રંગઝરૂખે

આજ સુધી
હું નહોતી માનતી
પણ
હવે મને એમ લાગે છે
કે
મારી પાસે
ચિત્રકારની પીંછી છે.
મારી આંગળીઓમાં
ભમરા છે
તમરાં છે
આગિયા છે
પતંગિયાં છે
અને વીંછી પણ છે.
મારી પાસે
આકાશ જેવો
વાદળ વિનાનો
કે
કોઈ પણ હાંસિયા વિનાનો
હું ધારું તે
ચિત્ર કે વિચિત્ર
હું દોરી શકું એવો
હૂંફાળો કાગળ છે.
કેટલી બધી સામગ્રી છે
મારી પાસે
પણ
આ સામગ્રી
માત્ર સામગ્રી છે.
હું
ક્યારેય એનો ઉપયોગ કરીશ
એની પોતાની
મને જાણ નથી.
માત્ર આટલું જ જાણું છું
કે
મારો પોતાનો કહી શકાય એવો
કાગળ છે
અને
મારી પોતાની પીંછી છે.
આ પીંછીમાં લપાયા છે
કેટલાય રંગ.
રાતના અંધકાર જેવો
કાળો રંગ.
સૂર્યનાં કિરણો જેવો
સોનેરી રંગ.
કોઈક અંધારું ગાય છે.
કોઈક અજવાળું ગુંજે છે.
તડકો અને ચાંદની
એ બન્ને સંપીને
છુપાઈ ગયાં છે
મારી પીંછીમાં.

હું
વાસ્તવનું કલ્પના સાથે
અને
કલ્પનાનું વાસ્તવ સાથે
અને
વાસ્તવ અને કલ્પનાનું
પરાવાસ્તવ સાથે
કોઈ પણ પૃથક્કરણ કર્યા વિના
સંયોજન કરી શકું છું.
તમે નહીં માનો
પણ
મને રંગોની સિમ્ફની સંભળાય છે.
મારી પીંછીમાં
જળના લસરકા છે
અને
વીજળીના ઝબકારા છે.
હું
બધાં દૃશ્યોમાં
અદૃશ્ય રહીને
ક્યાંક ને ક્યાંક
મને ગોઠે એમ
ગોઠવાઈ જાઉં છું.
કોઈ પણ પ્રકારનું
સમાધાન કર્યા વિના
સ્વમાનપૂર્વક
મારાં સંતાનની જેમ અદૃશ્યને ઉછેરી શકું છું—
અને
એને કાગળ પર દોર્યા પછી
મારા મનથી
વાસંતી વૃક્ષ મોર્યા પછી
એની લગોલગ રહી
અલગ થઈ શકું છું.
ક્યાંય મૂકતી નથી
મારી સહી.
હું પોતે ક્યાંક
શાશ્વતીના સૂરમાં વહી શકું છું.
મારું ચિત્ર
એ મારી ભાષા.
મારી ભાષાને વાંચવાનું કામ
હું હંમેશાં
પૂર્વગ્રહ કે પક્ષપાત વિનાની
અભણ આંખોને સોંપી દઉં છું.
હું
મારા ચિત્રમાં
કદીય બંધાતી નથી,
કારણ કે
એક ચિત્ર પૂરું કર્યા પછી
કોઈ બીજા ચિત્રની
પૂર્ણતા તરફ વળવાનો
પ્રયત્ન કરું છું.

હું ક્યારેક
કોઈ ઘર દોરું છું.
એ ઘરની આસપાસ
શેવ કરેલા પુરુષની
સફાઈદાર દાઢી જેવી
લૉન ઉગાડું છું.
મને
મારા ઘર જેટલો જ
મારા પુરુષમાં પૂરતો રસ છે.
ચિત્રની સાથે સંકળાય છે
કામક્રીડાઓ—
કોઈ પણ પીડા વિનાની.

મને
લીલુંછમ ઘાસ ખૂબ ગમે છે.
એ ઘાસની ભીનાશમાં
હું પ્રસન્નતાથી આળોટું છું
અને
આંખ આકાશ તરફ રાખું છું.
ધરતી અને આકાશની વચ્ચે
અદૃશ્ય પવનની લહેર જેમ
હું
કોઈ પણ હેતુ વિના
સેતુ થઈ જાઉં છું.

મને
ભૂરા રંગનો પણ મોહ છે.
આછો ભૂરો
ઘેરો ભૂરો.
તમે નહીં માનો
પણ રંગોના સ્વાદની મને ખબર છે.
ક્યારેક
એ ખટમીઠો હોય છે
ક્યારેક
એ સ્ટ્રૉબેરી જેવો મધમીઠો હોય છે
તો ક્યારેક
એ તૂરો પણ હોય છે.
પણ મને
કડવાશમાં કોઈ રસ નથી.

ક્યારેક
સામસામાં ઘરોની વચ્ચે
ઘરોથી વીંટળાયેલાં વૃક્ષોની વચ્ચે
મારી જ દોરેલી
મારી કેડી પર
વિવિધ રંગોના
આછાં ઘેરાં પગલાં મૂકતી ને મૂકતી
આગળ ને આગળ
ચાલી નીકળું છું
સહેજ પણ પાછળ જોયા વિના.
ભૂતકાળને ઊંચકીને ચાલવામાં
મને રસ નથી.
નહીં જન્મેલા બાળક જેવી
આવતી કાલમાં પણ મને રસ નથી.
હું તો ઝૂકું છું
ક્ષણેક્ષણના રંગઝરૂખે.

હા,
કોઈક વાર પાનખરનું વૃક્ષ દોરું છું.
મને પાનખરનું વૃક્ષ
નિર્ધન મનુષ્ય જેવું
ક્યારેય નથી લાગ્યું.
એ તો મને હંમેશ લાગે છે
કોઈ ફકીર જેવું
જેની ભીતર
કોઈ પણ અપેક્ષા વિનાનો
વાસંતી વૈભવ છુપાયો હોય.
મને ભવોભવ
આવો વૈભવ
તન ભરીને
મન ભરીને માણવો
ચિક્કાર ગમે છે.

રેડ વાઇનને પીતી હોઉં એમ
હું રંગોને પીઉં છું.
ક્યારેક
હું સ્વયં કાગળ
હું સ્વયં પીંછી
મારી આંગળીઓમાં
ભમરા છે
તમરાં છે
આગિયા છે
પતંગિયાં છે
અને વીંછી પણ છે.
મારી પાસે
આકાશ જેવો
વાદળ વિનાનો
કે
કોઈ પણ હાંસિયા વિનાનો
હું ધારું તે
ચિત્ર કે વિચિત્ર
હું દોરી શકું એવો
હૂંફાળો કાગળ છે.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book