હિંદુ સમાજ

આપણો હિંદુ સમાજ
કેટલો
ઉત્કૃષ્ટ હતો!
કેટલો
સર્વશ્રેષ્ઠ હતો!
ખાસ કરીને છોકરીઓની બાબતમાં.
એ એમને કહેતો:
શાળાની કેળવણીની અપેક્ષા નહીં રાખવાની
સારાં મા-દીકરી બનવાનું
ડાહ્યાડમરા બનવાનું
સરળ થવાનું
નીચી નજરે જોવાનું
સહનશીલ વૃત્તિવાળા થવાનું
હોઠ સીવેલા રાખવાના
બળવો નહીં પોકારવાનો
કોઈ ખરાબ કરે એ સારા માટે એમ માનવાનું
કોઈ તમાચો મારે તો બન્ને ગાલ ધરવાના
કુટુંબ નભાવવાનું અને કુટુંબમાં નભી જવાનું
પતિને પરમેશ્વર માનવાનો
પતિ અવસાન પામે તો જિંદગીભર મૂરઝાયેલા રહેવાનું
છોકરા લાડકોડથી ઉછેરવાના
એમને સારા સંસ્કાર આપવાના
એમને પૂરતું શિક્ષણ આપવાનું…
સાચે જ.
છોકરીઓની બાબતમાં
આપણો હિંદુ સમાજ
કેટલો ઉત્કૃષ્ટ હતો!
કેટલો સર્વશ્રેષ્ઠ હતો!

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book