કોણ કહે છે?

મેં વર્ષોથી ભારત છોડી દીધું છે.
ન્યૂયોર્કના
શીતલ એરપોર્ટ પર
પરદેશી પોશાકમાં
કોઈનું ધ્યાન ન દોરી શકતી હું
મસાલાને બદલે
લીંબુના રસવાળી ચ્હાની મઝા
માણી શકું છું.

મારા પાસપોર્ટના ભારતીય ચહેરા પર
અમેરિકન આંગળાંઓ
અને અમેરિકન સિક્કાઓની છાપ
ક્યારની પડી ચૂકી છે.

તું હવે આવવો જ જોઈએ-ના
ખ્યાલમાં
‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ ઉથલાવું છું.
ટેવ મુજબ
નજર ખોડાઈ જાય છે
ભારતીય સમાચારને પાને…
આંખો અહેવાલ વાંચે છે ત્યારે
મન
મુગ્ધા બનીને
અંધેરીના પરિચિત ઘરમાં વિહરી આવે છે.
અને પછી
અમેરિકાના
અને બીજા આંતરરાષ્ટ્રીય સમાચારમાંય જાણે
શોધું છું કેવળ ભારતને…

કોણે કહે છે
મેં વર્ષોથી ભારત છોડી દીધું છે?

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book