ફ્લેમિન્ગો

આશાએ ઑફિસથી આવી ઘરમાં પ્રવેશી રોજની જેમ આન્સરિંગ મશીન ચેક કર્યું. રોજની જેમ મૅસેજ હતા. ખભેથી પર્સ ઉતારી ખુરશી પર લટકાવી. ટેઇપ રિવાઇન્ડ કરવા મૂકી. ચા માટે પાણી મૂક્યું. મસાલાની ચા બનાવી. હાથમાં ચાનો મગ લઈ બીજે હાથે પ્લેનું બટન દબાવી મૅસેજ સાંભળ્યા.

પહેલો, એની બહેનપણીનો લંચ માટે હતો. બીજો, નવી ફ્રેમ કરવા આપેલાં ચશ્માં તૈયાર થઈ ગયાં છે એનો હતો. ત્રીજો, એના દિયરનો હતો.

આશાએ બિઝનેસ સૂટ ઉતાર્યો. બોબ્ડ વાળ પરથી રિબન કાઢી છૂટા કર્યા. કાંડે, ગળેથી આછાં ઘરેણાં ઉતારી ડ્રેસરમાં મૂક્યાં. ઊંચી એડીનાં શૂઝ કાઢી ક્લોઝેટમાં મૂક્યાં. લાંબા પગ લંબાવી પારદર્શક સ્ટોકિંગ ઉતાર્યાં. બ્રીફકેસ ખોલી અંદરથી યુનાઇટેડ ઍરલાઇનની ટિકિટ તપાસી જોઈ.

ઑફિસના કામે બહારગામ જવાનું થાય ત્યારે કંપની તરફથી પ્લેઇન-હોટલનું રિઝર્વેશન થતું. લંડનમાં શું શું કરશે તેના વિચાર આશાએ કર્યા. એકબે દિવસ હોટલમાં રહેશે; પછી એની અંગ્રેજ બહેનપણીને ત્યાં રહેવા જશે. નાટકો જોશે, મ્યુઝિયમ, રેસ્ટોરંટ, કોન્સર્ટ. લંડનમાં આશા ‘આશા બળવંત શાહ’નો, ન્યૂયૉર્કનો ભાર છોડીને એ ‘આશા ઉષાકાન્ત પારેખ’ બનીને મહાલશે.

આશાએ પૅકિંગ શરૂ કર્યું. સૂટ, સાડીઓ, સલવાર, કુરતું, દુપટ્ટા, ચાંલ્લા, કાજળ. ઍરપૉર્ટ પહોંચી મનગમતી સીટ લીધી. પ્લેઇનમાં એ હંમેશ નોનસ્મોકિંગ સેક્શનમાં બારી પાસે બેસતી. શાકાહારી ખાવાનું મંગાવતી. બાજુની સીટમાં કોણ બેસે છે, કેવાં કપડાં પહેર્યાં છે, શું ખાય છે, કેવી રીતે ખાય છે તે માપી લેતી. વાત કરવા જેવો પુરુષ આવે તો બ્લડીમેરી મિક્સ અને મગફળી ખાતાં ખાતાં કેળવાયેલા અમેરિકન ઉચ્ચારે ઔપચારિક વાક્યોથી શરૂઆત કરતી.

ગોઠવાયા પછી બાજુની જગ્યા કોણ ભરશે એની આતુરતાથી દાખલ થતા બધા પુરુષોને જોતી. એને થતું કોઈ વૃદ્ધ આવે નહીં તો સારું, એને થયું. યુવાન હોય તો મજા પડે. પ્લેઇન ઊપડવાને પંદર મિનિટ હતી ને એક ઊંચો ગોરો માણસ બાજુમાં બેસી ગયો. આશાએ હસીને કહ્યું, ‘અંગ્રેજ છો?’

‘ઑસ્ટ્રેલિયન. પેટ્રિક સોરેનસન.’

‘આશા. ઇન્ડિયન.’

બંને હસ્યાં. વાતો કરતાં કરતાં પેટ્રિકે કહ્યું કે એ જે એક વાર ધારે તે કરીને રહે. ફરી બંને હસ્યાં. આશાએ આંખોમાં ચમક લાવી પૂછ્યું, ‘હવે શું ધારો છો?’

પેટ્રિકે જવાબ આપ્યા વિના ભમ્મરો ઊંચી કરી. પછી બોલ્યો, ‘કરવું ન કરવુંના સામસામા કાંઠે ઊભાં રહેવા કરતાં અજાણ્યા પાણીમાં ભૂસકો મારવાનો રોમાંચ હોય છે.’

