ભાવપ્રદેશમાં
મારા
વિશાળ ઘરના
નાનકડા ખૂણામાં સ્થાપેલા મંદિરમાં
ઈશ્વર સમક્ષ
રોજ દીવો કરી
બંધ આંખે પ્રાર્થના કરું છું ત્યારે
વર્ષો સુધી
આંગણાના તુલસીકૂંડાની પ્રદક્ષિણા ફરી
સૂર્ય તરફ પાણી છાંટી
બંધ આંખે
કશુંક પ્રાર્થતી
મા યાદ આવે છે.
મારા મનમાં
મારા ઘરનો એકાંત ખૂણો
માનું આંગણું
અને
અમારી વૈયક્તિક મૂક પ્રાર્થનાઓ—
સઘળું સેળભેળ થઈ જાય છે.
હું
મનને ફરીથી બરાબર ગોઠવી શકું
એ પહેલાં જ
પાછળથી ધક્કો દઈ
હડસેલતો સમય
મને
તાણી જાય છે
દાયકાઓ પહેલાંના
ભાવપ્રદેશમાં
જ્યાં
માની સાડીનો પાલવ પકડી
એક નાની બાળકી
તુલસીકૂંડાની પ્રદક્ષિણાને
અને
સૂર્ય તરફ પાણી છાંટી
બંધ આંખે થતી પ્રાર્થનાની
પ્રક્રિયાને
કુતૂહલથી જોઈ રહે છે.
અને પછી
મૂગી પણ હસતી માને વળગી પડે છે.
આજે
મન પૂછે છે—
તુલસીકૂંડાની એ પ્રદક્ષિણામાં
મારે માટેની
માની પ્રાર્થના
ફસડાઈ પડી હશે?