સાંજ ઢળીને રગરગમાં

સાંજ ઢળીને રગરગમાં આ દીવા સ્મૃતિના સળગ્યા,
બુઝાવવા હું જાઉં ત્યાં તો મેંદીરંગ્યા હાથને એ તો ઝાળ થઈને વળગ્યા.

સાંજ પડે ને કોઈ વૃક્ષ પર પંખી પાછાં આવે
એમ અચાનક અહીંયાં આવ્યું પંખીઓનું ટોળું.
સાનભાન હું ભૂલું છતાંયે સભાન થઈને કાન કરું છું બંધ
તોય ન જાણે શાને હું તો ગુમાઈ ગયેલા ચહેરાને રે ખોળું.
કોરો આ વરસાદ ને તોયે અઢળક અઢળક અંગ અંગ આ પલળ્યાં
સાંજ ઢળી ને રગરગમાં આ દીવા સ્મૃતિના સળગ્યા.

રાત પડે ને અંધારું આ એકલવાયું
ધખ ધખ ધખતી પથારીમાં એ મૌન થઈને કણસે
હું પણ મારી સાથ અબોલા કાયમના લઈ લઉં
એવી વહાલવિહોણી રાત હવે તો વણસે
દૂર દૂરથી દોડી આવી કઈ નદીનાં નીર આંખમાં પૂર થઈને ડળક્યાં.
સાંજ ઢળી ને રગરગમાં આ દીવા સ્મૃતિના સળગ્યા.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book