‘જાણીતી ચીજ વધુ ફાવે તેવું નહીં?’

‘મનનું દમન કરો તો સ્પ્રિંગની જેમ છટકે.’

લંડન આવતાં પહેલાં બંનેએ એક વાર મળવાનું, સાથે ભોજન લેવાનું કબૂલ્યું. પરમ દિવસે, વિક્ટોરિયા સ્ટેશન પર. બપોરના બાર વાગ્યે.

*

ઍરપૉર્ટ પરથી હોટલના રસ્તે આશાએ પેટ્રિકના વિચાર કર્યા. પેટ્રિક શાવરમાં કેવો લાગે? પોતાની બદામી ત્વચા ઉપર પેટ્રિકની ગુલાબી ઝાંયવાળા હાથ કેવા લાગે? એના હાથ પર કાબરચીતરી રૂંવાટી હતી. તે આશાને યાદ આવ્યું. એના કાન પાસે કલમ પર સહેજ સફેદ વાળ હતા. ટૅક્સી હોટલ પાસે ઊભી રહી અને તે ઊતરી ત્યાં પાછળથી પરિચિત ગુજરાતી અવાજ સંભળાયો — ‘ફ્લેમિન્ગો!’

આશા ચમકી ઊઠી. અનુરાગ સામે ઊભો હતો. આશાએ આનંદની ચીસ પાડી પૂછ્યું. ‘અરે! તમે શિકાગો…’

‘કૉન્ફરન્સ. તું?’

‘મિટિંગ.’

‘કેટલા દિવસ છે?’

‘બે દિવસ કામ છે. પછી ફરવું છે.’ કહી આશા હસી પડી.

‘શું જોવું છે લંડનમાં?’ અનુરાગે પૂછ્યું.

‘તમે બતાવો તે. મારે તો તમારી આંખોથી બધું જોવું છે.’ તમારી આંખો શબ્દ પર ભાર મૂકી આશા બોલી.

‘પરમ દિવસે, બપોરે બાર વાગ્યે. લેસ્ટર સ્ક્વેર.’ કહી અનુરાગ ટૅક્સી પકડી ચાલ્યો ગયો.

*

રૂમમાં જઈ બૅગ ખાલી કરતાં આશાને ‘પરમ દિવસ’ના વિચાર આવતા હતા. વિક્ટોરિયા સ્ટેશન કે લેસ્ટર સ્ક્વેર? પેટ્રિકને આકર્ષી શક્યાનો એને ગર્વ હતો. એકદમ અજાણ્યો માણસ. આ પહેલાં મળી નથી; આ પછી મળવાની ગુંજાશ નહોતી. આશાના કાન સમસમી ઊઠ્યા. પેટ્રિક. એને માટે પોતે ઇન્ડિયન નૉવેલ્ટી. આશાને માટે તે એક ગોરો પુરુષ. સાહસ. રોમાંચ. રોમાંસ.

અનુરાગ? પેટ્રિક કે અનુરાગ? બેમાંથી એક? એક ‘અથવા’ બીજો. આશાને થયું, એક ‘પછી’ બીજો કેમ નહીં? અનુરાગ ઇન્ડિયન છે, તે બાબતથી આશાને સંકોચ થતો હતો, ઑફિસના બીજા પુરુષો સાથે હરવાફરવા, જમવામાં એને ક્ષોભ થતો નહીં. ભારતીય પુરુષો સાથે એક ઔપચારિકતા આવી જતી હતી. અનુરાગ કે પેટ્રિક?

એણે એકને ફોન કરી મળવાનો સમય બદલવા નક્કી કર્યું. અને શાવરમાં પ્રવેશ કર્યો.

*

જે કામ માટે આવી હતી તે કામ પતી ગયું. ‘પરમ દિવસ’ની સવાર પડી. મન હવે સાવ હલકું હતું, શિફોનના દુપટ્ટા જેવું. કેવો યોગાનુયોગ હતો કે શિકાગોમાં વસતો અનુરાગ અત્યારે લંડનમાં હતો. મોકળા મને કેટલી બધી વાતો થશે. નાટક, સિનેમાની અને સ્ત્રીપુરુષના સાહચર્યમાં થઈ શકે એવી બધી જ. મહત્ત્વ અનુરાગનું હતું.

