઘેર આવ્યા ત્યારે રોહિતની ગાડી જોઈ. એ વહેલો ઘેર આવી ગયો હતો. તમે દાખલ થયાં ત્યારે એ રસોડાના ટેબલ પર તમારા છેલ્લા ફોટા પાથરીને બેઠો હતો. એણે તમારી સામે જોયું. તમે નજર ચૂકાવી. એ ઊભો થયો. તમારી તરફ આગળ વધ્યો. એની લાલ આંખોમાં તમે ઝનૂન જોયું. તમને થયું એ તમાચો મારશે. એટલે એક ડગલું પાછળ ખસ્યાં, અને રસોડાના કાઉન્ટર સાથે અથડાઈ નીચે પડી ગયાં. કાઉન્ટરના ખૂણાએ તમારો ગાલ ચીરી નાખ્યો હતો. ચીરામાંથી લોહી દદડતું હતું. ફર્શ પર અર્ધબેહોશ પડેલાં તમને રોહિત વળગી વળગીને પ્રેમ કરતો હતો. એના શબ્દો તમારે કાને અથડાયા, ઓ સ્વરૂપ, મારી રૂપાળી રૂપાળી સ્વરૂપ —

વર્ડ ફાઈલના સ્ક્રીન પર નામનાં જેટલાં કોમ્બીનેશન્સ હતાં એ બધાં તમે ઈરેઝ કરી દીધાં. બ્લેન્ક સ્ક્રીન પર તમે ટાઈપ કર્યું: રોહિત. અને તમારા ટાંકાવાળા ગાલ પર હાથ ફેરવતાં ફેરવતાં તમે કમ્પ્યુટર બંધ કરી દીધું.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book