આશાએ આભલાંભરેલું કુરતા સલવાર ને શિફોનનો દુપટ્ટો પહેરી ફુલ સાઇઝના અરીસામાં જોઈ લીધું. કાજળ આંજ્યા પછી આંખોનો આકાર સતેજ થયો. નાનો લાલ ચાંલ્લો કર્યો. સલવારમાંથી એના પાતળા પગ શોભતા હતા. આ ન્યૂયૉર્કની આશા નહોતી. આ અઢાર વર્ષની ‘ફ્લેમિન્ગો’ હતી.

લેસ્ટર સ્ક્વેર જવા આશા ટ્યૂબ સ્ટેશન પર આવી. એ ઊભી હતી એ પ્લૅટફૉર્મ પર એક અંગ્રેજ બાજુમાં ઊભો હતો. આશા સહેજ હસી.

‘સરસ દિવસ ઊગ્યો છે.’ અંગ્રેજ બોલ્યો.

‘હા.’ આશાએ કહ્યું.

‘ઇન્ડિયાથી આવો છો?’

‘ન્યૂયૉર્ક.’

‘ના! ખરેખર? ઇન્ડિયન જેવાં જ દેખાઓ છો!’

‘મૂળ ઇન્ડિયન. હવે અમેરિકન. મારું નામ આશા.’

‘પીટર બ્રૂક!’

‘ઓહ, ધ ફેમસ વન?’

‘ના! પણ મને ઇન્ડિયન ચિત્રકળામાં રસ છે.’

‘વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યૂ — ’

‘હા. હું બે વાર જઈ આવ્યો. સરસ પ્રદર્શન છે.’

‘મારે પણ જવું છે.’

અંગ્રેજ પણ ટ્યૂબ ટ્રેનમાં એની સાથે ચડ્યો. લેસ્ટર સ્ક્વેર આવતાં આશા ઊતરવા જતી હતી ત્યાં કોઈએ એને ચીટિયો ભર્યો. પીટર બ્રૂક!

લેસ્ટર સ્ક્વેર આવી ત્યારે નાટકની ટિકિટના બૂથ પાસે લાંબી લાઇન હતી. એમાં જાતજાતના માણસો પોતાની આગળના કે પાછળના માણસ સાથે વાત કરતા હતા. એકલવાયું કોઈ નહોતું. અમેરિકન વૃદ્ધો, જાપાની છોકરાઓ, આરબ જોડાં, હબસી વિદ્યાર્થીઓ, ટૂરિસ્ટો, ટૂરિસ્ટો. એક પાટિયા પર આજે કયાં કયાં નાટકની ટિકિટો અરધા ભાવે મળશે તેની વિગત હતી. એક તરફ એક બાસ્કેટમાં લંડનનાં તમામ નાટકો ક્યાં ક્યાં ચાલે છે તેનો કોઠો હતો, થિયેટરોનાં લોકેશનનો નકશો હતો. બૂથની પાસે નાનું મેદાન હતું. લેસ્ટર સ્ક્વેર. સ્ક્વેરની બેન્ચો પર કોઈ સેન્ડવિચ ખાતું બેઠું હતું. એક છોકરો-છોકરી બેફામ બનીને પ્રેમ કરતાં બેઠાં હતાં. એમના હાથપગ અને ધડમાથાં સાપોલિયાંની જેમ સળવળતાં હતાં. એક તરફ કશુંક ખોદકામ ચાલતું હતું એનો અવાજ સઘળા કોલાહલને દાબી દેતો હતો. એકાએક આશાને એકલું લાગ્યું. અનુરાગ નહીં આવે તો? લંડનમાં એકલતાને કોઈ સ્થાન નથી.

હવામાં બરફનો ઠાર હતો. એના ગાલ ખોટા પડી જતા જણાયા. આછા પવનમાં એના વાળ ગાલ સાથે અથડાતા હતા. એ એક હાથે વાળને કાન પાછળ ગોઠવવાની રમત રમતી હતી. એ ઘડિયાળમાં જોતી હતી, મિનિટમાં સાઠ કરતાં વધારે સેકન્ડ હોવી જોઈએ. એક ઘડી એને વિચાર આવ્યો કે ન્યૂયૉર્કમાં કેટલા વાગ્યા હશે? બળવંતને રાતના ફોન કરી દેશે. અત્યારે તો એ લંડનમય હતી. કોઈ વાર્તારસમાં ખૂંપેલા જીવ સમી લંડનના અદમ્ય ભરડામાં આશા જીવી રહી હતી.

પોતે અનુરાગની રાહ જોતી ઊભી હતી એને બદલે એણે અનુરાગને રાહ જોવડાવી હોત તો? એને જીની બની જવાનું મન થયું. ટિકિટબૂથની સામે એક ટ્રાવેલ એજન્સી હતી એના પગથિયા પર દેખાય નહીં એમ જઈને ઊભી રહી. પાંચેક મિનિટ પછી અનુરાગને આવતો જોયો. હાથમાં ગિફ્ટ રેપ કરેલું સરસ લાલ ગુલાબ હતું. એ ત્યાં જ ઊભી રહી. અનુરાગ ટિકિટના બૂથની આગળપાછળ જઈ આવ્યો. ઘડિયાળ ચેક કરી. આશા ફસકી તો નહીં જાય ને? થોડો ટટળાવીને આશા ધીરે ધીરે પ્રવાહમાં ખેંચાતી હોય એમ અનુરાગ પાસે આવીને ઊભી રહી. હાથ જોડવા, હાથ મિલાવવા, હલો કહેવું, કેમ છો કહેવું કશું સૂઝ્યું નહીં એટલે આંખોથી સત્કાર કરી બંને સહજ ભેટી પડ્યાં. અનુરાગે આશાને ગુલાબ આપ્યું અને તરત એના હાથમાંથી લઈ, દાંડી તોડી, આશાના વાળમાં એક બાજુ બોબી પિનથી ખોસી દીધું. આશાને અનુરાગનું આ જેસ્ચર ખૂબ ગમ્યું. આશાની ધડકન થોડી વધી. એના સાક્ષી તેનાં સ્તનો હતાં.

નાટકની ટિકિટ લેવાઈ ગઈ. દોઢેક કલાકની વાર હતી. સ્ક્વેર પાસે એક સ્વિસ મકાનની ઉપર એક શોભામય ટાવરઘડિયાળ હતી. પંદર પંદર મિનિટે ઘડિયાળના ડાયલની બંને તરફ મૂકેલાં યાંત્રિક પૂતળાં એક ઘંટ ઉપર હથોડા પછાડતાં હતાં. તેની પાસે પિટ્ઝા હટની દુકાન હતી. બંને એ તરફ જતાં હતાં અને એક જમૈકન માણસે એમને આંતર્યાં. એના ઘેરા અવાજમાં ને સેલ્સમૅનની મીઠાશથી એણે આશા સામે જોઈ કહ્યું, ‘એય છોકરી, તારો વર કાળો છે.’

અનુરાગ હસી પડ્યો. જમૈકને એમને થોડાંક કવર ધર્યાં. ‘આમાંથી તમે બંને એક એક ખેંચો.’ ખેંચેલા કવરમાં ખેંચનારને શું ઇનામ મળશે તે લખેલું હતું. અનુરાગે કવર ફાડીને જોયું તો એને ફ્રેન્ચ વાઇનની બૉટલનું ઇનામ મળેલું. આશાએ મશ્કરીના દેખાવથી બીજું કવર ખેંચ્યું તો પેરિસની સાત દિવસની સફર! જમૈકન હિલોળા લેતો બોલવા માંડ્યો. ‘પેરિસમાં મિસ્ટર ઍન્ડ મિસિસ જલસા કરશે, વા વા વા.’ મિસ્ટર ઍન્ડ મિસિસ હસ્યાં. જમૈકને અનુરાગને કોણી મારી કહ્યું, ‘મેં કહેલું ને કે તારી બૈરી નસીબદાર છે.’ જમૈકન એમને બંનેને પકડીને મકાનની અંદર લઈ ગયો. ટ્રાવેલ કંપનીની ઑફિસ હતી. ફૂલોથી સજાવેલા રિસેપ્શન ડેસ્ક પર બે અંગ્રેજ છોકરીઓ બેઠી હતી તેમાંથી એક લાલ વાળવાળીને ‘જીતેલું’ કાર્ડ આપી ઉપરીને બોલાવવા જણાવ્યું. આશાને પૂછ્યું, ‘તમારું નામ શું?’

અનુરાગે કહ્યું, ‘ફ્લેમિન્ગો!’

‘અટક?’

‘ઇનામદાર.’

એમને સમજાવટભર્યાં ટેબલ પર બેસાડી જૈમકને પૂછ્યું, ‘મિસ્ટર ઍન્ડ મિસિસ ઇનામદાર, તમે બેસો, હમણાં અમારા ઑફિસર આવશે. તે તમને પેરિસ મોકલવાની વ્યવસ્થા કરશે. ચાકૉફી કાંઈ લેશો?’

જમૈકન રૂપાની કીટલીમાં ચા લઈ આવ્યો. બોન ચાઈનાનાં કપરકાબી હતાં એની ઉપર ઝીણાં પારિજાતનાં ફૂલો ચીતરેલાં હતાં. આશાએ પોતાની પર્સમાંથી ચાના મસાલાની શીશી કાઢી. અનુરાગ તે જોઈ હસી પડ્યો. ‘હજી ચાલે છે?’

ચા પીતાં પીતાં આશાને થયું, પેરિસની વાત તો નક્કી કોઈ તરકટ હશે. પણ ધારો કે જવાય તો… પેરિસની હોટલના રૂમમાં શાવર હશે? ખંડમાં એમના જેવાં જ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ’નાં જોડાં બેઠાં હતાં. કશાંક ફૉર્મ ભરતાં હતાં. જમૈકન એમને એક ફૉર્મ આપી ગયો. તેમાં ‘દંપતી’ની વિગતો ભરવાની હતી. નામ, ઠેકાણું, આવક…

‘હલો, મિસ્ટર ઍન્ડ મિસિસ ઇનામદાર! મારું નામ બ્રાયન મેકડોનલ્ડ!’ અફસરે અભિનંદન આપ્યાં. ‘પેરિસ જવાનો લહાવો મળશે! આહ, તમારી એવી ઈર્ષા આવે છે. તમે જુવાન છો. તમારે આવી રસિક પત્ની છે. અને પેરિસ.’ બ્રાયને અનુરાગને ધબ્બો માર્યો. ‘ઇનામ આપતાં પહેલાં તમારે સોગંદથી જાહેર કરવાનું કે તમે બંને પતિપત્ની છો, સાથે રહો છો, અને તમારી કમ્બાઈન્ડ આવક અઢાર હજાર પાઉન્ડથી વધુ છે.’

‘જરૂર. કેમ ડાર્લિંગ?’

‘હવે હું અમારી સ્કીમ સમજાવું. અમારી શરત એવી છે કે તમારા જેવાં પતિપત્નીને જ આ ટ્રીપ ઑફર કરીએ છીએ. એ આપતાં પહેલાં એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટની ફિલ્મ બતાવીએ છીએ. તમારે કાંઈ ઇન્વેસ્ટર કરવું તે ફરજિયાત નથી, પણ ફિલ્મ જોવી ફરજિયાત છે.’

બ્રાયન બોલતો હતો. આશા ‘મિસિસ ઇનામદાર’ના સ્વાંગમાં માથું હલાવતી હતી. આશા બળવંત શાહ કે આશા ઉષાકાન્ત પારેખ નહીં પણ ફ્લેમિન્ગો ઇનામદારનો પાઠ ભજવવાનો આ પ્રસંગ એને ચાનક ચડાવતો હતો. મિસ્ટર ઍન્ડ મિસિસ ઇનામદાર ફ્લાય ટૂ પેરિસ! ત્યાંના કાફે, મ્યુઝિયમ, મોના લિસા… મોના લિસાની છબિની સામે ઊભાં રહી મિસ્ટર ઍન્ડ મિસિસ ઇનામદાર આલિંગન કરશે. અને મોના લિસા હોઠ ખોલી હસી પડશે.

‘અત્યારે તો અમારે નાટક જોવા જવાનું છે.’ મિસ્ટર ઇનામદારે કહ્યું. ‘બીજી એપોઇન્ટમેન્ટ આપો.’

બ્રાયન નિરાશ થઈ ગયો. એણે બે દિવસ પછીની નવી એપોઇન્ટમેન્ટ ગોઠવી. જરૂર આવવા વીનવ્યાં. ‘નહીંતર આ લોકો મને ધમકાવશે.’ બ્રાયને ફ્લેમિન્ગોનો હાથ ચૂમ્યો. ‘ચોક્કસ આવજો.’ બ્રાયન બારણા સુધી મૂકવા આવ્યો અને પગથિયે ઊભા રહી હાથ હલાવતો રહ્યો. મિસ્ટર ઍન્ડ મિસિસ હાથમાં હાથ નાખી પિટ્ઝાની દુકાનમાં પ્રવેશ્યાં.

આશા અને અનુરાગ પિટ્ઝાની એક એક સ્લાઇસ ખાઈને નાટકમાં ગયાં. ‘ઇન્વાઈટ મિ હોલહાર્ટેડલી’ નામનું પ્રહસન હતું. નાટકના સંવાદો અને પ્લોટ એટલાં રમૂજી હતાં કે હોઠમાંથી સતત હાસ્યના ફુવારા ફૂટતા હતા. આખું ઓડિયન્સ એમાં ભાગ લેતું હતું. નાટક દરમિયાન વાત કરવાનો અવકાશ જ નહોતો. આશા અને અનુરાગની આંખો તખ્તા પર હતી પણ આંખોને ખૂણે એકબીજા બેઠાં હતાં. શ્વાસની ચડઊતરનો અનુભવ થતો હતો. આશાને પીટર બ્રૂકનો ચીટિયો યાદ આવ્યો.

નાટકમાં એક શાવરનું દૃશ્ય હતું.

આશાએ બારણું બંધ કર્યું. અનાવરણ થઈ. શાવરમાં પ્રવેશી. પડદો બંધ કર્યો. શાવર ચાલુ કર્યો. શાવરનો ફુવારો એની પર છવાઈ ગયો. બાથરૂમનું બારણું ધીરેથી ખૂલ્યું. હળવે પગલે અનુરાગ પણ શાવરમાં પ્રવેશ્યો. આશા મૂંઝાઈ ગઈ. ન અનુરાગના મુખ તરફ જોઈ શકી કે ન આંખો એના પલળતા શરીર પર ટકી શકી. ધોધમાર પડતા પાણીનું સુખ આશાને સાતમે આસમાને લઈ ગયું. અચાનક અનુરાગનો હાથ ખુરશીના હાથા પરથી ખસી એને સહેજ સ્પર્શે છે. આશા કંપી ઊઠે છે. દૃશ્ય બદલાઈ જાય છે.

ધીરે ધીરે નાટક પૂરું થાય છે.

અનુરાગ સાથે નાટક જોયાનો નશો આશાના અવાજમાં હતો. એનો અવાજ સ્પષ્ટ નીકળતો નહોતો. થિયેટરની બહાર વરસાદ પડી ચૂક્યો હતો. રસ્તા ભીના હતા. એને કાંઈ કહેવું હતું. એને ક્યાંક જવું હતું. ચાલતાં ચાલતાં આશાનું શરીર સમતુલા ગુમાવી બેઠું. અનુરાગે હાથ લંબાવી એનો હાથ પકડ્યો. અનુરાગ શું જાણી ગયો હશે? અચાનક લંડનના આકાશમાં વાદળાં આવ્યાં. અને વરસાદ પડ્યો. શાવરની ફૅન્ટસી શું ઈશ્વર પણ જાણી ગયો હશે?

અનુરાગે નાટકની ચોપડી માથે ઓઢી. આશાએ છત્રી ઓઢી. મિસિસ ઇનામદારે મિસ્ટર ઇનામદારને છત્રીમાં આવી જવા સૂચવ્યું. અનુરાગ નીચો વળી નાનકડી છત્રીમાં માથું નાખી ચાલવા લાગ્યો. આશાને થયું, મારી છત્રીમાં આનું માથું! આશાએ સ્વસ્થતા ભેગી કરી. હજી ચાર જ વાગ્યા હતા. એને ચાલ્યા વિના લંડન ફરવા જવું હતું. વાતો કરવી હતી. એણે બોલવું ન પડ્યું. બંને બસસ્ટૉપ પાસે ઊભાં.

પહેલી જ બસ પંદર-બી આવી અને વરસાદમાં દોડીને બંને ઉપલા માળે ચડી ગયાં. બસમાં! આમ જ એક વાર એ રાકેશની સાથે ન્યૂયૉર્કની બસમાં મેનહેટનના એક છેડેથી બીજે છેડે ગઈ હતી. અને આજે લંડનમાં અનુરાગની સાથે.

લંડન! લંડનનું આકાશ હાથ લંબાવો ને હાથમાં આવી પડે એટલું ઝૂકી આવ્યું હતું. ચાહે તો આશા તારા તોડી શકે એમ હતી.

આશાનો દુપટ્ટો એના શ્વાસની અવરજવરથી કાંપતો હતો. કશુંક બદલાઈ ચૂક્યું હતું. એના વાળમાંથી પાણી ટપકતું હતું. એનું શરીર રજાઈમાં લપેટાઈ જવા માગતું હતું. છતાં એનું મન બધાં આવરણ ઉતારી ઠંડી હવાનો સ્પર્શ ઝંખતું હતું. બંને વાતો કરતાં હતાં. બે વાક્યો વચ્ચે વચ્ચે આશાને શાવરનું ખાનગી દૃશ્ય યાદ આવી જતું હતું. શાવરમાંથી બહાર નીકળેલાં ચાર પગલાંને તે મનોમન જોયા કરતી હતી. નાનપણથી બધું ભીનું ભીનું એને ખૂબ ગમતું. કોરાપણાથી તે દૂર ભાગતી. આંખો પણ તેને ભીની જ ગમતી. ચપટીમાં એની આંખોમાં ઝળઝળિયાં આવી જતાં. આશા સહેલાઈથી રડી પડતી, સહેજમાં હસી પડતી. અને સહેલાઈથી એનાં સ્તન ઉત્તેજિત થઈ જતાં.

આશા ક્યાં દોડી રહી હતી? પેરિસ, અનુરાગ, પેરિસના શાં સેલિઝેના રસ્તે પરસ્પરની કમરે હાથ વીંટાળી વરસાદમાં ફરવું. લંડન શું ખોટું હતું? લંડનની મેફ્લાવર હોટલની ઉષ્માદાર પથારીમાં પરસ્પરની કમરે હાથ વીંટાળી, મીણબત્તીના તેજમાં ઉત્તેજિત બની અનંગરાગ ગાતાં શાવરમાં જવું. બળવંત, રાકેશ, પેટ્રિક અલોપ થઈ ગયા.

અનુરાગ આશાની નજર સામે અને એના ખભાની પાસે હતો. ભૂલથીયે ખભો અડકે નહીં તેની કાળજી લેતો હતો. ‘ટ્રફ્લગર સ્ક્વેર, પાર્લમેન્ટનાં મકાનો, માર્બલ આર્ચ…’ પસાર થતાં સ્થળો ચીંધી બતાવતો હતો.

અનુરાગના શબ્દો એના કાનની છીપમાં મોતી થઈને ઊગે છે. આ બસ અટકશે નહીં. બધા મુસાફર ઊતરી જશે, અને ઉપરની ડેકમાં આપણે સામસામા શ્વાસની અંતકડી રમીશું.

આશાના ભીના ખભામાંથી એના શરીરની ગરમીની વરાળ નીકળતી હતી. આશાને ખભે કોઈકનો હાથ પડ્યો. પાછળની સીટમાં એક હબસી કુટુંબ હતું. હબસી સ્ત્રીએ એના પહેરવેશનાં વખાણ કર્યાં. હબસી પુરુષે અનુરાગને કહ્યું, ‘તારી વહુ રૂપાળી છે.’ બંને હસી પડ્યાં. ‘તું હસે છે ત્યારે મીઠી લાગે છે.’ એ કાળી સ્ત્રી હસતી ત્યારે એના દાંત ઘેરા વનમાં ધવલ સ્નો પડ્યો હોય તેવું લાગતું.

હબસી યુગલે થોડી વારે પૂછ્યું, ‘ક્યાં જાઓ છો?’

બંનેએ સાથે જવાબ આપ્યો, ‘છેલ્લા સ્ટૉપ સુધી.’

આશાએ ધીમા સાદે જણાવ્યું, ‘મારે સાત વાગ્યે હોટલ પહોંચવાનું છે.’

અનુરાગે ઘડિયાળ તરફ જોયું. એમણે ટ્યૂબ સ્ટેશન જવું જોઈએ. અનુરાગે હબસીને પૂછીને જાણ્યું કે સ્ટેશન બહુ દૂર નહોતું. બંનેને કમને બસમાંથી ઊતરી જવું પડ્યું. આશાને તો ખાસ. એને તો આ બસમાં જ કદાચ પેરિસ જવું હતું. અનુરાગની આડીઅવળી વાતોમાં સ્ટેશન આવી ગયું.

પ્લૅટફૉર્મ પર કમ્પ્યુટરાઇઝ્ડ નોટિસબૉર્ડ હતું. આશા તો આ વિચારમાં ડૂબેલી હતી. વિચાર કરવા એને ખૂબ ગમે. અનુરાગે નોટિસબૉર્ડ જોઈને પ્લૅટફૉર્મની જાણ કરી. ત્યાં જતાં જ ટ્રેન આવી. ટ્રેનમાં બેસીને અનુરાગે લંડનની ભૂગર્ભ ટ્રેન વિશે, સ્ટેશનો વિશે, લંબાણથી માહિતી આપવા માંડી.

આશાના કાનમાં કોઈ શબ્દ વીંધાતો નહોતો. અનુરાગને હવે જુદા સ્વરૂપમાં જોતી હતી. આશાએ અનુરાગને શાવરમાં જોયો હતો. એણે એ દૃશ્ય વિસ્તાર્યું. શાવર પછી અનુરાગનો જાડો ટુવાલ શરીર પરથી વહી જતાં બિંદુઓને શોષી લેશે. અનુરાગ બાથરોબ પહેરશે. બેડરૂમમાં જશે. ખૂણાના ટેબલ પરના લૅમ્પની સ્વિચ ઑન કરશે. વાતાવરણને અનુરૂપ કૅસેટ શોધીને વગાડશે અને આશાના નિરાવરણ દેહનું, શિરીષના ફૂલની જેમ માવજત કરશે. આશાના તૂટતા શબ્દો કહેશે ‘અનુરાગ, પ્લીઝ… પ્લીઝ…’ એ ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં નહીં પણ બેડરૂમના પોતે જ કંડારેલા એક કમ્પાર્ટમેન્ટમાં જીવી રહી હતી.

ઊતરવાના સ્ટેશનને ત્રણ સ્ટેશનની વાર હતી. ત્રણેક મિનિટમાં અનુરાગથી છૂટા પડવું પડશે. આજનો દિવસ લંબાવી શકી હોત તો? છૂટાં પડતાં અનુરાગને શું કહેશે? કેવી રીતે વિદાય આપશે? ટિકિટના બૂથ પાસે મળેલાં ત્યારે સૂઝ્યું નહોતું કે હાથ જોડવા, હાથ મિલાવવા, હલો કહેવું પણ જેવાં મળ્યાં એવાં ભેટી પડેલાં એમ ભેટી પડશે કે પછી ગાલે-હોઠે ચુંબન કરશે? એને તો બહુ મન હતું કે આખા દિવસ દરમિયાન ક્યારેક ચુંબન કરી શકી હોત. આ ત્રણ મિનિટ પછી પાછાં ક્યારે મળાશે? ફરી પાછી એ ફ્લેમિન્ગો બનીને ક્યારે જીવશે?

અનુરાગે હાથ લાંબા-પહોળા કરી સ્ટેશનનો નકશો સમજાવ્યો. ‘સાચવીને જજે.’ અનુરાગ છેલ્લા શબ્દો બોલ્યો. આશા ઊતરવાને ઊભી થઈ. શિફોનનો દુપટ્ટો સરી જતો હતો. આખો દિવસ ઠંડી હવાને લીધે વાળ વીંખાયા હતા. આશાને થયું, હમણાં અનુરાગ એના વાળમાં હાથ ફેરવશે. વીંખાયેલા વાળને જતનથી કાન પાસે ગોઠવશે. એ ગોઠવતો હશે ત્યારે એ એની આંખમાં ડૂબી જશે. એની આંખો બંધ હશે, અને અનુરાગ એના હોઠ ચૂમી લેશે.

‘તમે ઊતરો છો?’ પાછળથી કોઈ પેસેન્જરે પૂછ્યું.

અનુરાગમનસ્ક આશા કશું બોલી નહીં. પણ સહજ બારણા પાસે ધકેલાઈ. બારણું ખૂલ્યું, એ ઊતરી, અનુરાગ ઊભો હતો અને બારણું ઝટ વસાઈ ગયું.

*

આશા મેફ્લાવર હોટલમાં પાછી આવી. પર્સ ખાટલા પર મૂકી સલવાર-કુરતું ઉતાર્યાં. બાથરૂમના અરીસા સામે ઊભી રહી. ફ્લેમિન્ગોના પાતળા પગ જોયા. મોં પર ખુમાર શાનો હતો? ગાલ પર ગુલાબી ગુલાબી શું હતું? અનુરાગ અત્યારે તેને જુએ તો?

કપડાં બદલાવી આશા ફરી બહાર નીકળી. વિક્ટોરિયા સ્ટેશન નજીક હતું. પેટ્રિક વિક્ટોરિયા સ્ટેશન પર સ્કાર્ફની દુકાન પાસે ઊભો હતો.

*

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book